રાજ્યભરના માર્કેટયાર્ડમાં 67 લાખ ક્વિન્ટલ અનાજ-ખાદ્ય ઉત્પાદનો વેચાણ માટે ખેડૂતો લાવ્યા

કોરોના વાયરસ કોવિડ-19ની વિશ્વ વ્યાપી મહામારી સાથે મહામારી સામે સતર્કતાપૂર્વક જનજીવન પૂર્વવત કરવા રાજ્યમાં ઉદ્યોગ, વેપાર, ધંધા-રોજગાર ખેતીવાડીની પ્રવૃતિને વેગ આપવામાં આવી રહ્યો છે.

લોકડાઉન-4માં કેટલીક શરતો અને નિયમોને આધીન આપેલી છુટ્ટછાટોને પરિણામે રાજ્યના માર્કેટયાર્ડ પણ ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિઓથી ધમધમતા થયા છે. રાજ્યના માર્કેટયાર્ડ ૧૫ એપ્રિલથી કાર્યરત કરવાની અનુમતિ આપી હતી.

સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડમાં તા.૨૩મી મે સુધીમાં કુલ ૬૬ લાખ ૪૯ હજાર ૨૫૪ ક્વિન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે.

આ અનાજમાં 19,37,161 ક્વિન્ટલ ઘઉં 14,66,492 ક્વિન્ટલ એરંડા, 3,53,182 ક્વિન્ટલ કપાસ તેમજ 1,83,794 ક્વિન્ટલ તમાકુ અને 2,85,197 ક્વિન્ટલ ચણા મુખ્યત્વે ખેત ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને તુવેર તેમજ રાયડો અને ચણાની ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને ગુજકોમાસોલ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા 23,437 મેટ્રિક ટન ઘઉં તેમજ 11,583 મેટ્રીક ટન તુવેરની ખરીદી અત્યાર સુધીમાં કરવામાં આવેલી છે.

ગુજકોમાસોલ પણ રાજ્ય સરકાર વતી ચણા અને રાયડાની ખરીદી કરે છે તે અંતર્ગત 73,574 ચણા અને 12,213 મેટ્રિક ટન રાયડો ખરીદ થયો છે.