કોરોના નિયમોનો ભંગ કરી ધમધમતુ ખાણીપીણી બજાર બંધ, માણેકચોકનું ખાણીપીણી બજાર પણ બંધ

દેશમાં કોરના વાયરસનો કહેર વધતો જ જઈ રહ્યો છે. ત્યારે શહેરનાં પ્રખ્યાત માણેકચોક ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા ચાલુ કરવામાં આવી હતી જે પણ વિવાદને કારણે બંધ કરી દેવામાં આવી છે. AMCએ બુધવારે સાંજે માણેકચોક ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું છે. આ સાથે ઇસ્કોન બ્રિજ પાસેનાં ખુલ્લા પ્લોટમાં ધમધમતુ ખાણીપીણી બજાર મોડી રાત સુધી ચાલતા વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડીને 8 લારી માલિકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, કોરોના વાયરસનાં સંક્રમણ વધારે ન વકરે એટલે AMC દ્વારા અમદાવાદીઓને પુરેપૂરીછૂટ આપી નથી. હોટલો અને ખાણીપીણીની લારીઓ રાતે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે.

ઈસ્કોન બ્રિજના છેડે આવેલા ગણેશ ચોક ખાતેના ખુલ્લા પ્લોટમાં ભરાતું ખાણીપીણી બજાર રાતે 10.30 વાગ્યે પણ ચાલુ જ હતું. આ દરમિયાનમાં સેટેલાઈ પોલીસ પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે ત્યાંનું બજાર ચાલું જ હતું. જે જોતા પોલીસે સ્થળ પરથી 8 લારી સાથે તેના માલિકની ધરપકડ કરી હતી. આ તમામ સામે સેટેલાઇટ પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. આ પહેલા હેપ્પી સ્ટ્રીટ ખાણીપીણી બજર પણ રવિવારે બંધ કરાવવામાં આવ્યું હતું. માણેકચોક ખાણીપીણી બજારમાં પણ કોરોનાને કારણે સાંજે 8થી 10 વાગ્યા દરમિયાન પાર્સલ સેવા શરૂ કરાઇ હતી. જેમા પણ વિવાદ સર્જાતા તેને બંધ કરવામાં આવ્યું છે.