ગૌતમ અદાણીનું જીવન 10 હજાર શબ્દોમાં

18-8-2025
ગૌતમ અદાણીની સફળતાની આ સફર ઘણા બધા લોકો માટે પ્રેરણાસ્રોત તો છે પરંતુ એમની પ્રગતિ વિવાદોથી પણ ઘેરાયેલી છે. ગૌતમ અદાણી અમદાવાદમાં પોતાનો માલ વેચવા સાઇકલ પર ઘરે ઘરે ફરતા હતા. મીડિયાના સમાચારો અનુસાર આ અહેવાલ છે.

ગૌતમ અદાણીની દુનિયાના સૌથી ધનાઢ્ય ગણાતા પાંચ લોકોમાં ગણના કરવામાં આવે છે. પહેલાં તેઓ ગુજરાતના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા, પછી ભારતના.
નરેન્દ્ર મોદીની નિકટતાના કારણે ગૌતમ અદાણીની અસામાન્ય પ્રગતિ થઈ અને તેઓ ખૂબ ટૂંકા ગાળામાં દુનિયાના સૌથી ધનવાન લોકોમાંના એક બની ગયા. આ બાબતે પણ સવાલો ઊભા થતા રહ્યા છે.

ગૌતમ અદાણીનો જન્મ એક ‘મર્યાદિત સંસાધનો’ ધરાવતા પરિવારમાં થયો હતો.
સફળતા માટે સરકારી તંત્રમાંના પોતાના સંબંધોનો ઉપયોગ કર્યો. એમણે કાયદાની છટકબારીઓનો લાભ લઈને ઉદ્યોગ શરૂ કરવા માટે નજીવી કિંમતે જમીનો મેળવી.

અદાણીની કંપનીઓ ભારતની પ્રથમ પંક્તિની કંપનીઓની લાઇનમાં કઈ રીતે આવી ગઈ?

કૉલેજના પ્રથમ વર્ષે જ ભણવાનું છોડી દેનારા અદાણીએ સપનાં જોયાં અને ભારતના પ્રથમ Centibillionaire (સેન્ટિબિલિયનર) એટલે કે 100 અબજ ડૉલરથી વધારે સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિ બની ગયા.

અદાણી ગ્રૂપની કંપનીઓના શૅર આકાશને આંબે છે.

31 ડિસેમ્બર, 2019ના રોજ અદાણી ગ્રૂપ કંપનીઓની માર્કેટ કૅપિટલ 2 લાખ કરોડ રૂપિયા હતી, જે ઝડપભેર ઊછળીને સપ્ટેમ્બર 2022માં 20.74 લાખ કરોડે પહોંચી ગઈ હતી, અર્થાત્, 2019થી 2022 સુધીમાં દસ ગણી વૃદ્ધિ.

ગૌતમ અદાણી જ્યારે 15–16 વર્ષના હતા ત્યારે તેઓ પહેલાં સાઇકલ પર અને પછી સ્કૂટર પર કપડાં વેચવા જતા હતા. આ ઉંમરે ગૌતમ અદાણીના મિત્ર ગિરીશભાઈ દાણી હતા.
ગૌતમ અદાણી એક ફેરિયાની જેમ સાઇકલ પર ઘરે ઘરે અને દુકાને દુકાને કપડાં વેચવા જતા હતા. તેઓ ખૂબ મહેનતુ હતા.

ગૌતમ અદાણીની શરૂઆતના પુરાવા આજે પણ અમદાવાદના કોટ વિસ્તારમાં મળી આવે છે. એમના પિતાની દુકાન ‘અદાણી ટેક્સટાઇલ્સ’ના બોર્ડને ભલે કાટ લાગી ગયો હોય, પરંતુ તે હજુ પણ છે. સ્થાનિક દુકાનદારો કહે છે કે અદાણી પરિવારે આ દુકાન પોતાની પાસે જ રાખી છે (વેચી નથી.). ગૌતમ અદાણીના પિતાની આ દુકાન અમદાવાદના ખૂબ જ ભીડવાળા બજારમાં છે જ્યાં કપડાં અને સાડીઓની અસંખ્ય દુકાનો છે. સતત વ્યસ્ત રહેતા આ બજારમાં અદાણીના નામે બીજી પણ ઘણી દુકાનો છે, જેમાંની કેટલીક તો નવી છે. પરંતુ, અદાણી પરિવાર સાથે એનો કશો સંબંધ નથી.

ઘણી દુકાનો તો એ સમયની છે જ્યારે ગૌતમભાઈ કપડાંના વેપારી હતા. એ વખતે કોઈને એવી ખબર ક્યાં હતી કે આગામી ત્રણ-ચાર દાયકામાં એક દુકાનદાર દુનિયાનો બીજા નંબરનો ધનાઢ્ય વ્યક્તિ બની જશે.

ગૌતમ અદાણી પોતાના સતત ફૂલતાફાલતા બિઝનેસ સામ્રાજ્યને અમદાવાદસ્થિત મુખ્યમથકથી સંભાળે છે. શૅરબજારમાં લિસ્ટેડ અદાણીની સાત કંપનીઓનું બજારમૂલ્ય 235 અબજ ડૉલર (નવેમ્બર 2022) છે, જે ઘણા દેશોની જીડીપી કરતાં વધારે છે.

1970 અને 80ના દાયકામાં કોઈ પણ ભારતીય ઉદ્યોગપતિ માટે વિદેશમાં મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ ચલાવવી લગભગ અસંભવ હતી. ગૌતમ અદાણી, ભારતના એવા પહેલા ઉદ્યોગપતિ બન્યા છે જેઓ દેશની બહાર ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઇઝરાયલ અને ઇન્ડોનેશિયા જેવા ઘણા દેશોમાં મોટી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ ચલાવે છે. જોકે, ટાટા અને ઍરટેલ જેવી ભારતીય કંપનીઓ ઘણા દેશોમાં મોબાઇલ અને વાહનોના બિઝનેસમાં છે પરંતુ વિદેશમાં બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પ્રોજેક્ટ ચલાવવાની સફળતા અદાણી ગ્રૂપે પ્રાપ્ત કરી છે.

અદાણી ઑસ્ટ્રેલિયા, એબટ પૉઇન્ટ પૉર્ટ ટર્મિનલનું માલિક છે અને એને ચલાવે છે. આ ટર્મિનલ, ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં છેલ્લાં 35 વર્ષોથી પૂર્ણ જવાબદારી સાથે કોલસાની નિકાસ કરી રહ્યું છે.
નાણાકીય વર્ષ 2021–22માં એની કુલ આવક 70 હજાર કરોડ રૂપિયા હતી.

જો આઝાદી પછી ભારતની અર્થવ્યવસ્થા ટાટા અને બિરલાએ ઊભી કરી હતી તો 21મી સદીમાં અદાણી અને અંબાણી ભારતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જાય છે. અબજપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની તુલનાએ ગૌતમ અદાણી પોતાના પરિવારમાં પહેલી પેઢીના ઉદ્યોગસાહસિક છે. આ કારણે એમની સફળતા વધારે ખાસ બની જાય છે.

એમની આ પ્રગતિ રાજકીય સંબંધોના કારણે શક્ય થઈ છે.
બીજી ફેબ્રુઆરી, 2022ના રોજ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં દાવો કર્યો કે–
“અર્થવ્યવસ્થાના સંગઠિત ક્ષેત્રમાં એકાધિકાર સ્થિર કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ સૅક્ટર પર નજર નાખો અને હું તમને બે સૌથી મોટા એકાધિકારવાદી ઉદ્યોગપતિઓ વિશે થોડી માહિતી આપી દઉં (કેટલાક સાંસદ અદાણી અને અંબાણીનું નામ લે છે.). કોરોનાની મહામારી દરમિયાન, વાઇરસના ડેલ્ટા અને ઑમિક્રોન જેવા વૅરિયન્ટ જોવા મળ્યા હતા. પરંતુ, આપણા ભારતની લગભગ આખેઆખી અર્થવ્યવસ્થામાં ડબલ એ વૅરિયન્ટ ફેલાઈ રહ્યો છે. એક માણસનું – હું એમનું નામ નહીં લઉં – ભારતનાં બધાં બંદરો પર કબજો છે. (કેટલાક સાંસદ બોલે છે અદાણી) બધાં ઍરપૉર્ટ પર કબજો છે. વીજળી, ટ્રાન્સમિશન, ખનન, ગ્રીન એનર્જી, ગૅસ વિતરણ, ખાદ્યતેલ. ભારતમાં કંઈ પણ થાય છે તો દરેક જગ્યાએ અદાણીજી જોવા મળે છે. તો બીજી બાજુ, અંબાણીજી પેટ્રોકૅમિકલ, ટેલિકૉમ, રિટેલ, ઇ-કૉમર્સનાં સૅક્ટર્સમાં છે. આ ઉદ્યોગોમાં એમનો સંપૂર્ણ કબજો. દેશની સમગ્ર સંપત્તિ ‘મુઠ્ઠીભર’ (આંગળીના વેઢે ગણાય એટલા) લોકોના કબજામાં છે.”

આ રાજકીય નિવેદનમાંની કેટલીક વાતો મસાલેદાર બનાવીને કહેવાઈ છે. પરંતુ, આમાંના ઘણા દાવા વાસ્તવિક સ્થિતિ સાથે મેળ ખાય છે. અમદાવાદના વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કહ્યું કે–
“એમાં કોઈ શંકા નથી કે અદાણી ખૂબ બુદ્ધિશાળી છે, પરંતુ એમને જ્યારે પણ સરકાર પાસેથી મદદની જરૂર પડતી ત્યારે નરેન્દ્ર મોદી એમને ભરપૂર મદદ કરતા હતા. ચીમનભાઈ (ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી)એ એમને કચ્છમાં જમીન આપી હતી. પરંતુ જો અદાણીને સૌથી વધારે જમીનો કોઈએ આપી હોય તો તે નરેન્દ્ર મોદી છે અને એ પણ ખૂબ સસ્તા ભાવે. જો મોદી વડા પ્રધાન ના હોત તો અદાણીને ઍરપૉર્ટ્સ અને બંદરો ક્યારેય ના મળી શક્યાં હોત. અમદાવાદ ઍરપૉર્ટ, જે ખૂબ નફામાં ચાલતું હતું, એ પણ અદાણીને આપી દેવાયું.”

નવીનાળ ગામ અદાણીના મુંદ્રા પૉર્ટ અને વિશેષ આર્થિક ક્ષેત્ર (એસઇઝેડ)થી માંડ ત્રણેક કિલોમિટર દૂર છે. નવીનાળ એવાં 19 ગામોમાંનું એક છે જે સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન માટેના જમીનસંપાદનથી અસરગ્રસ્ત થયેલું.

ઉદ્યોગપતિઓને રાજનેતાઓની એટલી જ ગરજ હોય છે, જેટલી નેતાઓને બિઝનેસમૅનોની. આ એવો તાલમેલ છે જે દરેક જગ્યાએ જોવા મળી જાય છે.

2001માં જ્યારે મોદી ગુજરાતમાં સત્તા પર આવ્યા ત્યારે અદાણી જે રીતે અન્ય મુખ્ય મંત્રીઓ સાથે મૈત્રીસંબંધો રાખતા હતા, એવી જ રીતે તેઓ મોદીના પણ મિત્ર બની ગયા. મોદી 2014 સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા. એમાં દેખીતું છે કે બંને વચ્ચે નિકટતા વધી હશે. મોદી જ્યારે વડા પ્રધાન બની ગયા ત્યારે સ્પષ્ટ છે કે અદાણી સાથે એમને પહેલેથી પરિચય હતો. એક બીજું કારણ પણ છે. જ્યારે પણ કોઈ સરકાર રાજકીય, સામાજિક કે આર્થિક કારણે કોઈ કામ તરત જ કરવા ઇચ્છતી હોય ત્યારે તે હંમેશાં ઉદ્યોગપતિને પસંદ કરે છે જે સૌથી વધારે અસરકારક રીતે એને અમલમાં મૂકી શકે.

ત્રણ મોટી વિવાદિત પરિયોજનાઓ
મુંદ્રા બંદર અને વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ – સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન)
મુંદ્રા બંદર ગુજરાતના કચ્છ જિલ્લાના પશ્ચિમ કિનારે આવેલું છે. એને અદાણી ગ્રૂપના વિકાસમાં સીમાસ્તંભ ગણવામાં આવે છે.

ગૌતમભાઈએ પોતાની કરિયરનો સૌથી પહેલો જે ઔદ્યોગિક સોદો કર્યો તે કદાચ મુંદ્રા પૉર્ટ સાથે સંકળાયેલો હતો. એવું કહી શકાય કે મુંદ્રા બંદર વગર અદાણીના ઘણા બધા ઉદ્યોગ તો કદાચ શરૂ જ ના થઈ શક્યા હોત.

મુંદ્રા બંદર અને વિશેષ આર્થિક ક્ષેત્ર લિમિટેડ (MPSEZ) અંતર્ગત અદાણી જૂથ પાસે 15,665 એકર જમીનનો માલિકી હક્ક છે. એ ઉપરાંત, એમને હજી બીજી પણ લગભગ 16,688 એકર જમીન સોંપવાની પ્રક્રિયા થઈ હતી.

ગૌતમ અદાણી અને એમના જૂથ પર ઘણી વાર એવા આરોપ થતા રહે છે કે એમણે મુંદ્રા બંદર માટે ‘બજારભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે જમીન મેળવી છે’. ઘણાં બધાં મીડિયા સંગઠનોએ અદાણી જૂથને પાણીના ભાવે જમીન વેચવા માટે એ વખતની ગુજરાત સરકારની ટીકા કરી હતી.

મુંદ્રામાં કામ શરૂ કર્યું હતું ત્યારે ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકાર હતી. 1993માં અમને 10 પૈસા પ્રતિ વર્ગમીટરના ભાવે આ કામ માટે જમીન ફાળવવામાં આવી હતી; એ વખતે તે સંપૂર્ણ વગડાઉ, ખરાબ અને પાણીમાં ડૂબેલી જમીન હતી.
એ વખતે ત્યાં કશુંયે નહોતું; જમીનની કિંમત માત્ર 400 રૂપિયા એકર હતી; લોકો પાસેથી 5 હજાર રૂપિયા પ્રતિ એકરના દરે જમીન આપતાં હતા. એ વખતે 10 ગણા વધારે દામ ચૂકવીને અદાણીએ જમીન મેળવી હતી.

સરકાર એ જમીન વેચીને નફો કમાઈ. જમીનના માલિકો અને મીઠાના અગરિયા (મજૂરો)ને પણ ફાયદો થયો. લોકોને જે કિંમત મળી એનાથી તેઓ ખુશ હતા. તેથી આજે જ્યારે ટીકાકારો એમ કહીને ગૌતમભાઈની ટીકા કરે છે કે એમણે સોના જેવી જમીન પાણીના મૂલે મેળવી તો તેઓ એ ભૂલી જાય છે કે એ વખતે એ જમીનનો ભાવ એટલો જ હતો.

અદાણી ગ્રૂપને મુંદ્રા પૉર્ટના વિકાસ માટે આપવામાં આવેલી જમીનનો તે સમયનો બજારભાવ જાણવા માટે માહિતી અધિકાર હેઠળ ગુજરાત સરકાર પાસે માહિતી માગી તો સરકારે કોઈ જવાબ ન આપ્યો.

દિલીપ પટેલ વરિષ્ઠ પત્રકાર છે અને ગુજરાતના રાજકારણના જાણકાર છે. તેઓ ગૌતમ અદાણીના જબ્બર વિકાસનું શ્રેય ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુંદ્રા બંદર’ને આપે છે. બીબીસી સાથેની વાતચીતમાં દિલીપ પટેલે કહ્યું– “એમાં કોઈ શંકા નથી કે મુંદ્રા બંદર માટે જમીન ફાળવણીનું કામ ચીમનભાઈ પટેલની સરકારના સમયમાં શરૂ થયેલું; પરંતુ અદાણીને વધારે જમીન તો નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આપવામાં આવી હતી; અને તે પણ કોડીના ભાવે.”

અદાણી ગ્રૂપ પર મુંદ્રામાં પર્યાવરણના નિયમો તોડવાનો આરોપ પણ થયો છે. ભારતનાં મીડિયાએ માહિતી આપી છે કે કૉંગ્રેસની આગેવાનીવાળી સરકારે 2013માં મુંદ્રા બંદર પર પર્યાવરણના નિયમ તોડવા બદલ અદાણી ગ્રૂપને 200 કરોડનો દંડ ફટકાર્યો હતો. પરંતુ, કેન્દ્રમાં જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે એણે દંડ રદ કરી દીધો.

પ્રગતિ સ્થાનિક લોકોની આજીવિકાના ભોગે ન થવી જોઈએ; પર્યાવરણ પર ખરાબ અસર ન થવી જોઈએ અને કોઈ પણ કિંમતે સ્થાનિક માછીમારોની રોજી–રોજગારી ન છીનવવી જોઈએ.
અદાણી ગ્રૂપનો પક્ષ જાણવા માટે એમની સાથે ઇ-મેઇલથી સંપર્ક કર્યો હતો પરંતુ એમનો જવાબ નથી .

ઍરપૉર્ટ્સની હરાજીમાં સફળતા
2019માં અદાણી ગ્રૂપે જ્યારે દેશનાં છ ઍરપૉર્ટ્સના આધુનિકીકરણ અને એના સંચાલનના કૉન્ટ્રેક્ટ મેળવ્યા ત્યારે એની સામે પણ સવાલ ઊભા થયા હતા. કેમ કે, ત્યારે અદાણી ગ્રૂપ પાસે ઍરપૉર્ટનું સંચાલન કરવાનો કોઈ અનુભવ નહોતો. ફરી એક વાર અદાણી ગ્રૂપ પર આરોપ થયા હતા કે કૉન્ટ્રેક્ટની હરાજીમાં એને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને અદાણી ગ્રૂપને લાભ કરાવવા માટે નિયમોમાં ફેરબદલ કરવામાં આવી. આ ઍરપૉર્ટ્સ અમદાવાદ, લખનૌ, મેંગલૂરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવંતપુરમ્ છે.

આ ઍરપૉર્ટ્સ સંપાદિત થતાં જ અદાણી ગ્રૂપ ઍરપૉર્ટનું સંચાલન કરનારી દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી કંપની બની ગઈ, જે GMR અને GVK ગ્રૂપ કરતાં થોડીક જ પાછળ હતી. અને પછી, GVK ગ્રૂપ પાસેથી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું નિયંત્રણ પ્રાપ્ત કર્યા પછી દેશનાં હવાઈમથકો પર આવતા-જતા મુસાફરોના 25 ટકા ભાગ પર અદાણી ગ્રૂપનો કબજો થઈ ગયો. એ ઉપરાંત અદાણી ગ્રૂપનાં ઍરપૉર્ટ્સ પરથી દેશનો 33 ટકા ઍરકાર્ગો લૉડ કરવામાં આવે છે.

કોઈ એક કંપનીને બેથી વધારે ઍરપૉર્ટ્સના વ્યવસ્થાપન-સંચાલનનો હક્ક આપવા સામે નાણામંત્રાલય અને નીતિ આયોગે સલાહ આપી હતી, પરંતુ એના પર ધ્યાન આપવામાં ન આવ્યું. આ આરોપ ખૂબ ગંભીર હતા અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ બાબતે ખુલાસો કરવો પડ્યો હતો. સમિતિએ ઘણી વિચારણા કર્યા પછી નિર્ણય કર્યો કે કોઈ કંપનીને અપાતાં ઍરપૉર્ટ્સની સંખ્યાને સીમિત કરવામાં ન આવે. કેમ કે, આ છ ઍરપૉર્ટ્સ ખૂબ નાનાં છે અને દેશના માત્ર 9.5 ટકા હવાઈ મુસાફરો ત્યાં થઈને પસાર થાય છે.

મંત્રાલય અનુસાર આ સમિતિએ ઍરપૉર્ટનું સંચાલનના અનુભવની શરતને ફરજિયાત ન કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી હરાજીમાં બોલી કરવાની પ્રક્રિયામાં વધારે હોડ થાય અને ઍરપૉર્ટ્સના વ્યવસ્થાપન-સંચાલનમાં કોઈ એક કંપની કે જૂથનો એકાધિકાર ન થઈ જાય.

છએ છ ઍરપૉર્ટ્સની બોલીમાં અદાણી ગ્રૂપે હરાજીમાં ભાગ લેનારી બાકીની બધી કંપનીઓને પછાડી દીધી હતી.

RTI દ્વારા પ્રાપ્ત કરેલા દસ્તાવેજોનો ઝીણવટથી અભ્યાસ કરતાં ખબર પડી કે છ ઍરપૉર્ટ્સના વ્યવસ્થાપનના હક્ક મેળવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે જે બોલી કરી હતી તે મુસાફર દીઠ 115થી 177 રૂપિયાની વચ્ચે હતી.

હવાઈમથક સંચાલનના ‘પહેલાંથી અનુભવ’ની શરત હટાવાઈ ન હોત તો આ હરાજીમાં અદાણી ગ્રૂપે કોચીન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડ અને જીએમઆર ઍરપૉર્ટ લિમિટેડની જોરદાર હરિફાઈનો સામનો કરવો પડત.

સરકારની ભાગીદારીવાળી નૅશનલ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એનઆઇઆઇએફ)એ પણ ગુવાહાટી, અમદાવાદ અને જયપુર ઍરપૉર્ટ માટે બોલી કરવામાં રસ દાખવ્યો હતો. એનઆઇઆઇએફની વેબસાઇટ પર દર્શાવાયું છે કે તેઓ બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં રોકાણ કરે છે. આ હવાઈમથકો માટે એનઆઇઆઇએફની ઘણી બોલીઓની ઝીણવટથી તપાસ કરતાં ખબર પડી કે એની અને અદાણી ઍન્ટરપ્રાઇઝની બોલીઓમાં પૅસેન્જર દીઠ 5થી 31 રૂપિયા સુધીનો જ તફાવત હતો, એટલે કે એનઆઇઆઇએફની પૅસેન્જર દીઠ બોલી અદાણીની બોલી કરતાં માત્ર 5થી 31 રૂપિયા જ ઓછી હતી.

ગોડ્ડાનો થર્મલ પાવર પ્લાન્ટ
ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં જ્યારે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના ભારત આવેલાં ત્યારે ગૌતમ અદાણીએ એમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ અદાણીએ એક ટ્વીટમાં ગોડ્ડામાં 1,600 મેગાવૉટ ક્ષમતા ધરાવતી કોલસા આધારિત વીજળી પરિયોજના શરૂ કરીને, 16 ડિસેમ્બર, 2022 સુધીમાં ત્યાંથી બાંગ્લાદેશ સુધી વીજળી પહોંચાડવાની લાઇન ચાલુ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.

આની સાથે જ, ઝારખંડના ગોડ્ડા જિલ્લાના વીજળીઘર અને એની સાથે સંકળાયેલા વિવાદ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયાં હતાં. મીડિયા રિપોર્ટમાં આરોપ થયા છે કે અદાણી ગ્રૂપ અને ઝારખંડ સરકારે આ વીજળીઘર ઊભું કરવા માટે નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કર્યા વગર ખેડૂતો પાસેથી એમની ઉપજાઉ જમીનો લઈ લીધી. ગોડ્ડા વહીવટી તંત્રે 11 પાનાંની એક નોટ પ્રસિદ્ધ કરી હતી, જેમાં અદાણી ગ્રૂપની પરિયોજના માટે 917 એકર જમીન સંપાદિત કરવા માટે સરકારને સૂચન કરવામાં આવ્યું હતું.

આ જમીનસંપાદનનો કેસ છે. અરજદાર આ હેતુસર પોતાની જમીન લેવાય તેનો વિરોધ કરે છે. આ કેસમાં જમીનસંપાદન જનહિતના એ સિદ્ધાંતની વિરુદ્ધ છે જેનો આધાર ‘રાઇટ ટૂ ફેર કંપન્સેશન ઍન્ડ ટ્રાન્સપરન્સી ઇન લૅન્ડ ઍક્વિઝિશન રિહેબિલિટેશન ઍન્ડ રિસેટલમેન્ટ ઍક્ટ 2013”માં આપવામાં આવ્યો છે.
વીજળીઘર માટે બાપદાદાના વખતની પાંચ એકર જમીન લઈ લેવામાં આવી; અને એ પણ જનહિતનું બહાનું કરીને; અહીં જમીન, પાણી અને સસ્તી મજૂરીથી વીજળી ઉત્પન્ન થશે અને પછી એને બાંગ્લાદેશને આપી દેવાશે; એનાથી અદાણી વધારે અમીર બનશે; એમાં જનહિત ક્યાં છે?

2016માં જ્યારે જમીનસંપાદન મુદ્દે વાતચીત કરવા પંચાયત બેસાડવામાં આવેલી ત્યારે જમીનસંપાદનનો વિરોધ કરનારા ગ્રામીણોના એક જૂથને એમાં ભાગ નહોતો લેવા લીધો. અદાણી ગ્રૂપ અને વહીવટી તંત્રે જમીનસંપાદન માટે ગામલોકોની સંમતિ મેળવવાની શરતનું પાલન નથી કર્યું. જોકે, કંપનીએ એવું ચોક્કસ કર્યું કે કાગળ પર બધું બરાબર હોય. એવું લાગે કે કંપનીએ સંપાદનની બધી શરતો પૂરી કરી છે. વહીવટી તંત્ર પણ અદાણી ગ્રૂપની મદદ કરી રહ્યું હતું. અહીં નોંધવા જેવી બાબત એ છે કે 2014થી 2019 સુધીમાં ઝારખંડમાં રઘુબર દાસની આગેવાનીવાળી ભાજપની સરકાર હતી.

જમીનસંપાદનનો વિરોધ કરનારા પર દબાણ કરવા માટે ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા. એમાં મારું નામ પણ છે. વીજળીઘર માટે મેળવવામાં આવેલી મોટા ભાગની જમીન ઉપજાઉ હતી. મોતિયા, ડાંકા, માલી અને પટવા ગામોની જમીનો લેવામાં આવી છે. અમે વિરોધ કર્યો પરંતુ કશું ના થયું, તો પણ મેં મારો વિરોધ ચાલુ રાખ્યો. મેં મારી જમીનના સંપાદનની મંજૂરી નથી આપી, ન મેં એના બદલામાં વળતર લીધું છે.

2013ના જમીનસંપાદન કાયદા અંતર્ગત, ‘જનહિતના હેતુસર’ કોઈ ખાનગી કંપની કે પછી સરકારી અને ખાનગી કંપનીની ભાગીદારીવાળી પરિયોજના માટે પણ જમીનનું સંપાદન કરી શકાય છે. પરંતુ એના માટે કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. કાયદાની કલમ 4માં નોંધાયેલી પ્રક્રિયા અનુસાર, જમીનસંપાદનની સામાજિક અસરનો અભ્યાસ કરવો જોઈએ. એ ઉપરાંત, આ કાયદા હેઠળ જમીનસંપાદન કર્યાથી બીજી કલમની જોગવાઈ પણ લાગુ થાય છે, જેના અનુસાર, જમીન સંપાદિત કરવાથી જેમની જમીન લીધી હોય તેવા લોકોના પુનર્વાસની વ્યવસ્થા કરવી જોઈએ.

એ ઉપરાંત, એક જોગવાઈ એવી પણ છે કે પુનર્વાસની યોજના પર ચર્ચા કરવા માટે ગ્રામસભા અંતર્ગત એક સાર્વજનિક સુનાવણી થવી જોઈએ અને એ દરમિયાન ઉઠાવાયેલ બધા વાંધાને નોંધીને જિલ્લાના કલેક્ટરને જાણ કરવી જોઈએ.

ઝારખંડ સરકારની પ્રતિક્રિયા જવાબ મળ્યો નથી.

આરંભિક ગાળો
સપ્ટેમ્બરમાં જ્યારે ફૉર્બ્સ મૅગેઝિને ગૌતમ અદાણીને દુનિયાના બીજા ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ જાહેર કર્યા ત્યારે તેઓ અચાનક જ દુનિયાભરમાં છવાઈ ગયા. આંતરરાષ્ટ્રીય મીડિયામાં એ બાબતની હોડ કરવામાં આવી કે ગૌતમ અદાણીનાં વ્યક્તિત્વ અને એમના બિઝનેસ વિશે વધારેમાં વધારે માહિતી એકઠી કરાય.

કોરોના વાઇરસની મહામારી દરમિયાન જ્યારે દુનિયામાં કરોડો લોકો ગરીબીની ગર્તામાં ડૂબી ગયા ત્યારે અદાણીની સંપત્તિમાં કૂદકે ને ભૂસકે વધારો થયો હતો.

પરંતુ આ રહસ્યમય ઉદ્યોગપતિ વિશે વધારેમાં વધારે માહિતી એકઠી કરવાનો આ રસ એમની સંપત્તિ સુધી જ મર્યાદિત નહોતો. લોકો ખરેખર એ વ્યક્તિ વિશે જાણવા માગે છે કે આખરે એ કઈ વ્યક્તિ છે કે જેણે 70 દેશોમાં 100થી વધારે જગ્યાએ પોતાના બિઝનેસનું વિસ્તરણ કરી લીધું અને તોપણ તેઓ લાંબા સમય સુધી દુનિયાની નજરથી ઓઝલ રહ્યા.

1970ના દાયકામાં હીરાના એક મામૂલી વેપારી રહેલા વ્યક્તિની હેસિયત એટલી વધારી દીધી જ્યાં તે મુકેશ અંબાણી સાથે મળીને ભારતની અર્થવ્યવસ્થાને આગળ વધારનારા મુખ્ય પાત્ર બની ગયા છે.

ગૌતમ અદાણીએ મીડિયાને ખૂબ ઓછા ઇન્ટર્વ્યૂ આપ્યા છે અને સાર્વજનિક ભાષણ તો એમણે એનાથી પણ ખૂબ ઓછાં આપ્યાં છે. ગૌતમ અદાણી, કૉર્પોરેટ જગતની ઝાકઝમાળ અને ગ્લૅમરથી દૂર રહે છે. તેઓ પોતાના પ્રચારથી અળગા રહે છે. અમે એમને ઇન્ટર્વ્યૂ આપવા માટે વિનંતી કરી હતી પરંતુ અમને એમ કહેવામાં આવ્યું કે ગૌતમ અદાણી પાસે આગામી થોડા મહિનાઓ સુધી સમય નથી. સામાન્ય રીતે ગૌતમ અદાણી કૉર્પોરેટ કમ્યુનિકેશન વિભાગ દ્વારા જ વાત કરે છે.

ગૌતમ અદાણીને મીડિયા કવરેજની કંઈ વધારે પરવા નથી. તેઓ શરમાળ છે અને અન્ય કોઈ ઉદ્યોગપતિની જેમ દેખાડો નથી કરતા. ગૌતમભાઈ ઇન્ટર્વ્યૂ આપવામાં ખચકાય છે અને એમની તસવીર લેવી હોય તો એમને મજબૂર કરવા પડે છે.

આરંભિક સંકેત
અમદાવાદના જે વિસ્તારમાં અદાણી પરિવારની દુકાન હતી, ત્યાં દિનેશ વોરાની પણ જથ્થાબંધ કપડાંની દુકાન છે. દિનેશ વોરાની ખ્યાતિનું કારણ એ છે કે એમની કાકાની દીકરી બહેન પ્રીતિ ગૌતમ અદાણીનાં પત્ની છે. તેમણે કહ્યું કે, લગ્ન વખતે ગૌતમ અદાણીમાં એવી કશી અસામાન્ય પ્રતિભા દેખાઈ નહોતી કે એક દિવસ તેઓ આટલા મોટા ઉદ્યોગપતિ બની જશે.

દિનેશ વોરા
હવે દિનેશ વોરાને અદાણી પરિવારને હળવામળવાનું થોડું ઓછું થાય છે. સગાઈ-લગ્ન અને અન્ય પારિવારિક પ્રસંગોમાં જ એમના ત્યાં જઈએ છીએ. એવું નથી કે અમે જ્યારે ઇચ્છીએ ત્યારે ત્યાં ના જઈ શકીએ. પરંતુ અમને પોતાને લાગે છે કે કારણ વગર ત્યાં જઈશું તો એમનો સમય બગાડીશું.

લચ્છુભાઈ નામે ઓળખાતા લક્ષ્મણ ચૌધરી ગૌતમ અદાણીના જૂના મિત્ર છે. ગૌતમભાઈને 1982થી ઓળખે છે.
શરૂઆતથી જ એમના વિચારો મોટા લોકો સાથે નિકટતા વધારવી, સારા સંબંધો કેળવી રાખવાના રહ્યા હતા. જ્યારે કામ પ્રત્યેની વફાદારીની વાત હોય તો એમના જેવા બીજા કોઈ નહોતા.

બિઝનેસ અને સારા જીવનઅનુભવ માટે ગૌતમ અદાણી મુંબઈ જતા રહ્યા હતા. ત્યાં તેઓ હીરા ઉદ્યોગમાં જોડાઈ ગયા. ત્યારે ગૌતમ અદાણી પ્રસાદ ચૅમ્બર્સ નામની એક બહુમાળી ઇમારતમાં કામ કરતા હતા. એ ઇમારત આજે પણ મુંબઈના અતિ વ્યસ્ત ઓપેરા હાઉસ વિસ્તારમાં શાનથી ઊભી છે.

સ્કૂલમાં ગૌતમ અદાણી એક સામાન્ય વિદ્યાર્થી હતા. એમનું મન ભણતર કરતાં વધારે તો વેપારમાં રહેતું હતું. તેથી, કૉલેજમાં પ્રથમ વર્ષ પૂરું કર્યા પછી એમણે અભ્યાસ કાયમને માટે છોડી દીધો હતો.

બીજા કોઈ પણ સામાન્ય બાળક જેવા જ હતા. પરંતુ કોઈ પણ ક્રિએટિવ બાળકની જેમ એમનામાં જબરજસ્ત ઊર્જા હતી. બાળપણથી જ તેઓ ‘તોફાની’ હતા. ગૌતમ તો હંમેશાં એક તોફાની બાળક હતો અને એમનું બાળપણ તોફાનો કરવામાં પસાર થયું હતું.

ગૌતમ અદાણીનું ધ્યાન બસ એક જ વસ્તુ પર હતું, એટલે કે બિઝનેસ પર. કિશોરાવસ્થામાં ગૌતમ અદાણી પોતાની ઉંમરના બીજા લોકો કરતાં એ રીતે જુદા હતા કે તેઓ ફિલ્મી મૅગેઝિન નહોતા વાંચતા. એમના દિમાગમાં હંમેશાં સવાલો થતા રહેતા હતા કે વસ્તુઓ કઈ રીતે કામ કરે છે? કામ કઈ રીતે થઈ શકે?

પૈતૃક ઘર
ગૌતમ અદાણી ગુજરાતના એક સામાન્ય મધ્યમવર્ગીય જૈન પરિવારના છે. એમના પિતા કપડાંના એક નાના વેપારી હતા. તેઓ ઉત્તર ગુજરાતની ભીડ અને ધૂળિયા ગામ થરાદના રહેવાસી હતા. આજે પણ ત્યાં અદાણી પરિવારનું પૈતૃક ઘર છે. હવે એ ઘરની સારસંભાળ આનંદ બારોટ કરે છે.

થરાદમાં એક જૈન મંદિર છે. ત્યાં દર્શન અને પૂજા કરવા માટે ‘એક કલાક’ વિતાવ્યો હતો.
સુરેશ હીરાલાલ ગૌતમ અદાણીના સંબંધી છે.
થરાદ જૂના ભારતનું દર્શન કરાવે છેઃ ખાડાવાળા રસ્તા, રહેણાક મકાનોની આડીઅવળી લાઇનો અને એના સાંકડા માર્ગો પર અનિયંત્રિત દોડતો ટ્રાફિક. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક ગૌતમ અદાણીએ ભલે ઝગમગવાળાં ઘણાં શહેર અને કાચની ચમકદાર ઊંચી ઇમારતો બનાવ્યાં છે પરંતુ થરાદ ગામની તસવીર એનાથી બિલકુલ જુદી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગૌતમ અદાણીએ એમને ત્યાં એક મંદિર બનાવી આપવાનો વાયદો કર્યો છે અને પાણીની એક ટાંકી બનાવડાવી આપી છે. એ માટે તેઓ અદાણીના આભારી છે. જોકે ગામના લોકોની ઇચ્છા છે કે ગૌતમ અદાણી એમના ગામને એક આધુનિક શહેર તરીકે વિકસાવે.

ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીએ થરાદ ગામ છોડી દીધું હતું અને તેઓ અમદાવાદમાં વસી ગયા હતા. ગૌતમ અદાણી 1962માં અમદાવાદમાં જ જન્મ્યા. એમનાં સાત ભાઈ-બહેન અને એમનાં બાળકોના પરિવાર એકબીજાની ખૂબ નજીક છે અને અદાણી ગ્રૂપનો ભાગ છે. અદાણીના એક ભાઈ દુબઈ રહે છે.

ગૌતમ અદાણીમાં એમનામાં કોઈ અનોખી વાત નહોતી દેખાતી. યુવાવસ્થામાં પણ અદાણીની નજર ઊંચા લક્ષ્ય પર રહેતી હતી. તેઓ હંમેશાં આગામી સારી તકની શોધમાં રહેતા હતા. એમની આ ખૂબીઓ એ વખતે બરાબર પ્રગટ થઈ જ્યારે તેઓ મુંબઈથી અમદાવાદ પાછા ફર્યા અને પોતાના મોટા ભાઈ મનસુખભાઈ અદાણીની પ્લાસ્ટિકનો વેપાર કરતી કંપની ‘ઇઝી પૅકેજિંગ’માં જોડાઈ ગયા.

ગૌતમભાઈ માત્ર વેપાર કરતા ત્યારે પોતાના ભાઈના ધંધામાં જોડાયા પછી સૌથી પહેલાં એમણે એ વેપારને વધાર્યો. પોતાના બિઝનેસને વધારવા માટે એમણે સપ્લાયના સસ્તામાં સસ્તા સ્રોતની શોધ કરી. એમણે એ જાણવાની કોશિશ કરી કે માલના અસલી સપ્લાયર કોણ છે. પછી તેઓ એમને મળવા (વિદેશ) ગયા અને મોટી માત્રામાં સામાન ખરીદ્યો. ગૌતમ અદાણીને ખબર હતી કે તેઓ આ માલ ભારતમાં ઘણા લોકોને વેચી શકે છે. એમનામાં જોખમ લેવાનું સાહસ હતું પરંતુ આ જોખમમાંથી હેમખેમ નીકળવાની આવડત પણ એમનામાં હતી.

1986માં ગૌતમ અદાણી 24 વરસના થયા ત્યારે એમનું લગ્ન કરી દેવાયું. અદાણીનાં પત્ની પ્રીતિ અદાણી ડેન્ટિસ્ટ છે. તેઓ પણ જૈન સમુદાયમાંથી છે અને એમના પિતા સાથે અદાણી પરિવારને સારી ઓળખાણ હતી.

ગૌતમના મિત્ર લચ્છુભાઈ છે. લગ્નની બધી વ્યવસ્થા મેં જ કરી હતી. એ શરૂઆતના દિવસો હતા, એટલે લગ્નમાં કશો ભભકો નહોતો. લગ્નમાં પરિવારના નજીકના લોકો અને મિત્રોએ જ ભાગ લીધો હતો. એ એક પારંપરિક જૈન લગ્ન સમારોહ હતો.

એ સમય સુધીમાં ગૌતમ અદાણીનો ઇમ્પૉર્ટનો બિઝનેસ સારો ચાલવા લાગ્યો હતો અને તેઓ મોટા પાયે બિઝનેસ કરતા હતા. 1988થી 1992 સુધી ગૌતમ અદાણીનો ઇમ્પૉર્ટનો બિઝનેસ 100 ટનથી કેટલાય ગણો વધીને 40 હજાર ટન સુધી પહોંચી ગયો હતો. ટૂંકા ગાળામાં જ અદાણીએ નિકાસમાં પણ હાથ અજમાવવો શરૂ કરી દીધો અને ખૂબ ઝડપથી તેઓ મોટા ઍક્સ્પૉર્ટર બની ગયા, જે લગભગ બધા જ સામાનની નિકાસ કરતા હતા.

મુંદ્રા બંદરને કારણે આવ્યો નિર્ણાયક વળાંક
એક વ્યસ્ત ઍક્સ્પૉર્ટર અને ઇમ્પૉર્ટર તરીકે ગૌતમ અદાણી બંદર પર સામાન ઉતારવા અને ચઢાવવામાં ઘણી વાર કારણ વગરનું મોડું અને અણઆવડતનો અનુભવ કરી ચૂક્યા હતા. આનાથી એમને દર વર્ષે 10થી 12 કરોડ રૂપિયાનું નુકસાન થતું હતું. આ કારણે જ એમણે પોતાનું ખાનગી બંદર બનાવવાનો નિર્ણય કર્યો, જે એમણે મુંદ્રામાં બનાવ્યો. આ એ સમય હતો જ્યારે ભારતની અર્થવ્યવસ્થાનું ઉદારીકરણ થઈ રહ્યું હતું. ગુજરાત સરકારે ખાનગી ઉદ્યોગકારોની મદદથી 10 બંદર વિકસાવવાનો નિર્ણય કર્યો હતો. એમાં મુંદ્રા પણ સામેલ હતું. મુંદ્રા બંદરની ઊંડાઈ બાજુના સરકારી બંદર કંડલા કરતાં ઘણી વધારે હતી તેથી કુદરતી રીતે અહીં મોટાં જહાજ આવી-જઈ શકતાં હતાં.

મુંદ્રા બંદર પર કાર્સ
ગૌતમ અદાણીના બિઝનેસના વિસ્તરણમાં મુંદ્રા બંદર સીમાચિહ્નરૂપ પથ્થર સાબિત થયું. ગૌતમ અદાણીના બાળપણના મિત્ર ગિરીશભાઈના શબ્દોમાં કહીએ તો, “એમણે મુંદ્રામાં વગડાઉ જમીન ખરીદી હતી. આજે તે સ્વર્ગમાં ફેરવાઈ ગઈ છે.” બંદર બન્યા બાદ ત્યાં 2014માં વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ) સ્થાપિત કરવામાં આવ્યું. આજે ત્યાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ખૂબ વધી ગઈ છે, અને અદાણી પાવર, ટાટા પાવર અને અદાણી વિલ્મર જેની ઘણી કંપનીઓ ત્યાં સક્રિય છે.

પત્રકારોની વાતચીત રેકૉર્ડ કરીને કેટલાંક લોકો અદાણી કૉર્પોરેટ કમ્યુનિકેશન વિભાગને આપી દે છે. અદાણીના મામલામાં કોઈ મોં ખોલવા નથી માગતા.

મુંદરાના ખેડૂત નારાયણ ગઢવી મજબૂતીથી ઘણાં વર્ષોથી ખેડૂતોના હક્કની લડાઈ લડે છે અને એમણે હજુ પણ આશા નથી છોડી. વિશેષ આર્થિક ક્ષેત્રમાં 19 ગામ જોડવામાં આવ્યાં હતાં. જેનો ઉપયોગ આસપાસના ખેડૂત પોતાનાં પશુઓ ચરાવવા માટે કરતા હતા. 1960 અને 1970ના દાયકામાં સ્થાનિક અને રાજ્ય સરકારે આ જમીનો ખેડૂતોને આપી હતી. તેમણે આરોપ કર્યો કે વિશેષ આર્થિક ક્ષેત્ર માટે એમની બધી જ જમીનો પડાવી લેવાઈ અને એનું વળતર પણ નથી ચૂકવાયું.

અદાણીએ વિશેષ આર્થિક ક્ષેત્રને વિકસિત કર્યું છે. અહીં બહુ બધી કંપનીઓ આવી છે. અહીં ટાટાની પણ એક વીજળી પરિયોજના છે, જે એક અલ્ટ્રા મેગાપાવર પ્લાન્ટ છે. ઢોરો માટે ચારો આપે, કાં જમીનો પાછી આપી દે. અથવા તો અમને ઢોર ચરાવવા માટે સરકાર અલગ જમીન આપે.

બંદર અને વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ) બંને, ભારતની અર્થવ્યવસ્થાનાં પાવરહાઉસ છે.

‘મૂડીવાદી ભ્રષ્ટાચાર’ અને એના વેપારી સામંત
રાહુલ ગાંધી અને બીજા ઘણા વિપક્ષી નેતા નરેન્દ્ર મોદી પર મૂડીવાદના જબ્બર સમર્થક હોવાનો આરોપ કરે છે અને અદાણી–અંબાણીને એમના વેપારી સામંત તરીકે જોવામાં આવે છે. રાજનેતા અને ઉદ્યોગપતિ એકબીજાના તાલમેલથી કામ કરે છે. અદાણી પણ પ્રગતિના પંથે પડ્યા. પહેલાંના સમયમાં બિરલાએ આ પ્રકારની પ્રગતિ કરી હતી.

એમાં બેમત નથી કે આ સમયે ગૌતમ અદાણીના બિઝનેસનો વિજયરથ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. ભારતમાં બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો એક મોટો ભાગ એમના હાથમાં છે. ગૅસ અને વીજળીના વિતરણનો મોટા ભાગનો બિઝનેસ એમની કંપનીઓ કરે છે.
ભારતમાં બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અપાર શક્યતાઓ છે. ભારતે 2036 સુધી દર વર્ષે 55 અબજ ડૉલર જેટલી રકમ શહેરી બૅઝિક ઇન્ફ્રાસ્ટક્ચરના વિકાસમાં રોકવી પડશે.
ભારતનાં શહેરોને મોટી માત્રામાં મૂડીની જરૂર છે.
નરેન્દ્ર મોદી ભવિષ્યમાં પણ સંપત્તિ નિર્માણ કરનારાઓને પ્રોત્સાહન આપતાં જ રહેશે અને સ્પષ્ટ છે કે એનો સૌથી વધારે લાભ અદાણી, અંબાણી અને બીજા કેટલાક ઉદ્યોગપતિઓને મળતો રહેશે.

આદમીની દૃષ્ટિએ ગણ્યાગાંઠ્યા લોકો અમીર થતા જાય છે. પરંતુ એમની દૃષ્ટિએ એના માટે નક્કર કારણ છે. અમીર અને ગરીબ વચ્ચે મોટી ખીણ છે. પરંતુ મોદીની વાત સાચી છે. તેઓ એ લોકો વિશે વિચારી રહ્યા છે જેઓ રોજગારી ઊભી કરશે.

2014થી લઈને 2022 સુધી લગભગ 35 હજાર અમીર ભારતીય (HNI) ભારત છોડી ચૂક્યા છે. તેથી સ્પષ્ટ છે કે સરકાર કંઈક ને કંઈક એવું ચોક્કસ કરી રહી છે કે સંપત્તિના નિર્માતા દેશ છોડીને જઈ રહ્યા છે. ભારતમાં સફળ થવા માટે તમારે મક્કમ બનવું પડશે. લોકો પોતાનું વતન છોડીને શા માટે જઈ રહ્યા છે, જો રોજગારીની સારી સંભાવનાઓ હશે?

દેવાનો પહાડ?
દેવા પર રિસર્ચ કરનારી કંપની ક્રેડિટસાઇટ્સના ઑગસ્ટના રિપોર્ટમાં અદાણીના બિઝનેસ સામ્રાજ્યને ખૂબ જ દેવામાં ડૂબેલું કહેવામાં આવ્યું હતું. રિપોર્ટમાં અદાણીના બિઝનેસ સાથે સંકળાયેલાં અન્ય જોખમો પરથી પણ પરદો ઊંચકવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પ્રગટ થયા બાદ અદાણી કંપનીના શૅર ઘણા પટકાયા હતા. અદાણી ગ્રૂપની આ ડરામણી સમીક્ષા એ સમયે પ્રગટ થઈ હતી જ્યારે એમની કંપનીઓ ટેલિકૉમ, સિમેન્ટ અને બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની લાંબા સમયગાળાની પરિયોજનાઓમાં રોકાણ કરી રહી હતી. ક્રેડિટસાઇટ્સના રિપોર્ટ અનુસાર, અદાણીની કંપનીઓ પર દેવાનો ભારે બોઝ એના ગ્રૂપ માટે ખૂબ મોટું જોખમ છે.
અદાણી ગ્રૂપ પોતાનું દેવું સતત ઘટાડતું જાય છે. વ્યાજ, ટૅક્સ અને નુકસાન પહેલાંની આવક (Ebitda) અને કુલ દેવા વચ્ચેનો ગુણોત્તર, છેલ્લાં 9 વર્ષોમાં 7.6 ગણાથી ઘટીને 3.2 ગણો જ થઈ ગયો છે.

માર્ચ 2022માં અદાણી ગ્રૂપ પર કુલ 1.88 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. 2015–16માં અદાણી ગ્રૂપના કુલ દેવામાં સરકારી બૅન્કોનો હિસ્સો 55 ટકા હતો, તેની સરખામણીએ 2021–22માં કુલ ઋણમાં સરકારી બૅન્કોનું દેવું ઘટીને 21 ટકા જ થઈ ગયું હતું.

ગુજરાતમાં અદાણીના વિરોધીઓ સમેત ઘણા લોકો એમની કંપનીઓ પર લદાયેલા ‘દેવાના વધારે બોજા’થી વધારે ચિંતિત ન લાગ્યા. વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કહ્યું કે ગુજરાતમાં કોઈ પણ ધંધો ચલાવવા કે નવો વેપાર શરૂ કરવા માટે પોતાના પૈસા નથી રોકાતા.

ક્રેડિટસાઇટ્સ રિપોર્ટમાં અદાણી ગ્રૂપની એક મોટી ખામી તરફ ધ્યાન દોરાયું હતું અને તે ચિંતાનો વિષય બનવી જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રૂપમાં ‘એક જ વ્યક્તિ પર નિર્ભરતા ઘણી વધારે’ છે.

અદાણી ગ્રૂપ એક વ્યક્તિના ભરોસે ચાલે છે. વન મૅન શો છે. ગૌતમ અદાણી જ બૉસ છે. એમને જાણ ન હોય તો પાંદડુંયે ના હલે. પરંતુ તમામ જવાબદારીઓ છતાં તેઓ બિલકુલ શાંત દેખાશે.

લચ્છુભાઈ અને ગિરીશભાઈ જેઓ ગૌતમ અદાણીને સારી રીતે ઓળખે છે.

મોટા પુત્ર કરણ અત્યારે સિમેન્ટનો બિઝનેસ સંભાળે છે, તો નાના પુત્ર જીત ગ્રૂપને ચલાવવામાં ખૂબ ગંભીરતાથી જોડાયેલા છે. એ ઉપરાંત પણ બીજી પેઢીના બીજા ઘણા સંબંધીઓ છે જેઓ અદાણી ગ્રૂપનો અતૂટ હિસ્સો છે.

ગૌતમ અદાણીની શાનદાર સફળતાનું કારણ ન તો મોદી છે કે ન તો બીજા કોઈ રાજનેતા. એમનું કહેવું છે કે અદાણીની પ્રગતિનું મુખ્ય કારણ એ છે કે આ બધું એમના ભાગ્યમાં લખેલું હતું.

વિનોદ અદાણી

17 માર્ચ 2023
અદાણી જૂથની કંપનીઓની માલિકી મુજબ જૂથે તાજેતરમાં અધિગ્રહિત કરેલી અંબુજા અને એસીસી સિમેન્ટ કંપનીના વાસ્તવિક માલિક વિનોદ અદાણી છે, જેઓ ગૌતમ અદાણીના મોટાભાઈ છે.

‘ધ મૉર્નિંગ કૉન્ટેક્સ્ટ’ના અહેવાલને ‘ધ વાયર’, ‘બિઝનેસ ટુડે’ જેવા મીડિયા હાઉસોએ પણ પ્રકાશિત કર્યો હતો.
અદાણી જૂથની કંપનીઓમાં આવતાં ફંડને તપાસવાનો પડકાર ફેંક્યો હતો.

મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન પણ વિનોદ અદાણી ચર્ચામાં આવ્યા હતા, અલબત્ત તેમના વેવાઈ જતીન મહેતાને કારણે. એ અરસામાં જ્યારે સરકારી બૅન્કોને આર્થિક નુકસાન પહોંચાડવા માટે નીરવ મોદી અને વિજય માલ્યાનાં નામ ચર્ચામાં હતાં, ત્યારે અદાણી પરિવારના વેવાઈનું નામ પણ બહાર આવ્યું હતું.

હિંડનબર્ગના અહેવાલમાં પણ તેમના નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.
અદાણી જૂથનું કહેવું છે કે રોજબરોજના કામકાજમાં તેમની કોઈ ભૂમિકા નથી.

વિનોદભાઈ અદાણી પરિવારના સાત ભાઈ-બહેનમાં સૌથી મોટા હતા. મૂળ ઉત્તર ગુજરાતના જૈન પરિવારમાં જન્મેલા શાંતિલાલ વેપાર માટે મુંબઈ ગયા હતા.

વિનોદ અદાણી વિશેના ઍડ્વિટોરિયલમાં પ્રકાશિત વિગત પ્રમાણે, તેમણે યુએસએમાં એંજિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું છે. 1976માં મુંબઈના ભિવંડી ખાતે તેમણે વી. આર. ટેક્સ્ટાઇલના નામથી પાવરલૂમની સ્થાપના કરી હતી.

લેખમાં જણાવ્યા પ્રમાણે, ‘અમેરિકાની યુનિવર્સિટીમાંથી મેળવેલી ટેકનિકલ માહિતી, અંગ્રેજીની જાણકારી અને મિત્રો બનાવવાની સહજ કુશળતાને કારણે તેઓ અજાણ્યા લોકોની સાથે પણ સોદા કરી શકતા.’

પરિવાર અને નજીકના લોકોમાં તેઓ ‘વિનોદભાઈ’ તરીકે ઓળખાય છે. ગૌતમભાઈના વધુ એક મોટાભાઈ મનસુખભાઈએ પણ વિદેશમાં અભ્યાસ કર્યો હતો. એ પછી ભારત પરત આવીને તેમણે પણ વેપાર-ધંધામાં ઝંપલાવ્યું હતું, એટલે ગૌતમ અદાણીએ ભણતરના બદલે વેપાર-ધંધામાં સમય ફાળવવાનું વિચારીને પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો.

1989માં વિનોદભાઈએ ટ્રેડિંગના વેપારનો વિસ્તાર કર્યો અને તેમાં બીજી કેટલીક કૉમોડિટીનો ઉમેરો થયો. આંતરરાષ્ટ્રીય વિસ્તાર માટે અદાણી ભાઈઓએ સિંગાપોરમાં ઓફિસ ખોલી. તેઓ સિંગાપોર સ્થાયી થયા અને ત્યાંથી વેપાર સંભાળતા.

1994માં મધ્ય-પૂર્વના દેશોમાં નવા વેપારની તકો શોધવા માટે વિનોદભાઈ દુબઈમાં સ્થાયી થયા. અહીં તેમણે અનાજ અને ખાંડનો વેપાર જથ્થાબંધ વેપાર શરૂ કર્યો. હજારો ટનનો આ જથ્થો એક દેશ પાસેથી ખરીદીને જરૂરિયાતમંદ દેશને વેચતા.

આ સિવાય તેમણે લોખંડ, તાંબા અને ઍલ્યુમિનિયમના ભંગારના વ્યવસાયમાં પણ ઝંપલાવ્યું. તેઓ દુબઈ, જાકાર્તા અને સિંગાપોરનો વહીવટ સંભાળે છે. ઍડ્વિટોરિયલ પ્રમાણે, વિનોદભાઈને પુસ્તકો અને વ્યવસાયલક્ષી જનરલો વાંચવાનો શોખ છે, જ્યારે તેમનાં પત્ની રંજનબહેન જૈન સામાજિક સંસ્થાઓ અને મહિલાલક્ષી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે.

પરિવારે કોઈપણ જાતની ઓળખની લાલચ વગર કરોડો રૂપિયાના દાન કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દંપતીને પ્રણવ અને કૃપા નામનાં સંતાનો છે.

વિનોદ અદાણીની દૈનિક સંપત્તિમાં રૂ. 102 કરોડની વૃદ્ધિ
હુરુન ઇન્ડિયા દ્વારા આઈઆઈએફએલ સાથે મળીને વર્ષ 2022માં ધનવાન ભારતીય તથા વિદેશમાં વસતા ભારતીયોની યાદી બહાર પાડવામાં આવી હતી. સપ્ટેમ્બર-2022માં બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવ્યા પ્રમાણે, લગભગ 10 લાખ 94 હજાર કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી દેશના સૌથી ધનવાન વ્યક્તિ હતા અને તેઓ મુકેશ અંબાણી કરતાં પણ આગળ નીકળી ગયા હતા.

અગાઉના પાંચ વર્ષ દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિ 15.4 ગણી વધી હતી, તો વિનોદ શાંતિલાલ અદાણી અને તેમના પરિવારની આવક 9.5 ગણી વધી હતી. હુરુન ગ્લોબલની યાદીમાં ગૌતમ અદાણી બીજા ક્રમ ઉપર પહોંચી ગયા હતા.

એ યાદીમાં 94 એનઆરઆઈ (નૉન રૅસિડન્ટ ઇન્ડિયન) નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ એક લાખ 69 હજાર કરોડની સંપત્તિ સાથે વિનોદ અદાણી ટોચ ઉપર હતા.

યાદીમાં જણાવ્યા પ્રમાણે, વિનોદ અદાણીની જન્મતારીખ પ્રાપ્ય નથી અને તેમની આવકનો મુખ્યસ્રોત અદાણી કંપનીના શેર હતા. આગલા વર્ષની (2021ની) સરખામણીમાં તેમની સંપત્તિમાં 28 ટકાની વૃદ્ધિ થઈ હતી, જ્યારે ગૌતમ અદાણી અને પરિવારની સંપત્તિમાં 116 ટકાનો વધારો થયો હતો.

દુબઈસ્થિત ઉદ્યોગપતિની સરેરાશ દૈનિક સંપત્તિવૃદ્ધિ રૂ. 102 કરોડની હતી, જ્યારે તેમના નાના ભાઈ ગૌતમ અદાણીની સરેરાશ દૈનિક સંપત્તિ વૃદ્ધિ એક હજાર 612 કરોડ જેટલી હતી.

હિંડનબર્ગ રિસર્ચ
વર્ષ 1992માં હર્ષદ મહેતાના કૌભાંડનો પર્દાફાશ કરનારાં પત્રકાર સુચેતા દલાલના એક અહેવાલ પ્રમાણે, 2013માં નિરવ મોદીની જેમ જ વિનોદભાઈના વેવાઈ જતીન મહેતાનો પરપોટો ફૂટી ગયો. ભારે પ્રચારને કારણે મહેતાને ખૂબ જ પ્રસિદ્ધિ મળી, પરંતુ અચાનક જ તેઓ સપરિવાર અદૃશ્ય થઈ ગયા અને ભારતીય તથા વિદેશી બૅન્કોએ ભારે ફટકો સહન કરવો પડ્યો.

વિનસમ (Winsome) ડામંડ્સના સ્થાપક જતીન મહેતા, તેમનાં પત્ની સોનિયા અને બે પુત્ર વિપુલ અને સૂરજ દેશ છોડી ગયાં. તેમના કારણે બૅન્કોને રૂ. છ હજાર 800 કરોડ કે એથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

2017માં મહેતાની સામે સીબીઆઈ (સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા 16 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર એકમાં જ કેસ બનતો હોવાનું જણાવ્યું હતું. સીબીઆઈએ ઇન્ટરપોલ પાસેથી મહેતા વિરૂદ્ધ રેડ કૉર્નર નોટિસ કઢાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

યુકેની કોર્ટમાં પણ મહેતા પરિવાર વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે, એવું માનવામાં આવે છે કે તેમણે સૅન્ટ કિટ્સ ઍન્ડ નેવિસનું નાગરિકત્વ લીધું છે, જેની સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ નથી. જોકે, યુકેની કોર્ટમાં તેમની ઉપર ગાળિયો કસાઈ શકે છે.

વિનોદ અદાણીનાં પુત્રી કૃપાનું લગ્ન જતીન મહેતાના પુત્ર સૂરજ સાથે કરવામાં આવ્યું છે. વિનસમ ડાયમંડ્સનું નામ અગાઉ સૂ-રજ ડાયમંડ્સ હતું, જેની સ્થાપના 1985માં કરવામાં આવી હતી.

વિનોદ અદાણીના દીકરા પ્રણવ અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી ઍન્ટર્પ્રાઇઝમાં ડિરેક્ટરનું પદ ધરાવે છે, આ સિવાય તેઓ જૂથની અલગ-અલગ કંપનીઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવે છે.

અદાણી જૂથમાં રોકવામાં આવેલાં નાણાંનું પગેરું વિનોદ અદાણી સુધી પહોંચે છે અને તેમની સાથે નિકટતા ધરાવનારા લોકો અદાણી જૂથની કંપનીઓમાં મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર છે.

ઑક્ટોબર-2021માં આઈસીઆઈજે (ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ) દ્વારા લગભગ ત્રણ ટેરાબાઇટ ડેટા દ્વારા લગભગ એક કરોડ 19 લાખ જેટલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. આ ડેટા મોસેક ફોન્સેકા નામની કંપનીને લગતો હતો, જે ટેક્સ હેવન દેશ પનામાની કંપની હતી, જે વિદેશીઓને દેશમાં કંપનીઓ અને ટ્રસ્ટ ખોલવામાં મદદ કરતી હતી.

2022ના ખુલાસા પ્રમાણે, વિનોદ શાંતિલાલ અદાણીએ 2018માં ઇબિસકસ આરઈ હૉલ્ડિંગ્સ કંપનીની ટેક્સ હેવન દેશ બ્રિટિશ વર્જિન આઇલૅન્ડમાં સ્થાપના કરી હતી અને બાદમાં તેને બંધ કરી દેવામાં આવી હતી.

પૅન્ડોરા પેપરના ખુલાસા બાદ અદાણી જૂથના પ્રવક્તાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, વિનોદ અદાણીએ કંપનીના સ્થાપક સભ્યોમાંથી એક છે, પરંતુ તેઓ છેલ્લા ત્રીસેક વર્ષથી વિદેશમાં નિવાસ કરે છે એટલે તેમના વ્યક્તિગત આર્થિક વ્યવહારો વિશે કંપનીને કોઈ માહિતી નથી.

જ્યારે સાયપ્રસના નાગરિક અને દુબઈના નિવાસી વિનોદ અદાણીએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેમણે દુબઈમાં સંપત્તિ ખરીદવા માટે કંપનીઓની સ્થાપના કરી હતી અને તેઓ એકમાત્ર શેરધારક હતા.

આ પહેલાં વર્ષ 2016માં બહાર આવેલા પનામા પેપર્સમાં પણ વિનોદ અદાણીનું નામ હતું, જે મુજબ, વિનોદ શાંતિલાલ અદાણી અને રંજન વિનોદ અદાણીએ જાન્યુઆરી-1994માં બહામાસમાં જીએ ઇન્ટરનેશનલ ઇન્ક. નામથી કંપની ખોલી હતી. જેમાં પતિ-પત્ની સરખે હિસ્સે ભાગીદાર હતાં.

સ્થાપનાના બે મહિના બાદ ‘નામ સુધાર’ની વિનંતી કરવામાં આવી હતી અને વિનોદ શાંતિલાલ શાહ તરીકે ઓળખવાનું કહેવામાં આવ્યું હતું. એપ્રિલ-1996માં રંજનબહેને રાજીનામું આપી દીધું અને રાજેશ શાંતિલાલ શાહ તેમાં ડાયરેક્ટર તરીકે જોડાયા. ઉલ્લેખનીય છે કે ગૌતમભાઈના એક નાના ભાઈનું નામ રાજેશ અદાણી છે, જેઓ અદાણી જૂથની અલગ-અલગ કંપનીઓમાં ડાયરેક્ટર છે.

ટેક્સ હેવન દેશોમાં ખોલવામાં આવેલી કંપનીઓ અને ટ્રસ્ટનો હેતુ કાયદેસરના વ્યવહારો માટે પણ થાય છે, નામ અને ઓળખમાં સમાનતાને કારણે ગેરસમજ થઈ શકે છે અથવા તો વ્યવહારો થયા એ પછી વાસ્તવિક સ્થિતિમાં પરિવર્તન પણ આવ્યું હોઈ શકે છે.

તા. 24 જાન્યુઆરી 2023ના સ્વઘોષિત મંદીવાળા ખેલાડી હિંડનબર્ગ દ્વારા અદાણી જૂથની આર્થિક સ્થિતિ અને આર્થિક વ્યવહારો વિશે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં 151 વખત વિનોદ અદાણીનું નામ આવે છે, જ્યારે ગૌતમ અદાણીનું નામ માત્ર 54 વખત આવે છે.

જૂથની કંપનીઓ અને શેરધારક તરીકે વિનોદ અદાણીની ભૂમિકા ઉપર હિંડનબર્ગ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જે મુજબ, વિનોદ અદાણી કથિત રીતે વિદેશસ્થિત કંપનીઓના જાળાનું નિયમન કરે છે, જે ફ્રૉડમાં મદદ કરે છે.

ભારતીય ઉદ્યોગપતિઓમાં પૈસાના રાઉન્ડ ટ્રિપિંગ (પોતાના પૈસા ફરી પોતાની જ કંપનીમાં રોકવા) માટે વિખ્યાત છે. જ્યાં 38 કંપનીઓ વિનોદ અદાણી કે તેમની નજીકના લોકો સાથે જોડાયેલી હોવાનું હિંડનબર્ગનું કહેવું છે. આ સિવાય તેમણે સાયપ્રસ, યુએઈ, સિંગાપોર તથા અન્ય કૅરેબિયન દેશોમાં કંપનીઓ સ્થાપી છે અને તેનું નિયમન તેઓ પોતે કરે છે.

અદાણી જૂથની કંપનીઓમાં અબજો રૂપિયાનું રોકાણ કરવા છતાં ‘રિલેટેડ પાર્ટી’ સંબંધિત સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. વિનોદ અદાણી સાથે સંકળાયેલી કંપનીઓના વ્યવસાય, કર્મચારીઓ, અલગથી સરનામા કે ફોન નંબર કે ઑનલાઇન હાજરી નથી.

હિંડનબર્ગના રિપોર્ટ પ્રમાણે, કેટલીક કંપનીઓ ખોખા કંપની (જેનું કામકાજ ન હોય, માત્ર ચોક્કસ પ્રકારના વ્યવહારો કરવા માટે જેની સ્થાપના કરવામાં આવી હોય અને અમુક સમય પછી જેનું વિસર્જન કરી દેવામાં આવે) હોય તેમ જણાય છે.

વિનોદ અદાણી સાથે જોડાયેલી 13 જેટલી વેબસાઇટ અમુક દિવસના અંતરે શરૂ કરવામાં આવી છે. જેમાં કર્મચારીઓ વિશે વિસ્તૃત વિગત નથી અને તેમાં સામાન્યતઃ ઉપલબ્ધ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હિંડનબર્ગનો નિષ્કર્ષ છે કે વિનોદ અદાણી જૂથની કંપનીઓનો ઉપયોગ શેરને જાળવી રાખવા, શેરના ભાવોમાં વધઘટ માટે તથા અદાણીની ખાનગી કંપનીઓમાંથી થતી આવકને તેની શેરબજારમાં નોંધાયેલી કંપનીઓમાં ઠાલવવા માટે થઈ રહ્યો છે. જેથી કરીને નાણાંકીય સ્થિતિ ઊજળી જણાય અને આર્થિક સ્થિરતા દેખાય.

રોજબરોજના કંપનીના કામકાજમાં તેમની કોઈ ભૂમિકા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ધિરાણ અને સંબંધોમાં તેમની ભૂમિકા રહે છે.’

હિંડનબર્ગ દ્વારા તેમના રિપોર્ટમાં વિનોદ અદાણીની સાથે જોડાયેલી કંપનીઓ મની લૉન્ડરિંગમાં સામેલ હોય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા વિનોદ અદાણીની સામે અલગ-અલગ તબક્કે કેસ દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.

હિંડનબર્ગના રિપોર્ટ ઉપર અદાણી જૂથ દ્વારા 413 પન્નાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું છે કે વિનોદ અદાણી સામેના કેસોની વિગત સાર્વજનિક છે. અદાણી જૂથના જતીન મહેતા સાથે કોઈ વ્યવહાર ન હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે વિનોદ અદાણી કંપની કે તેની પેટાકંપનીઓમાં કોઈ હોદ્દો નથી ધરાવતા અને રોજબરોજની કંપનીની કામગીરીમાં તેમની કોઈ ભૂમિકા નથી. વિનોદ અદાણીના આર્થિક વ્યવહારો વિશે કંપની વાકેફ ન હોવાનું પણ ખુલાસામાં જણાવવામાં આવ્યું છે.

એકમાં તેમની તરફેણમાં ચુકાદો આવ્યો છે, જ્યારે અન્ય એકમાં તેમની તરફેણમાં ચુકાદો આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યાં-જ્યાં ભારતીય કાયદા પ્રમાણે, ‘સંબંધિત પક્ષકારો’ વિશે ખુલાસા કરવાની જરૂર છે, ત્યાં-ત્યાં કરવામાં આવ્યા છે અને એકબીજાથી અલગ અને સ્વતંત્ર રીતે (arms length) કામગીરી કરે છે. સ્વતંત્ર નિરીક્ષકો દ્વારા તેની સમીક્ષા પણ કરવામાં આવી છે.

અમુક કંપનીઓમાં પૈસા ક્યાંથી આવ્યા, તેમણે કેટલા શેર ખરીદ્યા અને કેટલા વેચ્યા, તેની પૅટર્ન વિશે અદાણી જૂથ માટે જાણવું જરૂરી ન હોવાનું કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા ખુલાસામાં જણાવવામાં આવ્યું હતું.

ફૉર્બ્સ દ્વારા ફેબ્રુઆરીના મધ્યભાગમાં એક સંશોધાત્મક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં વિનોદ અદાણી સાથે સંકળાયેલી કંપનીઓના આર્થિક વ્યવહારો વિશે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

2020માં રશિયાની સરકારી બૅન્ક વીટીબી બૅન્ક સાથે વિનોદ અદાણી સંચાલિત સિંગાપોરની કંપની પિનેકલ ટ્રેડ ઍન્ડ ઇન્વેસ્ટમૅન્ટ પીટીઈ એલટીઈએ 26 કરોડ 30 લાખ ડૉલરની લોન લીધી અને 25 કરોડ 80 લાખ અન્ય ડૉલર અન્ય એક કંપનીને આપવામાં આવ્યા હતા.

અહેવાલ મુજબ, આફ્રો એશિયા ટ્રૅડ ઍન્ડ ઇન્વેસ્ટમૅન્ટ વર્લ્ડ વાઇડ ઇમર્જિંગ માર્કેટ હૉલ્ડિંગ લિમિટેડ આ લોન માટે જામીન થયા હતા. બંને ફંડ અદાણી જૂથની કેટલીક કંપનીઓમાં (તા. 16 ફેબ્રુઆરીની સ્થિતિ પ્રમાણે) ચાર અબજ ડૉલર જેટલું રોકાણ ધરાવતા હતા. બંને કંપનીઓ એ સિવાય કોઈ રોકાણ ધરાવતી નથી.

ફૉર્બ્સ દ્વારા એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે અદાણી જૂથની જામીનગીરીઓની સાટે આ રકમ લેવામાં આવી હતી. આ ફંડો દ્વારા આ મતલબની કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

દેશની સર્વોચ્ચ અદાલતમાં અદાણી જૂથના આર્થિક વ્યવહારોની બાબત પહોંચી હતી. સર્વોચ્ચ અદાલતે ફૉર્બ્સના અહેવાલને રેકર્ડ પર લેવાનો ઇનકાર કરી દીધો હતો.

જ્યાં બંધ કવરમાં નિષ્ણાતોનાં નામો આપવાની કેન્દ્ર સરકારની અરજીને સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી હતી અને પારદર્શકતા જાળવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં વ્યવસ્થાતંત્રને મજબૂત બનાવવા માટે નિષ્ણાતોની સમિતિ ઊભી કરવામાં આવી છે.

એ સમયે સુપ્રીમ કોર્ટે પારદર્શકતાની જાળવણી માટે બંધ કવરમાં નામ લેવાનો ઇનકાર કર્યો હતો. છ સભ્યોની આ સમિતિ અદાણી જેવું ફરી ન થાય અને રોકાણકારોનું હિત જળવાય તે માટે સુધાર સૂચવશે.

ગૌતમ અદાણી પરના આરોપો
25 નવેમ્બર 2024
વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ પૈકીના એક ગૌતમ અદાણીએ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની ઉજવણી કરી હતી. અમેરિકામાં ઊર્જા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 10 અબજ ડૉલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરી હતી.

ગૌતમ અદાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણવામાં આવે છે. ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીનું 169 અબજનું સામ્રાજ્ય બંદરો અને અક્ષય ઊર્જા સુધીના ક્ષેત્રોમાં ફેલાયેલું છે. તેમની સામે હવે અમેરિકામાં છેતરપિંડીના આરોપ મૂકવામાં આવ્યા છે. તેને લીધે દેશ-વિદેશમાં તેમની મહત્ત્વાકાંક્ષા પર જોખમ સર્જાઈ શકે છે.

ફેડરલ પ્રોસિક્યુટર્સે તેમના પર 250 મિલિયન ડૉલરની લાંચ યોજના બનાવવાનો અને અમેરિકામાંથી નાણાં એકત્ર કરવા માટે તેને છુપાવવાનો આરોપ મૂક્યો છે.

તેમનો આરોપ છે કે ગૌતમ અદાણી અને તેમના અધિકારીઓએ 20 વર્ષમાં બે અબજ ડૉલરના નફાના કૉન્ટ્રાક્ટ્સ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી હતી. અદાણી જૂથે પ્રસ્તુત આરોપોને નિરાધાર ગણાવીને નકારી કાઢ્યા છે.

અદાણી જૂથનું અર્થતંત્રમાં સામ્રાજ્ય
અદાણી જૂથની કંપનીઓએ 34 અબજ ડૉલરની માર્કેટ વેલ્યૂ ગુમાવી હતી. એ કારણે તેમની 10 કંપનીઓની સંયુક્ત બજાર મૂડી ઘટીને 147 અબજ ડૉલર થઈ ગઈ છે.

આરોપોના કેન્દ્રમાં છે તે કંપની અદાણી ગ્રીન ઍનર્જીએ જણાવ્યું છે કે તે 60 કરોડ ડૉલરના બૉન્ડ ઇસ્યુ બાબતે આગળ વધશે નહીં.

આ આક્ષેપોની ભારતીય અર્થતંત્ર અને રાજકારણ પરની અસર બાબતે પણ સવાલ છે.

ભારતીય અર્થતંત્ર દેશના અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંધાતા અદાણી સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તેઓ 13 બંદરો (30 ટકા બજાર હિસ્સો), સાત ઍરપૉર્ટ (પેસેન્જર ટ્રાફિકના 23 ટકા) અને ભારતના બીજા ક્રમના સૌથી મોટા સિમેન્ટ બિઝનેસ (20 ટકા બજાર હિસ્સો)નું સંચાલન કરે છે.

છ કોલ-ફાયર્ડ પાવર પ્લાન્ટ્સ સાથે અદાણી ભારતમાં વીજળી ક્ષેત્રે સૌથી મોટા ખાનગી પ્લેયર છે. એ ઉપરાંત તેમણે ગ્રીન હાઇડ્રોજનમાં 50 અબજ ડૉલરના રોકાણનો સંકલ્પ કર્યો છે અને તેઓ 8,000 કિલોમીટર લાંબી ગૅસ પાઇપલાઇનનું સંચાલન કરે છે.

તેઓ ભારતનો સૌથી લાંબો ઍક્સપ્રેસવે પણ બનાવી રહ્યા છે અને ભારતની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનો પુનર્વિકાસ પણ કરી રહ્યા છે. તેઓ 45,000થી વધુ લોકોને રોજગાર આપે છે, પરંતુ તેમના બિઝનેસનો પ્રભાવ દેશમાં લાખો લોકો પર પડે છે.

ગૌતમ અદાણીની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા ઇન્ડોનેશિયા તથા ઑસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો, કેન્યા તથા મોરોક્કોમાં ઍરપૉર્ટ્સ અને ઊર્જા પ્રોજેક્ટ્સ સુધી ફેલાયેલી છે. તાંઝાનિયા અને કેન્યામાં એક અબજ ડૉલરથી વધુ મૂલ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પણ અદાણી જૂથની નજર છે.

અદાણી જૂથનો પૉર્ટફોલિયો નરેન્દ્ર મોદીની નીતિવિષયક અગ્રતાઓ સાથે ઘણો મળતો આવે છે. તેની શરૂઆત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે થઈ હતી અને તાજેતરમાં તે ક્લિન ઍનર્જી સુધી વિસ્તરી છે.

ટીકાકારો તેમના સામ્રાજ્યને સરકાર સાથે સાઠગાંઠયુક્ત ગણાવતા હોવા છતાં તેઓ સફળ થયા છે. સરકાર સાથેની સાઠગાંઠના સંદર્ભમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાથેના તેમના ઘનિષ્ઠ સંબંધ તરફ ઈશારો કરવામાં આવે છે.

ગૌતમ અદાણી અને વડા પ્રધાન મોદી બન્ને ગુજરાતના છે. કગૌતમ અદાણીએ વિરોધ પક્ષોના અનેક નેતાઓ સાથે પણ સંબંધ કેળવ્યા છે, તેમનાં રાજ્યોમાં રોકાણ કર્યું છે.

લાંચના આક્ષેપો બહુ મોટા છે. અદાણી અને નરેન્દ્ર મોદી લાંબા સમયથી અવિભાજ્ય રહ્યા છે. તેની ભારતીય રાજકારણ અને અર્થકારણ બન્ને પર અસર થશે.

હિંડનબર્ગના દાવાઓનો અદાણીએ ઇનકાર કર્યો હતો, પરંતુ તે આક્ષેપોને કારણે માર્કેટમાં વેચવાલી શરૂ થઈ હતી અને હાલ એ બાબતે ભારતના માર્કેટ રેગ્યુલેટર સેબીની તપાસ ચાલુ છે.

ગૌતમ અદાણી તેમની છબી ફરીથી બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે અને એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હિંડનબર્ગ સમૂહે કરેલા આક્ષેપો ખોટા હતા તથા તેમની કંપની તેમજ વ્યવસાય વાસ્તવમાં બહુ સારી રીતે ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં અનેક નવા કરાર અને રોકાણ કરવામાં આવ્યું છે. તેથી, અગાઉના આરોપોના સંભવિત નુકસાનને હટાવવા બહુ સારું કામ કરી ચૂકેલા ગૌતમ અદાણી માટે નવા આક્ષેપો મોટો ફટકો છે.

પૈસાની મોટા પ્રમાણમાં જરૂર હોય તેવા પ્રોજેક્ટ્સ માટે મૂડી એકત્ર કરવાનું હાલ ગૌતમ અદાણી માટે મુશ્કેલ બનશે.

કેન્યા અને બાંગ્લાદેશમાં એક ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ તથા વિવાદાસ્પદ ઊર્જા સોદાને અગાઉથી જ પડકારવામાં આવ્યા છે.

આ નવા આક્ષેપોએ અમેરિકા સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય વિસ્તાર યોજનાઓને અટકાવી દીધી છે.
ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપવી એ કોઈ નવી વાત નથી, પરંતુ જે રકમ દર્શાવવામાં આવી છે તે ચોંકાવનારી છે. લાંચ મળવાની હતી એ લોકોનાં નામ અમેરિકા પાસે છે. ભારતીય રાજકારણમાં તેના પડઘા સંભળાતા રહેશે. હજુ ઘણું બધું બહાર આવવાનું બાકી છે.
શ્રીલંકામાં એક બંદર પ્રોજેક્ટ માટે અદાણી જૂથ સાથે તાજેતરમાં જ થયેલા 500 મિલિયન ડૉલરના અમેરિકન સોદાને ધ્યાનમાં લેતાં, તેના પર કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી.

ભારત-અમેરિકાના વ્યાપારી સંબંધ બહુ વ્યાપક અને બહુઆયામી છે. ભારતીય અર્થતંત્રમાં આવી મોટી હસ્તી વિરુદ્ધ આવા ગંભીર આક્ષેપો થયા છે.

સુપ્રીમ કોર્ટેના સ્ટેની જમીન અદાણીને
16 જુલાઈ 2024
ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના રહેવાસીઓ માટે પાંચમી જુલાઈનો દિવસ 13 વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ મળેલી જીતના આનંદનો દિવસ હતો. આ દિવસે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અદાણી પૉર્ટ્સ કંપનીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઈઝેડ – સેઝ) માટે આપેલી 131 હેક્ટર જમીન ગામલોકોને પરત આપી દેવાનો હુકમ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે 10 જુલાઈના દિવસે હાઈકોર્ટના હુકમની અમલવારી પર હાલ સ્ટે મૂક્યો છે. કોઈપણ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા સંપાદિત કરાયેલી ગૌચરની જમીનને ગામલોકોને પરત આપવામાં આવે તેવી ઘટના ગુજરાતમાં દુર્લભ છે.

ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ દ્વારા તા.5 જુલાઈ 2024ના દિવસે અદાણી SEZ માટે ફાળવેલી મુંદ્રા તાલુકાના નવીનાળ ગામની 108 હેક્ટર જમીન પરત કરવાનો આદેશ કર્યો હતો.

જોકે, આ ગુજરાત હાઈકોર્ટના ઑર્ડરને અદાણી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તા.10 જુલાઈ 2024ના દિવસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. આ સાથે આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટ પાસે જવાબ માગ્યો.

ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરનાર અને નવીનાળ ગામના રહેવાસી અને પૂર્વ ઉપસરપંચ ફકીર મહમદ સમેજા અદાણી SEZ વિસ્તાર માટે આપવામાં આવેલી તેમના ગામની ગૌચરની જમીન પરત મેળવવા માટે 13 વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2005માં અદાણી પૉર્ટ્સને મુંદ્રાના નવીનાળ ગામની ગૌચરની જમીનની ફાળવણી કરવામાં હતી. આ જમીન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વિસ્તાર તરીકે નોટીફાય કરવામાં આવી હતી અને આ જમીન પર અદાણી પૉર્ટ્સે SEZની સ્થાપના કરી હતી.

ગામમાં 2,000 લોકોની વસ્તી છે અને 1500 જેટલી ગાયો છે. આ ઉપરાંત ઘેટાં-બકરાં પણ છે. રાજ્ય સરકારના નિયમ મુજબ, ગામમાં 100 પશુઓ સામે 40 એકર ગૌચર જમીન હોવી જોઈએ. ગામ પાસે ગૌચરની જમીન રહી નથી.

રાજ્ય સરકાર દ્વારા ગામની ગૌચરની જમીન અદાણી કંપનીને આપવામાં આવી હતી. અદાણી કંપની દ્વારા વર્ષ 2010માં જમીનની ફરતે કાંટાની વાડ કરવાની શરૂ કરવામાં આવી હતી. અહીંયા સ્થાનિક સ્તરે લડત શરૂ કરી હતી, પરંતુ પરિણામ ન મળતા અમે વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં ગૌચરની જમીન પરત મેળવવા માટે પિટિશન ફાઇલ કરી હતી. જે અંગે અગાઉ સરકાર દ્વારા ગૌચર માટે જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ સરકાર દ્વારા આજ દિન સુધી જમીન આપવામાં આવી નથી.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014માં જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ વર્ષ 2024 સુધી જમીન આપવામાં ન આપતા અમે ફરીથી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની માગ સાથે ગયા હતા. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, જમીન નથી.

કોર્ટે સરકારને જમીન આપવા માટે કહ્યું હતું. જેમાં તા. 4 જુલાઈ 2024ના રોજ કલેકટર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો કે કંપનીને આપેલી જમીનનો ઠરાવ રદ કરી ગામના લોકોને ગૌચરની જમીન પરત કરવી. 131 હેકટર જમીન પરત કરવાનો ઑર્ડર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી તેની ઉપર સ્ટે મેળવવામાં આવ્યો છે.

2005માં ગામની ગૌચરની જમીન અમને જાણ કર્યા સિવાય સરકાર દ્વારા કંપનીને આપી દેવામાં આવી હતી. જમીન મર્યાદિત હતી તેમ છતાં જમીન કંપનીઓને આપી દેવામાં આવી હતી. થોડી જમીન હતી તેમાં પણ પર્યાવરણ શુદ્ધ કરવાના નામે વૃક્ષો ઉગાડી દેવામાં આવ્યાં છે. જેથી એ જમીન પશુઓને ચરવા માટે બચી નથી.

ગ્રામજનો તરફથી કાનૂની લડત ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ વર્ધન યાજ્ઞિક લડી રહ્યા છે. તેમના મતે ગ્રામજનોને જેમજેમ આ સંપાદનની જાણ થતી રહી તેમતેમ તેઓ આ લડતમાં જોડાતા ગયા.

વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા.

નવીનાળ એ મુંદ્રા તાલુકાનું એક ગામ છે. જે અદાણી SEZ વિસ્તારમાં આવતાં 22 ગામોમાંથી એક છે. આ ગામના લોકોએ ગૌચરની જમીનના ઠરાવને વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગામ લોકોની રજૂઆત હતી કે, 200થી 300 એકર જમીનની જરૂરત છે અને ત્યારે 40 એકર જમીન રાખી છે. ગામ પાસે ગૌચર રહેતું નથી.
2013માં ગુજરાત સરકારે ઠરાવ કર્યો હતો કે, 231 એકર જમીન આપી છે પણ 1331 એકર જમીન કરતાં વધારે જમીન પાછી આપીએ છીએ. 2014માં ગુજરાત સરકારે કોર્ટમાં રીવ્યૂ પિટિશન ફાઇલ કરીને કહ્યું હતું કે, અમારી પાસે 1331 એકર જમીન નથી. અમારી પાસે તો આપવા માટે માત્ર 8 એકર જમીન છે. એટલે અમારો નિર્ણય અમે પાછો લઈએ છીએ.

વર્ષ 2024માં અમે ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સામે ગયા હતા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, ગૌચરની જમીનની માલિક સરકાર નથી, પરંતુ લોકો તેના માલિક છે. વર્ષ 2005માં તમારે લોકો માટે જમીન આપવાની હતી, એના બદલે વેચી નાખી. અદાણી SEZને તમે જેટલી જમીન આપી હતી એટલી જમીન તમારે પાછી આપવી પડશે. નહીં તો અમારે ઑર્ડર કરવો પડશે. ત્યારબાદ સરકારે ગામથી 7 કિલોમીટર દૂર જમીન આપવાનો વિચાર કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કહ્યું હતું કે, ઢોર 7 કિલોમીટર દૂર ચરવા ન જાય. ગુજરાત હાઈકોર્ટે તેમની વાત માન્ય રાખી હતી. સરકારને કહ્યું હતું કે લોકોને એ જ ગામમાં ગૌચરની જમીન આપો અને જો જમીન ન હોય તો અદાણીને આપેલી જમીન પરત લઈને ગ્રામજનોને પાછી આપો.

ગુજરાત સરકારે કહ્યું કે, 282 એકર જમીન અમે અદાણી પાસેથી તેમજ અમારી પાસેથી ગૌચરના નામ હેઠળ નવીનાળ ગામને પાછી તબદીલ કરીએ છીએ. આ અંગે અદાણી જૂથ દ્વારા કોર્ટમાં વિરોધ રજૂ કરીને કહ્યું હતું કે, જે જમીન અમને આપી દીધી છે એ સંપાદન વગર પાછી ન લઈ શકાય. જેમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે તમારે આ ઑર્ડરને ચૅલેન્જ કરવો હોય તો સ્વતંત્ર રીતે કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને કહ્યું હતું કે, તમે જમીન આપવાનો ઠરાવ કર્યો છે તેને અમલ કરો. કારણ કે, જ્યાં સુધી ગામ લોકોને ગૌચર માટે જમીન પરત નહીં મળે ત્યાં સુધી કોઈ મતલબ રહેતો નથી.

આ કેસમાં અદાણી પૉર્ટ્સે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના અમલ સામે સુપ્રીમ કોર્ટમાં અરજીને કરીને સ્ટે મેળવ્યો છે. અદાણી SEZ દ્વારા ધોરણસરની પ્રક્રિયા અનુસર્યા બાદ 100 ટકા બજાર ભાવની ગણતરી અને તેના ઉપર 30 ટકા પ્રીમિયમની ચૂકવણી કરી આ જમીન સંપાદન કરવામાં આવી હતી. મુંદ્રાના નવીનાળ ગામની આ જમીન અદાણી પૉર્ટ્સને ફાળવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે નવીનાળ ગામના કેટલાક રહેવાસીઓ વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી. આ બાબત ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2011થી પેન્ડીંગ હતી.

જમીન ફાળવણીના 18 વર્ષ બાદ અચાનક ગુજરાત સરકારે સદરહુ જમીનની કાયદાકીય અને વાસ્તવિક સ્થિતિની ખરાઈ કર્યા વિના વર્ષ 2005માં અદાણી પૉર્ટ્સને ફાળવવામાં આવેલી 108 હેક્ટર્સથી વધુ જમીન પાછી લેવા માટે તા. 4 જુલાઈ 2024ના દિવસે આદેશ જારી કર્યો હતો. આ બાબતે તા. 5 જુલાઈ 2024 દિવસે ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક આદેશ કરી ફાળવવામાં આવેલ જમીન પરત લેવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ હુકમ સામે અદાણી પૉર્ટ્સે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે હવે ગુજરાત હાઈકોર્ટનો આ આદેશ સ્થગિત કર્યો છે.

સમગ્ર મામલાની શરૂઆત 2005માં થઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2005માં SEZ નોટિફાય વિસ્તારમાં આવતી કચ્છના મુંદ્રાના નવીનાળ ગામની 108 હેક્ટર જમીન અદાણી પૉર્ટ્સને ફાળવી હતી. વર્ષ 2010માં કંપનીએ જમીનમાં ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું, ત્યારે ગામના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો. આ મુદ્દે વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) થઈ હતી. આ સમગ્ર પ્રકરણની સુનાવણી ચાલી હતી.

વર્ષ 2014માં રાજ્ય સરકારે ગ્રામજનોને ચરવા માટે 387 હેક્ટર સરકારી જમીન આપવાનો આદેશ પસાર કરાયો હતો, જેના પછી કોર્ટે કેસનું સમાધાન કર્યું હતું. પરંતુ સરકારે 387 હેક્ટર જમીન ફાળવી નહોતી. આ પછી ગ્રામજનોએ ગુજરાત હાઈકોર્ટમાં ફરી અરજી કરી હતી.

વર્ષ 2015માં રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતને ફાળવવા માટે માત્ર 17 હેક્ટર સરકારી જમીન ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે દરખાસ્ત કરી હતી કે તે લગભગ 7 કિમી દૂર બાકીની જમીન ફાળવી શકે છે. જોકે, ગામ લોકોએ રાજ્ય સરકારની દરખાસ્ત ફગાવી હતી. આ સંદર્ભમાં એપ્રિલ 2024માં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે રેવન્યૂ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)ને ઉકેલ શોધવાનો નિર્દેશ આપ્યો હતો.

ACS દ્વારા હાઈકોર્ટની ખંડપીઠને રાજ્ય સરકારે લગભગ 108 હેક્ટર અથવા 266 એકર ગૌચર જમીન પાછી લેવાના નિર્ણયની જાણ કરી હતી. મહેસૂલ વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કુલ 129 હેક્ટર જમીનને ગૌચર તરીકે વિકસાવશે અને તેને ગામને પાછી સોંપશે. અદાણી પૉર્ટ્સ પાસેથી લીધેલી 108 હેક્ટર જમીન અને અન્ય 21 હેક્ટર જમીન ઉમેરશે. હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આ દરખાસ્તનો અમલ કરવા નિર્દેશ આપ્યો હતો. અદાણી પૉર્ટ્સે ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

તાજ હોટેલમાં હુમલો
એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ગૌતમ અદાણીએ, તેમને જીવનમાં થયેલા બે ખરાબ અનુભવની વાત કરી હતી. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે જીવનમાં કેટલીક એવો પળો આવતી હોય છે, જેને ભૂલી જવામાં જ સાર હોય છે.

અદાણીએ જે બે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો એ પૈકીની એક ઘટના 2008ની 26 નવેમ્બરે મુંબઈની હોટલ તાજ પર થયો આતંકવાદી હુમલો હતી. તે ઘટના ગૌતમ અદાણીએ બહુ નજીકથી નિહાળી હતી. એ હુમલા વખતે અદાણી તાજ હોટલમાં જ હતા. એ ઘટનામાં થયેલા ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.

અપહરણ
અદાણીના જીવનમાં બનેલી બીજી માઠી ઘટના બાબતે બહુ ઓછા લોકો જાણે છે. 1998માં બનેલી એ ઘટનામાં અદાણીનું બંદૂકની ધાક દાખવીને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમની મુક્તિ માટે રૂ. 15 કરોડની ખંડણી માગવામાં આવી હતી.

1998ની પહેલી જાન્યુઆરીની સાંજે ગૌતમ અદાણી તેમના નજીકના સંબંધી શાંતિલાલ પટેલ સાથે કારમાં બેસીને અમદાવાદની કર્ણાવતી ક્લબમાંથી મોહમ્મદપુરા રોડ તરફ જવાના હતા.

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર રાજ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર, “એ વખતે કર્ણાવતી ક્લબ અમદાવાદની સૌથી મોટી ક્લબ હતી. ગૌતમ અદાણી કર્ણાવતી ક્લબની બહાર નીકળતા હતા ત્યારે જ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમની કારની આગળ એક સ્કૂટર આવી જતાં અદાણીએ કાર રોકવી પડી હતી. એ પછી તરત જ બાજુમાં ઊભેલી એક મારુતિ વાનમાંથી લગભગ છ પુરુષો બહાર નીકળ્યા હતા અને ગૌતમ અદાણી તથા શાંતિલાલ પટેલને બંદૂકની ધાક દાખવીને મારુતિ વાનમાં બેસાડી દીધા હતા”

અપહરણ પછી બન્નેને કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હતા. અપહરણની ઘટના ગુરુવારે બની હતી અને શનિવારે અદાણી તેમની ઘરે સહીસલામત પાછી પહોંચી ગયા હતા. આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશ કેડરના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને યુપી એસટીએફના સ્થાપકો પૈકીના એક રાજેશ પાંણ્ડેયે બીબીસીને કહ્યું હતું કે “લોકોનું અપહરણ કરવાની બબલુ શ્રીવાસ્તવ ગૅંગની આ જાણીતી મોડસ ઑપરેન્ડી હતી. અદાણીના અપહરણનું કાવતરું પણ બબલુ શ્રીવાસ્તવનું જ હતું.”

રાજ ગૌસ્વામીએ કહ્યું હતું કે “ગૌતમ અદાણીને પોલીસે છોડાવ્યા કે પછી તેઓ ભાગી છૂટ્યા હતા કે પછી તેમની મુક્તિ માટે પૈસા આપવામાં આવ્યા હતા એ બાબતે જાતજાતની વાતો થાય છે, પરંતુ તેઓ અપહરણકર્તાઓની ચુંગાલમાંથી તેઓ કઈ રીતે મુક્ત થયા એ વિશે ચોક્કસ કોઈ માહિતી નથી.”

બીજી તરફ રાજેશ પાણ્ડેયે દાવો કર્યો હતો કે “ગૌતમ અદાણીની મુક્તિ માટે અપહરણકર્તાઓને રૂ. પાંચ કરોડ ખંડણીપેટે ચૂકવવામાં આવ્યા હતા. એ નાણાં દુબઈમાં ઇરફાન ગોગાને આપવામાં આવ્યા હતા. ઇરફાન ગોગા બબલુ શ્રીવાસ્તવ ગૅંગ માટે ખંડણી વસૂલવાનું કામ કરતો હતો.”

રાજેશ પાણ્ડેયના જણાવ્યા મુજબ, આ વાત, અપહરણ તથા હત્યાના આરોપસર બરેલી જેલમાં સજા કાપી રહેલા બબલુ શ્રીવાસ્તવે પોતે તેમને જણાવી હતી. એ દિવસોમાં નાણાં ગેરકાયદે ટ્રાન્સફર કરવા માટે હવાલાનો વ્યાપક ઉપયોગ થતો હતો.

રાજેશ પાણ્ડેયના કહેવા મુજબ, ગૌતમ અદાણીને અમદાવાદમાં જ એક ફ્લેટમાં રાખવામાં આવ્યા હતા. અદાણી અપહરણથી એટલા ડરી ગયા હતા કે તેમણે ક્યારેય જુબાની આપી જ ન હતી. તેથી અપહરણના બધા આરોપીને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા.

અંગ્રેજી દૈનિક ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ગૌતમ અદાણીને મુક્ત કરવા માટે અપહરણકર્તાઓ રૂ. 15 કરોડની ખંડણી માગી હતી. આ ઘટના બાબતે નવ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ 2018ના અંત સુધીમાં તમામ આરોપીને મુક્ત કરવામાં આવ્યા હતા.

ગૌતમ અદાણીના અપહરણના મામલામાં 2009માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પહેલાં તેમાં ભૂતપૂર્વ ગૅંગસ્ટર ફઝલ ઉર રહેમાન ઉર્ફે ફઝલુ તથા ભોગીલાલ દરજી ઉર્ફે મામાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.

ફઝલુ મૂળ બિહારનો રહેવાસી હતો અને તેની 2006માં નેપાળની સરહદેથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ભોગીલાલને અપહરણના 14 વર્ષ બાદ 2012માં દુબઈમાંથી પકડીને ભારત લાવવામાં આવ્યો હતો.

જોકે, અદાલતમાં સુનાવણી દરમિયાન અપહરણકર્તાઓની ઓળખ માટે અદાણીએ કોઈ પહેલ કરી ન હતી એટલું જ નહીં, તેમણે અદાલતમાં ક્યારેય જુબાની પણ આપી ન હતી.

આ બન્ને મુખ્ય આરોપીને પુરાવાના અભાવે અદાલતે 2018માં મુક્ત કર્યા હતા. આ ઘટનાના અન્ય આરોપીઓને પણ પુરાવાના અભાવે જ છોડી મૂકવામાં આવ્યા હતા.

ગૌતમ અદાણીના અપહરણ પછી 1988ની છઠ્ઠી ડિસેમ્બરે ગુજરાતના મીઠાના વેપારી બાબુભાઈ સિંઘવીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજેશ પાણ્ડેયે કહ્યું હતું કે “બાબુભાઈ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની આજુબાજુ એક સ્કૂટર તથા મારુતિ વેનની હિલચાલ પર શંકા જતાં તેમણે તેમની કાર ભીડવાળા વિસ્તાર તરફ ભગાવી મૂકી હતી. આ ઘટના ગુજરાતના ભુજ જિલ્લામાં બની હતી.”

બાબુભાઈ દેશના તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના નજીકના માણસ હતા. તેથી પોલીસ આ બાબતે વધારે સક્રિય અને ગંભીર થઈ ગઈ હતી.

ભુજના તત્કાલીન પોલીસવડા કેશવ પ્રસાદને આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું હતું કે જે લોકોએ બાબુભાઈના અપહરણનો પ્રયાસ કર્યો હતો તેઓ ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, મુંબઈ, નેપાળ તથા દુબઈના કેટલાક ફોન નંબર પર સતત વાતચીત કરતા હતા.

એમાં પણ મોટા ભાગની વાતચીત લખનૌના એક નંબર પર જ થતી હતી. એ પછી કેશવ પ્રસાદે ઉત્તરપ્રદેશ પોલીસના આઈપીએસ અધિકારી તથા યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ના તત્કાલીન વડા અરુણકુમારનો સંપર્ક કર્યો હતો.

કેશવ પ્રસાદને શંકા હતી કે અપહરણના એ પ્રયાસમાં ઉત્તરપ્રદેશના કુખ્યાત અપરાધી શ્રીપ્રકાશ શુક્લની ગુંડા ટોળકીની સંડોવણી હોઈ શકે છે, પરંતુ યુપીએસટીએફની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે તે બબલુ શ્રીવાસ્તવની ટોળકીના લોકોનું કામ હતું. બબલુ શ્રીવાસ્તવ એક જમાનામાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ માટે કામ કરતો હતો.

1993માં મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટમાં નામ આવ્યા બાદ દાઉદ ઇબ્રાહીમની ગુંડા ટોળકી સાંપ્રદાયિક કારણસર તૂટી ગઈ હતી અને એ ટોળકીના બબલુ શ્રીવાસ્તવ તથા છોટા રાજન સહિતના અનેક ગુંડાઓએ પોતપોતાની અલગ ટોળકીઓ બનાવી હતી.

બબલુ શ્રીવાસ્તવને સીબીઆઈ 1995માં સિંગાપુરથી પકડીને ભારત લાવી હતી. રાજેશ પાણ્ડેયને જણાવ્યા મુજબ, એ સમયે બબલુ શ્રીવાસ્તવને અલાહાબાદ નજીકની નૈની જેલમાં રાખવામાં આવ્યો હતો.

યુપી એસટીએફની તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ગૌતમ અદાણીનું અપહરણ પણ બબલુ શ્રીવાસ્તવ ગૅંગે જ કરાવ્યું હતું. બબલુ જેલમાં રહીને તેની ગૅંગનું સંચાલન કરતો હતો.

રાજેશ પાણ્ડેયના જણાવ્યા મુજબ, બબલુ શ્રીવાસ્તવ અપહરણનું માસ્ટર માઇન્ડ ગણાતો હતો. તેણે દેશના 15થી વધારે કરોડપતિ વ્યવસાયીનું અપહરણ કરાવ્યું હતું અને તેમની મુક્તિના બદલામાં જંગી ખંડણી વસૂલી હતી.

રાજેશ પાણ્ડેયે કહ્યુ હતું કે “ગૌતમ અદાણીનું ગુરુવારે અપહરણ કરવામાં આવ્યાની અને એ પછી થઈ રહેલી ખંડણીની વાતોની વિશે બબલુ શ્રીવાસ્તવે જ મને જણાવ્યું હતું. અદાણીએ શનિવારે અપહરણકર્તાઓને જણાવ્યું હતું કે બૅન્ક આવતી કાલ સુધી બંધ રહેશે અને બૅન્ક વિના તેઓ રૂ. 15 કરોડ ચૂકવી શકશે નહીં. અદાણીએ તેમને એમ પણ કહ્યું હતું કે મને શોધી રહેલી પોલીસ આજે સાંજ સુધીમાં અહીં આવી પહોંચશે. પોલીસ હકીકતમાં ત્યાં પહોંચી ગઈ હતી.”

જોકે, આ તથ્યો સંદર્ભે ગૌતમ અદાણીનું કોઈ નિવેદન બીબીસી પાસે નથી.

રાજેશ પાણ્ડેયના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણીના અપહરણથી માંડીને બીજા અનેકના અપહરણ તથા હત્યાની ઘટનાઓ બાબતે તેઓ ‘કિસ્સાગોઈ’માં જણાવી ચૂક્યા છે, પરંતુ કોઈએ તેમના તથ્યો બાબતે સવાલ ઉઠાવ્યો નથી.

રાજેશ પાણ્ડેયનો દાવો છે કે આ સાંભળેલી વાતો નથી. અદાણીનું અપહરણ જેણે કરાવ્યું હતું તે બબલુ શ્રીવાસ્તવ સાથે મારી સીધી વાતચીત થઈ હતી.

1998 સુધીમાં ગૌતમ અદાણી ગુજરાતના મોટા બિઝનેસમૅન બની ગયા હતા. મોટા ભાઈના પ્લાસ્ટિકના બિઝનેસમાં જોડાઈને 1988થી 1992 દરમિયાન ગૌતમ અદાણીનો આયાતનો બિઝનેસ 100 ટનથી અનેક ગણો વધીને 40,000 ટનના સ્તરે પહોંચી ગયો હતો.

તેમણે ટૂંક સમયમાં નિકાસક્ષેત્રે ઝંપલાવ્યું હતું અને ઝડપથી તેઓ મોટા નિકાસકાર બની ગયા હતા. તેઓ લગભગ દરેક ચીજની નિકાસ કરતા હતા.

એ પછી મુંદ્રા પોર્ટ સાથે જોડાયા બાદ અદાણીના બિઝનેસનો જબરો વિસ્તાર થયો હતો.

રાજેશ પાણ્ડેય માને છે કે એ સમય સુધી અદાણી રાષ્ટ્રીયસ્તરે બહુ વિખ્યાત હોય તેવા ઉદ્યોગપતિ ન હતા. તેથી તેમના અપહરણની કથા બાબતે લોકો ખાસ કશું જાણતા નથી.

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની સામે અમેરિકામાં છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

તેમના પર આરોપ છે કે તેમણે અમેરિકામાંથી નાણાં ઊભા કરવા માટે 250 મિલિયન ડૉલરની (અંદાજે રૂ. બે હજાર 100 કરોડ) લાંચ આપવાની તૈયારી દાખવી અને તેને છુપાવી.

બુધવારે ન્યૂ યૉર્કની કોર્ટમાં મૂકાયેલો આ આરોપ, ભારતની સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક ગૌતમ અદાણી માટે એક મોટા ઝટકા સમાન હતો.

અદાણીના વેપારનું સામ્રાજ્ય પૉર્ટ્સ, ઍરપૉર્ટ અને રિન્યુએબલ ઍનર્જીના ક્ષેત્રમાં વિકસેલું છે.

અમેરિકાની કોર્ટમાં મૂકાયેલા તોહતનામામાં સરકારી પક્ષે આરોપ મૂક્યો છે કે ઉદ્યોગપતિ અને તેમના વરિષ્ઠ અધિકારીઓએ તેમની રિન્યુએબલ ઍનર્જી કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ ચૂકવવા રાજી હતા.

અમેરિકામાં
અમેરિકાની એક કંપનીએ 2023માં અદાણી જૂથ પર છેતરપિંડીનો આરોપ મૂકતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો ત્યારથી અદાણી જૂથ અમેરિકામાં શંકાના દાયરામાં છે. ગૌતમ અદાણીએ કંપની દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા. એ ટૂંકાગાળા દરમિયાન અદાણી જૂથની કંપનીના શૅરોમાં ભારે વેચાવલી થઈ હતી.

આ લાંચની તપાસનો અહેવાલ મહિનાઓ સુધી ફરતો રહ્યો હતો. સરકારી પક્ષનું કહેવું છે કે અમેરિકાએ 2022માં કંપનીની તપાસ કરવાનું શરૂ કર્યું હતું અને તપાસમાં અડચણ જોવા મળી હતી.

તેમની પર આરોપ છે કે કંપનીએ લાંચવિરોધી પદ્ધતિઓ અને પૉલિસીને લઈને ખોટા અને ગેરમાર્ગે દોરનારાં નિવેદનો આપીને લોન અને બૉન્ડ્સ દ્વારા ત્રણ અબજ ડૉલર (રૂ. 253 અબજ લગભગ) એકઠા કર્યા હતા.

આરોપ છે કે કંપનીના અધિકારીઓએ લોન અને બૉન્ડ્સના માધ્યમથી ત્રણ અરબ ડૉલર એકઠા કર્યા. જેમાં અમેરિકાની કંપનીઓએ પણ રોકાણ કર્યું હતું.

અદાણી જૂથ પર આરોપ છે કે કપંનીએ પોતાની લાંચવિરોધી નીતિઓ અને આચરણ વિશે ગેરમાર્ગે દોરનારા ખોટા નિવેદન કરીને આ નાણાં એકઠાં કર્યાં હતાં.

અમેરિકાના ઍટર્ની બ્રિયોન પીસે આરોપ વિશે ચર્ચા કરતા કહ્યું, ‘આરોપ મુજબ, પ્રતિવાદીઓએ અબજો ડૉલરના કૉન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતના સરકારી અધિકારીઓને લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું તથા લાંચ વિશે જૂઠ્ઠું બોલ્યા કારણ કે તે અમેરિકા અને વૈશ્વિક રોકાણકારો પાસેથી રૂપિયા મેળવવાના પ્રયત્નો કરી રહ્યા હતા.’

બ્રિયોન પીસે કહ્યું, ‘મારું કાર્યાલય આંતરરાષ્ટ્રીય બજારમાંથી ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ખતમ કરી નાખવા માટે પ્રતિબદ્ધ છે. આ સિવાય રોકાણકારોને એવા લોકોથી બચાવવાનું છે, જે આપણા નાણાકીય બજારોની વિશ્વસનીયતાની કિંમત પર પોતાને અમીર બનાવવા ઇચ્છે છે.’

અધિકારીઓનું કહેવું છે કે ખુદ ગૌતમ અદાણીએ અનેક વખત સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને લાંચ આપવા વિશે ચર્ચા કરી હતી.

ગૌતમ અદાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક માનવામાં આવે છે. વિપક્ષના નેતાઓએ અનેક વખત આરોપ મૂક્યા છે કે ગૌતમ અદાણીને તેમના રાજકીય સંપર્કોથી લાભ થયો છે, જોકે અદાણીએ આવા આરોપોને હંમેશા નકર્યા છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ દ્વારા ઍટર્નીની નિમણૂક કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીત્યા, તેના ગણતરીના અઠવાડિયાંમાં જ આ ફાઇલિંગ દાખલ થયું છે. ટ્રમ્પે અમેરિકાના ન્યાયતંત્રમાં ધરમૂળથી ફેરફાર લાવવાની વાત કહી છે.

ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા ઉપર ટ્રમ્પને વિજય બદલ શુભકામનાઓ પાઠવી હતી અને અમેરિકામાં 10 અબજ ડૉલરના (રૂ. 840 અબજ) રોકાણની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સાગર અદાણી
અમદાવાદસ્થિત અદાણી જૂથનું નામ વધુ એક વખત વિવાદોમાં સપડાયું છે. કંપનીના સ્થાપક ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત આઠ લોકો સામે અમેરિકાની અદાલતમાં આરોપનામું ઘડવામાં આવ્યું છે.

ગૌતમ અદાણી તથા સહઆરોપીઓ ઉપર તોહમત છે કે તેમણે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કૉન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લગભગ ‘બે હજાર 100 કરોડની લાંચ આપવાનું કાવતરું’ ઘડ્યું.

ઉપરાંત તેમણે આ વિગતો છુપાવીને અમેરિકાના નાણાબજારમાંથી બે અબજ ડૉલરની રકમ ઊભી કરી હતી. તેમની ઉપર છેતરપિંડી અને ન્યાયપ્રક્રિયાને અવરોધવાના આરોપ પણ મૂકવામાં આવ્યા છે.

સાગર અદાણી તેમની કારકિર્દીની શરૂઆતથી જ અદાણી ગ્રીન્સ સાથે સક્રિયપણે જોડાયેલા છે. સાગરને અદાણી જૂથ અને પરિવારમાં ‘નવી પેઢી’ તરીકે જોવામાં આવે છે.

આ સિવાય વિનીત જૈન પણ લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા છે. તેઓ એજીએલમાં સીઈઓ હતા અને હાલમાં મૅનેજિંગ ડાયરેક્ટરના પદ પર છે.

અમેરિકાના ન્યાયતંત્રની કાર્યવાહીને કારણે અદાણી જૂથના શૅરોના ભાવોમાં છ ટકાથી લઈને 20 ટકા સુધીનો કડાકો બોલી ગયો હતો.

એજીઈએલે ડૉલરમાં બૉન્ડ દ્વારા 60 કરોડ ડૉલર ઊભા કરવાની યોજના પડતી મૂકી છે. કંપનીએ તેના ડાયરેક્ટરો સામેના આરોપોને ‘પાયાવિહોણાં’ ગણીને નકારી કાઢ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાન્યુઆરી-2023માં અમેરિકાસ્થિત શૉર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ વિશે અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેના કારણે અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવોમાં કડાકો બોલી ગયો હતો.

ગૌતમ અદાણી તથા અન્યો વિરૂદ્ધ ન્યૂ યૉર્કની અદાલતમાં બુધવારે આરોપનામું દાખલ થયું હતું. જેમાં તેમની ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ભારતીય અધિકારીઓને 25 કરોડ ડૉલરની (અંદાજે રૂ. બે હજાર 100 કરોડ) લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું.

આને કારણે કંપનીને આગામી 20 વર્ષ દરમિયાન બે અબજ ડૉલરનો (વર્તમાન કિંમત પ્રમાણે રૂ. 169 અબજ) ફાયદો થવાનો છે.

આરોપનામા મુજબ ખુદ ગૌતમ અદાણીએ ભારતીય અધિકારીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને લાંચની રકમ વિશે ચર્ચા કરી હતી.

આ સિવાય કંપનીના આંતિરક ઇલેક્ટ્રૉનિક સંદેશાવ્યવહારમાં ગૌતમ અદાણીનું નામ કોડવર્ડમાં ચર્ચવામાં આવ્યું હતું. આરોપનામા મુજબ (પેજ 20) ગૌતમ અદાણીનો ઉલ્લેખ “એસએજી”, “એક નંબર” (ન્યૂમરો યુનો), “મોટા માણસ” (ધ બિગ મૅન) જેવા કોડવર્ડથી કરવામાં આવ્યો છે.

આરોપનામા મુજબ ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનીત જૈન તથા અન્ય આરોપીઓ વચ્ચે એપ્રિલ-2022માં અમદાવાદસ્થિત અદાણી જૂથની કૉર્પોરેટ ઑફિસે વાટાઘાટો થઈ હતી.

ગૌતમ અદાણીની ગણના ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાં થાય છે. ફૉર્બ્સના ડેટા પ્રમાણે, ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં ગુરૂવારે 11 અબજ ડૉલર જેટલો કડાકો બોલી ગયો હતો તથા ઘટીને 60 અબજ ડૉલર પર આસપાસ આવી ગઈ હતી. તેઓ વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં 25મા ક્રમે હતા.

અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડમાં સાગર અદાણી ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. તેઓ ગૌતમ અદાણીના ભાઈ રાજેશના દીકરા છે.

કંપનીની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સાગરે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક કર્યું છે. સાગર વર્ષ 2015થી અદાણી જૂથ સાથે જોડાયેલા છે.

સાગરને અદાણી ગ્રીન ઍનર્જીના સૌર અને પવનઊર્જાના તમામ પ્રોજેક્ટ્સનો શ્રેય આપવામાં આવે છે. તેઓ કંપનીની વ્યૂહાત્મક તથા નાણાકીય બાબતો સંભાળે છે અને વિદેશમાં ઑર્ગેનાઇઝેશનને ઊભું કરવામાં લાગે છે.

કંપનીના વાર્ષિક અહેવાલ (વર્ષ 2023- ’24) પ્રમાણે, સાગર અદાણી જૂથના પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોનાં લક્ષ્યાંકોને પાર પાડવા પ્રયાસોને નેતૃત્વ પૂરું પાડે છે. સાગર એજીઈએલની સ્થાપના થઈ, ત્યારથી જ તેની સાથે જોડાયેલા છે.

આ અહેવાલ મુજબ, સાગર બિઝનેસ, રિસ્ક મૅનેજમેન્ટ, નાણાકીય બાબતો, વૈશ્વિક અનુભવ, જોડાણ અને વિલિનીકરણ, ટૅક્નૉલૉજી સંશોધન, સાયબર સિક્યૉરિટી અને કૉર્પોરેટ ગવર્નન્સ જેવી બાબતોમાં નિપુણતા ધરાવે છે.

ભારતની લિસ્ટેડ કંપનીઓ તથા તેના ડાયરેક્ટરો વિશેની માહિતીનું સંકલન કરતી સંસ્થા ટ્રૅન્ડલાઇનના ડેટા પ્રમાણે, સાગર વર્ષ 2019માં એજીઈએલમાં ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા, ત્યારે તેમને વાર્ષિક રૂ. 50 લાખનું મહેનતાણું મળતું હતું.

વર્ષ 2020માં આ મહેનતાણું વધીને રૂ. એક કરોડ ઉપર પહોંચી ગયું હતું. વર્ષ 2022માં આ આંકડો રૂ. ત્રણ કરોડ ઉપર પહોંચી ગયો હતો. ઉપરોક્ત વાર્ષિક અહેવાલ પ્રમાણે, સાગરને વાર્ષિક રૂ. ચાર કરોડનો પગાર મળે છે. આ સિવાય રૂ. 40 લાખ ભથ્થા પેટે મળે છે.

સાગરનો ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેનો પાંચ વર્ષનો કાર્યકાળ ઑક્ટોબર-2023માં પૂર્ણ થતો હતો. એ પહેલાં વધુ પાંચ વર્ષ માટે આ પદ પર તેમની નિમણૂક કરવામાં આવી હતી.

આરોપનામા મુજબ, (પૃષ્ઠ 34) તા. 17 માર્ચ 2023ના સાગર અદાણી અમેરિકામાં હતા, ત્યારે એફબીઆઈએ (ફૅડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) વૉરંટની બજવણી કરી હતી અને સાગરના કબજામાં રહેલાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સને કબજે લીધાં હતાં.

તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે, સાગર પોતાના મોબાઇલ ફોન દ્વારા કયા અધિકારીને લાંચ પેટે કેટલી રકમ ચૂકવવાની છે, કુલ કેટલી રકમ ચૂકવવાની છે, લાંચના સાટે જે-તે રાજ્ય (કે કેન્દ્રશાસિત પ્રદેશ) અંદાજે કેટલી વીજળી ખરીદશે જેવી વિગતો મેળવતાં હતાં.

સરકારી અધિકારીઓના નામોની ટૂંકાક્ષરી લખવામાં આવતી હતી તથા કેટલાક કિસ્સામાં મૅગાવોટ દીઠ લાંચની રકમ પણ નક્કી કરવામાં આવી હતી.

સાગર ઉપર રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો, તથ્યોને છૂપાવવાનો તથા રોકાણકારોનાં હિતોને નુકસાન પહોંચે તેવું કૃત્ય કરવાના આરોપ મૂકવામાં આવ્યા છે.

સાગર સહિતના આરોપીઓ પર (પેજનંબર 25) ઇલેક્ટ્રૉનિક ચેટ, ડૉક્યુમેન્ટ્સ તથા પીપીટી વગેરેનો નાશ કરીને કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ ઊભા કરવાના પણ આરોપ છે.

ઇન્ડિયા ફાઇલિંગ્સ કંપનીના ડિરેક્ટરો તથા કંપનીઓ સાથે તેમના જોડાણ વિશેની માહિતીનું સંકલન કરે છે. આ કંપનીના ડેટા પ્રમાણે, અદાણી કૅપિટલ પ્રા. લિ., અદાણી ફિનસર્વ પ્રા.લિ., અદાણી ડિજિટલ લૅબ્સ પ્રા. લિ., અદાણી હાઉસિંગ ફાઇનાન્સ પ્રા.લિ., અદાણી ગ્રીન ઍનર્જી ટ્વેન્ટી થ્રી લિ., અદાણી હૅલ્થ વૅન્ચર્સ સાથે જોડાયેલા છે.

આ સિવાય તેઓ અદાણી વૅન્ચર્સ, અદાણી રિન્યુઍબલ પાવર, અદાણી ટ્રૅડ ઍન્ડ લૉજિસ્ટિક્સ જેવી લિમિટેડ લાયૅબ્લિટી પાર્ટનરશિપમાં પણ ડાયરેક્ટરપદે છે.

કોણ છે વિનીત જૈન?
અમેરિકાની સરકારના ન્યાયવિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપનામા પ્રમાણે, વર્ષ 2020થી 2024 દરમિયાન ભ્રષ્ટ આચરણ કરવામાં આવ્યું હતું. 54 પન્નાના આરોપનામામાં અદાણી ઉપરાંત વિનીત જૈનનો વારંવાર ઉલ્લેખ મળે છે.

એજીઈએલની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, વિનીત જૈન અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં મૅનેજિંગ ડાયરેક્ટર છે.

વિનીત 15 વર્ષ કરતાં વધુ સમયથી અદાણી જૂથ સાથે જોડાયેલા છે. વિનીત મે-2023માં કંપનીમાં એમડી બન્યા તે પહેલાં સીઈઓની (ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર) ભૂમિકા પણ ભજવતા હતા.

અદાણી જૂથના ઊર્જા અને માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સમાં વિનીત સક્રિય ભૂમિકા ભજવે છે. પુનઃપ્રાપ્ય ઊર્જા, વીજ ઉત્પાદન, વીજપરિવહન તથા વીજવિતરણ ક્ષેત્રે ઊંડી સમજ ધરાવે છે.

કંપનીની વેબસાઇટ પ્રમાણે, અદાણી જૂથે તામિલનાડુના કમૂઠી ખાતે સોલાર પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે, જે એક સમયે વિશ્વનો સિંગલ લૉકેશન સૌથી મોટો પ્લાન્ટ હતો. તેને કાર્યરત કરવામાં વિનીત જૈને સક્રિય ભૂમિકા ભજવી હતી.

આ સિવાય દેશની પહેલી અને સૌથી લાંબી ખાનગી હાઈ-વૉલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ લાઇનને નાખવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

અદાણી જૂથનો દાવો છે કે તે દેશના સૌથી મોટા સોલર મૉડ્યૂલ ઉત્પાદન એકમના કામમાં લાગેલી છે. જેમાં જૈન સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

એપ્રિલ-2022માં ગૌતમ અદાણી તથા અન્ય આરોપીઓ વચ્ચે નવી દિલ્હી ખાતે મુલાકાત થવાની હતી, જેમાં લાંચની રકમ અંગે બેઠક કરવાના હતા. આ પહેલાં વિનીત જૈને પોતાના મોબાઇલ ફોનમાંથી એક તસવીર મોકલી હતી.

જેમાં વિદેશી રોકાણકાર પોતાના ભાગ પેટેની રૂ. 55 કરોડની લાંચ આપે એટલે તેના સાટે 650 મૅગાવોટના વીજ ખરીદ કરાર મળશે એવી ખાતરી આપવામાં આવી હતી. આ સિવાય લગભગ રૂ. 583 કરોડના બદલામાં 2.3 ગીગાવોટના વીજ ખરીદ કરાર થશે એવી ખાતરી પણ આપવામાં આવી હતી.

વાર્ષિક અહેવાલ (2023- ’24) મુજબ, વિનીત કંપનીના કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં લગભગ 106 ગણું વળતર મેળવે છે, જ્યારે સાગરના કિસ્સામાં આ અંતર લગભગ 41.5 ગણું છે.

અદાણી ગ્રીન ઍનર્જીની સ્થાપના અદાણી ઍન્ટર્પ્રાઇઝિસના એકમ તરીકે થઈ હતી. જૂન-2018માં એજીઈએલનું લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એ સમયે રૂ. 10ની કિંમતનો એક એવા એક અબજ 58 કરોડથી વધુ શૅરો બહાર પાડવામાં આવ્યા હતા.

કંપનીનું કહેવું છે કે તે સૌરઊર્જા, પવનઊર્જા, સૌર અને પવન ઊર્જાથી ચાલતા પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે. આ સિવાય તે સોલાર પાર્ક્સનું પણ સંચાલન કરે છે.

કંપનીની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, તે વર્ષ 2030 સુધીમાં 50 ગીગાવૉટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન કરવા માગે છે. હાલમાં તે 11 હજાર 184 મૅગાવોટ પુનઃપ્રાપ્ય વીજળીનું ઉત્પાદન કરે છે.

જેમાંથી સાત હજાર 400 મેગાવોટ જેટલું સૌર, એક હજાર 650 મૅગાવોટ જેટલું પવન અને બે હજાર 140 મૅગાવોટ (હાઇબ્રીડ) ઢબે ઉત્પાદન થાય છે. કંપની રાજસ્થાનમાં સોલાર પાર્કનું સંચાલન કરે છે.

આ સિવાય કંપનીએ ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ઉજ્જડ જમીન ઉપર 30 મૅગાવોટના પુનઃપ્રાપ્ય ઊર્જાપ્લાન્ટનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે વિશ્વમાં સૌથી મોટો બની રહેશે તેવો કંપનીનો દાવો છે.

એજીઈએલે 60 કરોડ ડૉલરના બૉન્ડ બહાર પાડવાની યોજના ઘડી હતી, પરંતુ તાજેરના ઘટનાક્રમ પછી આ ભરણું પાછું ખેંચી લીધું છે. અગાઉ પણ તેને એક વખત મોકૂફ કરવામાં આવ્યું હતું.

અમેરિકાના ન્યાય તંત્ર તથા સિક્યૉરિટી ઍન્ડ ઍક્સચેન્જ કમિશનના આરોપોને કંપનીએ પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે તથા આ કેસમાં શક્ય તમામ કાયદાકીય ઉપાયો અજમાવવાની વાત કહી છે.

અદાણી જૂથનું કહેવું છે કે તે સંચાલનના ઉચ્ચસિદ્ધાંતોને જાળવવા માટે કટિબદ્ધ છે. તે જ્યાં ક્યાંય પણ કામ કરે છે ત્યાંના કાયદાઓનું પાલન કરે છે અને પારદર્શકતા જાળવે છે.

કંપનીનું કહેવું છે કે તે કાયદાનું પાલન કરતી અને સંપૂર્ણપણે કાયદા મુજબ સંચાલિત કંપની છે.

છતાં આરોપો બહાર આવ્યા એ પછી કંપનીના શૅરના ભાવોમાં સરેરાશ 19 ટકા કે તેથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

શૅરબજારના ડેટાનું સંકલન કરતી વેબસાઇટ સ્ટૉકઍજના અહેવાલ મુજબ, અદાણી જૂથની 11 જેટલી કંપની લિસ્ટેડ છે. ગુરુવારે બજાર બંધ થયું ત્યારે બધા શૅરો લાલમાં બંધ આવ્યા હતા. ટકાવારી મુજબ અદાણી ઍન્ટર્પ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી સૉલ્યુસન્સ, અદાણી એનર્જી, અદાણી વિલ્મર, અદાણી ટૉટલ ગૅસ, અદાણી પૉર્ટ્સ, અદાણી પાવર અને અંબુજા સિમેન્ટ્સ જેવી કંપનીઓને નોંધપાત્ર નુકસાન થયું હતું.