આંતરરાષ્ટ્રીય સ્તરની ગ્રોથ ઇન્વેસ્ટર કંપનીના રોકાણથી જિયોને ભારત માટે ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાના મિશન માટે તેની ઇકોસિસ્ટમને વધારે મજબૂત બનાવવામાં મદદ મળશે
મુંબઈ, 17 મે, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“જિયો પ્લેટફોર્મ્સ”)એ આજે અગ્રણી ગ્લોબલ ગ્રોથ ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિક દ્વારા રૂ. 6,598.38 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણથી જનરલ એટલાન્ટિકે જિયો પ્લેટફોર્મમાં 1.34 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 લાખ કરોડ થયું છે અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 5.16 લાખ કરોડ થયું છે. આ રોકાણ સાથે જિયો પ્લેટફોર્મે ચાર અઠવાડિયાથી ઓછા સમયગાળામાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ અને જનરલ એટલાન્ટિક સહિત અગ્રણી ટેકનોલોજી રોકાણકારો પાસેથી રૂ. 67,194.75 કરોડનું રોકાણ મેળવ્યું છે.
અગાઉ 3 કંપનીઓએ એક મહિનામાં જીયોનો હિસ્સો ખરીદી લીધો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ધિનો લાભ મેળવી શકે.
જનરલ એટલાન્ટિક અગ્રણી ગ્લોબલ ગ્રોથ ઇક્વિટી કંપની છે. કંપની ટેકનોલોજી, કન્ઝ્યુમર, નાણાકીય સેવાઓ અને હેલ્થકેર સેક્ટર્સમાંથી રોકાણ કરવાનો 40 વર્ષનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તમામ 14 લોકેશન પર આંતરરાષ્ટ્રીય સ્તરના ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ અંતર્ગત સંપૂર્ણ ટીમ તરીકે કાર્યરત જનરલ એટલાન્ટિક ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાથી સંચાલિત અને લાંબા ગાળાની સાતત્યપૂર્ણ વૃદ્ધિને ટેકો આપતી કંપનીઓમાં રોકાણ કરે છે. જનરલ એટલાન્ટિક દુનિયાભરમાં પરિવર્તનકારક ઉદ્યોગસાહસો અને કંપનીઓમાં રોકાણ કરવાનો લાંબા ગાળાનો સફળ રેકોર્ડ ધરાવે છે, જેમાં એરબીએનબી, અલીબાબા, એએનટી ફાઇનાન્સિયલ, બોક્ષ, બાઇટડાન્સ, ફેસબુક, સ્લેક, સ્નેપચેટ, ઉબર અને આંતરરાષ્ટ્રીય સ્તરની અન્ય ટેકનોલોજી કંપનીઓ સામેલ છે.
આ સમજૂતી પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “મને વેલ્યુ પાર્ટનર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરના રોકાણકાર જનરલ એટલાન્ટિકને આવકારવાની ખુશી છે. હું કેટલાંક દાયકાઓથી જનરલ એટલાન્ટિક વિશે જાણું છું અને ભારતની વૃદ્ધિની ઊંચી સંભવિતતાના એના વિશ્વાસની હું પ્રશંસા કરું છું. જનરલ એટલાન્ટિક ભારત માટે ડિજિટલ સોસાયટીનું સર્જન કરવાની અમારી ફિલોસોફીમાં માને છે અને 1.3 અબજ ભારતીયોના જીવનમાં ડિજિટાઇઝેશનની પરિવર્તનકારક ક્ષમતામાં વિશ્વાસ ધરાવે છે. અમે જનરલ એટલાન્ટિકની આંતરરાષ્ટ્રીય દક્ષતાનો ઉપયોગ કરવા અને ટેકનોલોજીમાં રોકાણ કરવાના એના 40 વર્ષની સ્ટ્રેટેજિક દ્રષ્ટિએ ઉપયોગી જાણકારીનો લાભ જિયો માટે મેળવવા આતુર છીએ.”
જનરલ એટલાન્ટિકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બિલ ફોર્ડે કહ્યું હતું કે, “અમે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરની ટોચની ટેકનોલોજી કંપનીઓ અને દૂરદર્શી ઉદ્યોગસાહસોને પીઠબળ પૂરું પાડીએ છીએ. અમે જિયોમાં રોકાણ કરીને અતિ ખુશ છીએ. મુકેશ અંબાણી માને છે કે, ડિજિટલ કનેક્ટિવિટી ભારતીય અર્થતંત્રને વેગ આપવાની સંભવિતતા ધરાવે છે અને દેશભરમાં વૃદ્ધિને વેગ આપશે. અમને એમના વિઝનમાં પૂરો વિશ્વાસ છે. જનરલ એટલાન્ટિક પરિવર્તનકારક વ્યવસાયોના સ્થાપકોને પીઠબળ પૂરું પાડવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જિયો ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવવામાં મોખરે છે.”
જિયોના ડાયરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું હતું કે, “અમને આનંદ છે કે ભારત અને ભારતીયોને ડિજિટલ રીતે સક્ષમ બનાવવાની યાત્રામાં પ્રસિદ્ધ વૈશ્વિક રોકાણકાર જનરલ એટલાન્ટિક અમારી સાથે ભાગીદાર બન્યા છે. જિયો ડિજિટલ સર્વસમાવેશક ભારતનું સર્જન કરવા પ્રતિબદ્ધ છે, જે દરેક ભારતીય નાગરિકને ઘણી તકો પ્રદાન કરશે, ખાસ કરીને અમારી અતિ પ્રતિભાશાળી યુવા ટીમ સાથે. જનરલ એટલાન્ટિકનું રોકાણ અને પાર્ટનરશિપ જિયોની યુવા ટીમને આગળ જતાં વધારે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો સ્થાપિત કરવા પ્રેરિત કરશે.”
જનરલ એટલાન્ટિકના ભારત અને દક્ષિણપૂર્વ એશિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને હેડ સંદીપ નાયકે ઉમેર્યું હતું કે, “જનરલ એટલાન્ટિક ભારતમાં રોકાણ કરવાનો આશરે બે દાયકાનો અનુભવ ધરાવે છે, ખાસ કરીને સ્થાપક દ્વારા સંચાલિત વ્યવસાયોમાં, જે અનેબલ્મેન્ટ, સર્વસમાવેશકતા અને પ્રગતિના સિદ્ધાંતો પર આધારિત છે. ફક્ત સાડા ત્રણ વર્ષમાં જિયોએ ડેટા અને ડિજિટલ સેવાઓનું ડેમોક્રેટાઇઝેશન કર્યું છે, જે ભારતને અગ્રણી ગ્લોબલ ડિજિટલ અર્થતંત્ર બનાવવાની પ્રક્રિયાને વેગ આપશે.”
આ નાણાકીય વ્યવહાર નિયમનકારક અને અન્ય પરંપરાગત મંજૂરીઓને આધિન છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય સલાહકાર તરીકે મોર્ગન સ્ટેન્લી તથા કાયદેસર સલાહકાર તરીકે એઝેડબી એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ કામ કર્યું હતું. જનરલ એટલાન્ટિક તરીકે કાયદેસર સલાહકાર તરીકે પૉલ, વેઇસ્સ, રિફકાઇન્ડ, વ્હોર્ટન એન્ડ ગેરિસન તથા શાર્દૂલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપની કામ કર્યું હતું.