ફરીવાર ઘેડના ખેતરોમાં પાણી ફરી વળ્યા

घेड के खेतों में फिर पानी भर गया Ghed’s fields flooded again
જુલાઈ 2024

ફરીવાર ઘેડ જળબંબાકાર, ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ગેબીયન વોલ પર હંગામી મરામત કરેલા કામનું ધોવાણ થઈ જતા ખેડૂતોને મુશ્કેલી હતી.

જૂનાગઢ જીલ્લામાં ગત રાત્રે પડેલા વરસાદના કારણે ફરીવાર ઘેડ પંથક જળબંબાકાર થયો છે. બામણાસા નજીક ઓઝત નદીમાં તુટી ગયેલી ગેબીયન વોલ પર રેતીના બાચકા મુકવામાં આવ્યા હતા તે ફરી ધોવાઈ ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા. હજુ થોડા દિવસ પહેલા ઘેડ પંથકમાં પ્રસરેલા પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા હતા તેવામાં ફરી પાણી ઘુસી જતા સ્થાનિકો તથા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદના કારણે ઓઝત-2 ડેમ સહિતના જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી તથા અનેક રસ્તાઓ ફરી બંધ થતા જનજીવન પર અસર થઈ છે.

ચોમાસાની સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ 15 ઈંચ જેટલા વરસાદના કારણે જૂનાગઢ જીલ્લાના અનેક જળાશયો ઓવરફલો થયા હતા. જેમાં જીલ્લાનો મુખ્ય ડેમ ઓઝત-ર ઓવરફલો થતા તેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તથા વંથલી સહિતના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ઓઝત નદી ગાંડીતુર થઈ હતી. કેશોદના બામણાસા નજીક ખેતરનું ધોવાણ અટકાવવા માટે નદીમાં ખેતરના કાંઠે 1 કરોડથી વધુના ખર્ચે બનાવેલી ગેબીયન વોલ બન્યાને બે દિવસમાં ધોવાઈ ગઈ હતી. આ દિવાલ ધોવાઈ જવાથી જો ફરી ભારે વરસાદ થાય તો ઓઝત નદીના પુરનો પ્રવાહ ફરી ખેતરોનું ધોવાણ ન કરે તે માટે હંગામી નિરાકરણના ભાગરૂપે ધોવાયેલી ગેબીયન વોલ પર રેતીના બાચકાઓ ભરી મુકવામાં આવ્યા હતા. તે બાચકાઓમાંથી અમુક બાચકાઓ પુરના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને જે ભીતિ હતી કે, ખેતરોનું ધોવાણ ન થાય તે થઈને રહ્યું હતું.

ઘેડના અનેક ગામડાઓમાં ફરીવાર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ગઈકાલે વંથલી, જૂનાગઢ, મેંદરડા, વિસાવદર, માણાવદર સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે મુળીયાશા, બામણાસા, મઢડા, આખા સહિતના ગામડાઓના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે સાબલી સિંચાઈ યોજનામાં નવા નીરની આવક થઈ હતી. માણાવદરનો ખારો ડેમ ફરી ઓવરફલો થયો હતો. શાપુર ઓઝત અને ઓઝત-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચવાસના ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું હતું. ભારે વરસાદના લીધે પાડોદરથી બામણાસા, બામણાસાથી મુળીયાશા, જોનપુર અને મઢડા, ચાંદીગઢ તથા પંચાળા, અખોદર, પાળોદર, માણાવદરના સમેગા અને ઈન્દ્રા રોડ ફરીવાર બંધ થઈ ગયા હતા.