વ્યાજનું વ્યાજ માફ કરવા સરકાર તૈયાર, બે કરોડ સુધીની લોન પર માફ થશે ચક્રવૃધ્ધિ વ્યાજ

કેન્દ્ર સરકારે MSME અને અન્ય લોન લેનાર વ્યકિતઓને એક મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કર્યું છે. જેમાં જણાવાયું છે કે, MSME લોન, શિક્ષણ, હાઉસીંગ, કન્ઝયુમર, ઓટો, ક્રેડીટ કાર્ડ, વ્યવસાય અને ઉપભોગ લોન પર લાગુ ચક્રવૃધ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે.

સરકારના સોગંદનામા અનુસાર 6 મહિનાની લોન મોરેટોરીયમ સમયમાં બે કરોડ સુધીના લોનના વ્યાજ પર વ્યાજની છુટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં વ્યાજની છૂટનો ભાર વહન સરકાર કરશે એ જ મોટું સમાધાન છે. સાથોસાથ કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આ માટેના અનુદાન માટે સંસદ પાસે અનુમતિ માગવામાં આવશે.

કેન્દ્ર સરકારે પેનલની ભલામણો બાદ વ્યાજ માફ નહિ કરવાના પોતાના અગાઉના વલણને બદલ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને જણાવાયું હતું કે, તે લોન લેનારાઓને મદદ કરે તે પછી પૂર્વ CAG મહર્ષિના વડપણમાં એક પેનલ રચવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં પહેલા કહ્યું હતું કે તે વ્યાજ માફ કરી ન શકે. આના કારણે બેંકોને મોટી અસર થશે. હવે કેસની સુનાવણી 5 ઓકટોબરે થશે.

ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું તે વિવિધ ક્ષેત્રો માટે કેટલીક નક્કર યોજનાઓ લઇને આવે. કોર્ટે આ મામલાને વારંવાર ટાળવા પર નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે 31 ઓગસ્ટ સુધી NPA ન થયેલ લોન ડિફોલ્ટરોને NPA જાહેર ન કરવાનો પણ વચગાળાનો આદેશ જારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર તરફથી સોલીસિટર જનરલ તુષાર મહેતાએ પોતાની દલિલ રજૂ કરી હતી. ગત સુનાવણીમાં અરજદારોએ કહ્યું હતું કે, આ ફેંસલાથી લોન લેનારાને બેવડો માર પડશે. કારણ કે તેમની પાસેથી ચક્રવૃધ્ધિ વ્યાજ લેવામાં આવી રહ્યું છે. વ્યાજ પર વ્યાજ વસુલવા માટે બેંક ડિફોલ્ટર ગણી રહી છે. બધા સેકટરોને કોરોનાની અસર થઇ છે પરંતુ રિઝર્વ ઇચ્છે છે કે બેંક કોરોના દરમિયાન નફો કમાતી રહે જે વ્યાજબી નથી.

અરજદારોએ કહ્યું હતું કે, રિઝર્વ બેંક દેશને લૂંટનાર લોકો પાસેથી કરોડો રૂપિયા પાછી લાવી શકી નથી. રિઝર્વ બેંક કાનૂની નિયામક છે, બેંકનો એજન્ટ નથી. વ્યાજ પર વ્યાજ ખોટું છે અને તે લગાડી ન શકાય.

કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગઇકાલે કોર્ટમાં સોગંદનામુ દાખલ કરી જણાવ્યું હતું કે, લોન મોરેટોરીયમને બે વર્ષ માટે વધારી શકાય છે પરંતુ તે અમુક જ સેકટરને આપી શકાય. તેમણે કોર્ટમાં આવા સેકટરોની યાદી પણ સોંપી હતી કે જેમને ભવિષ્યમાં રાહત આપી શકાય છે.

અગાઉ કોર્ટે કહ્યું હતું કે, લોકોની પરેશાનની ચિંતા છોડીને તમે માત્ર બિઝનેસ અંગે જ વિચારી ન શકો. સરકાર રિઝર્વ બેંકનું નામ આપે છે કે જ્યારે તે ખુદ નિર્ણય લઇ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ સરકાર બેંકોને વ્યાજ પર વ્યાજ વસુલવા પર રોકી શકે છે. કોર્ટ કોમેન્ટ કરી હતી કે બેંક હજારો કરોડ રૂપિયા એનપીએમાં નાખી દે છે પરંતુ કેટલાક મહિનામાં ટાળવામાં આવેલ હપ્તા પર વ્યાજ વસુલવા ઇચ્છે છે.

અત્રે એ નોંધનિય છે કે, કોરોના અને લોકડાઉનને કારણે રિઝર્વ બેંકે માર્ચમાં લોકોને મોરેટોરીયમ એટલે કે લોનના હપ્તા ત્રણ મહિના ટાળવાની સુવિધા આપી હતી. બાદમાં એને ત્રણ મહિના વધુ વધારી 31 ઓગસ્ટ કરવામાં આવેલ હતા. રિઝર્વ બેંક કહ્યું હતું કે, લોનના 6 હપ્તા નહિ ભરો તો ડિફોલ્ડર નહિ ગણવામાં આવે પરંતુ મોરેટોરીયમ બાદના બાકી પેમેન્ટ પર પુરૃં વ્યાજ આપવું પડશે. વ્યાજની શરતોને લઇને કેટલાક ગ્રાહકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેઓએ વ્યાજ છૂટની માંગણી કરી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુનવણીમાં માંગ કરી હતી કે જ્યાં સુધી વ્યાજ માફીની અરજી પર ફેંસલો ન થાય ત્યાં સુધી મોરેટોરીયમ પિરિયડ વધારી દેવો જોઇએ.

બેંકર્સ દ્વારા જણાવાયું કે વ્યાજ માફીની આ યોજના જો હાલ જે કેટેગરી માટે જાહેર કરવામાં આવી છે તેના પૂરતી જ સિમિત રહે તો અંદાજીત તે કુલ રકમ રૂ.5,000 કરોડથી 6,000 કરોડ જેટલી થઈ શકે છે. જોકે આ યોજનાનો વ્યાપ વધારવામાં આવે અને તમામ લોન ગ્રાહકોને સમાવવામાં આવે તો આ આંકડો રૂ. 10,000થી 15,000 કરોડ જેટલો થઈ શકે છે. બેંકો ઈચ્છે છે કે સરકાર સામાજીક કલ્યાણ તરીકે તમામ વ્યાજ માફીની ભરપાઈ કરે.

ભૂતપૂર્વ CAG રાજીવ મહર્ષીની આગેવાનીમાં બનેલી નિષ્ણાંતોની કમિટીની સલાહ બાદ સરકારે પોતાનું વલણ બદલ્યું છે. આ પહેલા સરકાર અને આરબીઆઈએ એ આધાર પર વ્યાજ માફીને નકારી કાઢી હતી કે તે અન્ય હિતધારકો ખાસ કરીને બેંકમાં રૂપિયા જમાકર્તાઓ અને જેમણે મોરાટોરિયમ પીરિયડની અવધી દરમિયાન પણ પોતાની લોન યોગ્ય રીતે ભરી છે તેમને અન્યાય થયો ગણાશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, આર.એસ. રેડ્ડી, એમ. આર. શાહની પીઠ દ્વારા સરકારને વ્યાજના વ્યાજ પર છૂટ ન આપવા અંગે વિચાર અને પુનર્વિચાર કરવા માટે ભાર આપ્યો હતો.

જોકે સરકારે વ્યાજને પૂર્ણરુપે માફ ન કરવાના નિર્ણયમાં પોતાનો મત પ્રગટ કર્યો હતો.

કેન્દ્રે કહ્યું કે લોન ગ્રાહકોની તમામ કેટેગરીની શ્રેણીમાં વ્યાજ પર છૂટ આપવાથી તમામ પ્રકારની બેંકો પર ખૂબ જ વધારે પ્રમાણમાં આર્થિક ભારણ વધશે. જેના ભારતળે ઉભા રહેવું મુશ્કેલબનશે. તેમજ આ વ્યાજ માફી જમાકર્તાઓના હીતને પણ નુકસાન કરે છે તેથી સરકારે મોટા કરજદારોના વ્યાજને માફ નથી કર્યું.

મંત્રાલયે કહ્યું કે જો સરકાર 6 મહિનાની અવધી માટે તમામ પ્રકારના લોન ગ્રાહકો જેમણે RBI દ્વારા આપવામાં આવેલા 6 મહિનાના મોરાટોરિયમ પીરિયડનો લાભ લીધો છે તેમના તમામ પ્રકારના વ્યાજ માફ કરશે તો આ રકમ કુલ 6 લાખ કરોડ રૂપિયા જેટલી થઈ શકે છે.

મંત્રાલયે કહ્યું કે જો બેંકોને આ વ્યાજ માફીનું ભારણ ઉઠાવવાનું આવે તો મોટાભાગની બેંકો નુકસાનીમાં જાય અને તેમના અસ્તિત્વ સામે જોખમ ઉભું થઈ શકે છે. જો 6 મહિના માટે વ્યાજ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની અડધી નેટવર્થ ખતમ થઈ જશે.