અમદાવાદ, રાજકોટ, મોરબી,તા:23 રાજ્યમાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, અલંગ, ભાવનગર, સુરત અને અમદાવાદના કેટલાક કૌભાંડીઓ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી બચી રહ્યાં છે, આરોપીઓને બચાવવામાં રાજ્ય સરકારના એક મંત્રીના ખુબ જ નજીકના ગણાતા અધિકારીની મોટી ભૂમિકા છે, આ અધિકારીની કૃપાથી જ થોડા સમય પહેલા સુરતના બે મોટા કૌભાંડીઓને ધરપકડથી બચાવી લેવાયા છે, હવે મોરબીમાં પણ GSTનું મોટું કૌભાંડ ડિરેકટોરેટ જનરલ ઓફ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલીજન્સે(DGGI)એ ઝડપી પાડ્યું છે, 7 જેટલી ટાઇલ્સની એવી ગાડીઓ પકડાઇ છે, જેના બોગસ ઇ-વેબિલ બનાવવામાં આવ્યાં હતા, કૌભાંડીઓ પાસેથી 42 લાખ રૂપિયાનો ટેક્સ તાત્કાલિક વસૂલાયો છે, પરંતુ આ તો માત્ર નાની ટેક્સ ચોરી છે, અહીથી દિવસની અંદાજે 100 જેટલી ગાડીઓ મોરબીની બહાર જતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, તે પણ ખોટા ઇ-વેબિલ બનાવીને, છેલ્લા કેટલાક સમયથી એક જ જગ્યાએ બેઠેલા અધિકારીઓની કૃપાથી મોરબીમાં ટેક્સ ચોરી વધી ગઇ છે. હાલમાં માત્ર 7 ગાડીઓને પકડીને સરકારને ખુશ કરવાનો પ્રયાસ છે, જો વિજય રૂપાણી સરકાર ઇચ્છા શક્તિથી ટેક્સ ચોરો પર તવાઇ બોલાવે તે માત્ર મોરબીમાંથી જ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાય તેમ છે.
એક ગેંગ દ્વારા જુદા જુદા GST નંબરો લઇને કૌભાંડ કરાયું
ટ્રકો પકડાયા પછી જે તે ગોડાઉનમાં દરોડા પાડીને તપાસ હાથ ધરાઇ છે, જેમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડીઓ કેટલીક ટ્રકોમાં ઉચ્ચ કક્ષાની પ્રિમિયમ ટાઇલ્સને, સામાન્ય ટાઇલ્સ બતાવીને ટેક્સની ચોરી કરતા હતા, ટેક્સ ચોરીનો આંકડો કરોડો રૂપિયામાં જઇ શકે તેમ છે, અહીની એક ગેંગ દ્વારા જુદા જુદા જીએસટી નંબરો લઇને ટેક્સ ચોરી કરવામાં આવતી હતી અને બોગસ બિલો બનાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવતો હતો, સાથે જ ગાડીઓમાં માલ ભરવાની જગ્યાઓ પણ એવી હતી કે રેડ કરનારા અધિકારીઓને ખબર પણ ન હોય, GST નંબર અલગ સરનામે લેવાય છે અને ગાડીઓ લોડિંગ કરવા માટે અલગ જગ્યાઓ હોય છે.
વર્ષોથી એક જ જગ્યાએ બેઠેલા કર્મચારીઓને હટાવો
GST વિભાગમાં વર્ષોથી એક જ જગ્યાએ બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓને હટાવવાની વિજય રૂપાણી સરકારે શરૂઆત કરવી જોઇએ, કારણ કે તેમના કારણે જ કૌભાંડીઓ બેફામ બન્યાં છે, મોરબીની વાત કરીએ તો અહી છેલ્લા 2 વર્ષથી આવા ગોળખધંધા ચાલી રહ્યાં છે, પરંતુ આજ સુધી કોઇ મોટી કાર્યવાહી કરાઇ નથી, આવા જ કૌભાંડ અલંગમાં પણ થઇ રહ્યાં છે, જેમાં એક ઉચ્ચ અધિકારીની સંડોવણી હોવાનું જગજાહેર છે, રાજ્ય સરકારને આ અધિકારીની વિરુદ્ધમાં 100 જેટલી ફરિયાદો પણ મળી ચૂકી હોવાનું જાણવા મળ્યું છે, જો કે અધિકારીની બદલી થવાથી કંઇ જ થતુ નથી, તેમની સામે ખાતાકીય તપાસ થવી પણ જરૂરી છે.
કરોડોની જમીનના માલિક અધિકારી !
હાલમાં GST વિભાગમાં મલાઇદાર જગ્યાએ બેઠેલા અમદાવાદના એક અધિકારીની પ્રાંતિજ હાઇવે પર કરોડો રૂપિયાની જમીન હોવાની પણ ઉચ્ચ કક્ષાએ હાલમાં જ ફરિયાદ થઇ છે, તેમ છંતા આજ સુધી સરકાર દ્વારા આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઇ જ કાર્યવાહી નથી થઇ રહી, સરકારી નોકરી કરનારા અધિકારી પાસે કરોડો રૂપિયાની જમીન ક્યાંથી આવી તે શું તપાસનો વિષય નથી ? આ અધિકારી માટે GST વિભાગમાં જ નવી પોસ્ટ ઉભી કરવા લોબિંગ થઇ રહ્યું છે અને જો નવી પોસ્ટ ઉભી થાય તો માની લેવું કે કેટલાક નેતાઓ પણ અધિકારીઓ પાસેથી હપ્તા ખાઇ રહ્યાં છે.
સાચો બિઝનેસ કરનારા હેરાન થાય, કૌભાંડીઓ જલસા કરે
GST વિભાગ દ્વારા સાચો બિઝનેસ કરનારા અનેક વેપારીઓને હેરાન કરાયાના અનેક બનાવો સામે આવ્યાં છે, જ્યારે સુરતનું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ દબાવી દેવાયું છે, મંત્રીજીના જેમના પર ચાર હાથ છે, તેવા અધિકારીએ કૌભાંડીઓ સાથે હાથ મિલાવી લીધાનું GST ઓફિસ અમદાવાદમાં જ ચર્ચાઇ રહ્યું છે. મોરબી અને અલંગના કૌભાંડોની તપાસ આડેરસ્તે ચઢાવી દેવામાં આવતી હોવાનું એક અધિકારીએ જ જણાવ્યું છે, તેમને કહ્યું કે મોરબીમાં દિવસની 100 જેટલી ટ્રકો બિલ વગર નીકળી રહી છે અને કેટલાક હપ્તાખોર કર્મચારીઓ જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
ટૂંક સમયમાં બદલીની શક્યતા !
GST વિભાગમાં વર્ષોથી એક જ જગ્યાએ બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જો બદલીઓ નહીં કરવામાં આવે તો કૌભાંડો આમ જ થતા રહેશે, રાજ્ય સરકારની GSTની આવકમાં હજુ મોટો ઘટાડો થશે, ઉપરાંત બોગસ આઇટીસી લઇને પણ સરકારી તિજોરીને મોટું નુકસાન કરાયાનું GST વિભાગે જ સ્વીકાર્યું છે, બીજી તરફ થોડા સમય પહેલા જ GST વિભાગના ભ્રષ્ટ બાબુઓ સામે એસીબીમાં અને રાજ્ય સરકારમાં ફરિયાદો થઇ છે, ત્યારે જો સરકાર આવા અધિકારીઓને હટાવશે નહીં તો ભ્રષ્ટાચાર ચોક્કસથી વધશે.