વૃક્ષો વાવવામાં દેશમાં ગુજરાતે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું, સાચું લાગે છે?

દેશમાં 140 કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર કરાયું હોવાનો દાવો ભાજપ સરકાર કરી રહી છે. તેનો મતલબ કે દેશમાં 12 ટકા વૃક્ષો એકલા ગુજરાતે વાવ્યા છે. શું એ શક્ય છે? વૃક્ષો વાવવામાં દેશમાં બીજા સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનો દાવો કરે છે.

શહેરી વિસ્તારમાં 15.72 કરોડ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં 1.76 કરોડ રોપાઓનું વાવેતર કરાયું છે. કચ્છ જિલ્લામાં 2 કરોડ 95 લાખ રોપા વાવવામાં આવ્યા છે.

સરકારના મેરી લાઈફ પોર્ટલમાં આ વિગતો રાખી છે. ગુજરાત દ્વારા આવા 17 કરોડ 48 લાખ 34 હજાર 820 છોડ-રોપા ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં 2024માં 75માં વન મહોત્સવ અન્વયે 5500 ગામડાઓમાં માતૃવન ઊભા કરવામાં આવ્યા છે. મિયાવાકી પદ્ધતિથી કુલ 10 હજાર રોપાઓનું 1X1 મીટરના અંતરે વાવેતર કરીને 2024-25ના વર્ષમાં 200 હેક્ટર વિસ્તારમાં 122 વન કવચ તૈયાર કરવામાં આવેલા છે.

2025-26ના વર્ષ દરમિયાન શહેરો-ગામો મળીને કુલ 425 હેક્ટર વિસ્તારમાં માતૃવન – વન ઉભા કરાશે.

5 જૂન 2025ના વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિંદૂર વન બનાવાશે.

ચાંદલોડિયા વિસ્તારમાં જગતપુર બ્રિજ પાસેના પ્લોટમાં 5 હજાર ચોરસ મીટર જગ્યામાં સિંદૂરના 551 વૃક્ષો સાથે 12 હજાર વૃક્ષોનો ઓક્સિજન પાર્ક બનશે.