જીએસટીનો કકળાટ ઉકેલ લાવવામાં ગુજરાતનું બજેટ નિષ્‍ફળ – ધાનાણી

Gujarat's budget failed to resolve GST scandal : Dhanani

વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે –

અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક અને છેવાડાના માનવીને કોઈ લાભ ન આપનારું છે.

ખેડૂતોનો ઉત્‍પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્‍છાશક્‍તિનો અભાવ દેખાય છે. જીએસટીની ઝંઝટ અને કરવેરાનો કકળાટનો ઉકેલ લાવવામાં આ બજેટ નિષ્‍ફળ નીવડશે.

રાજ્‍ય અને કેન્‍દ્રમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેતીમાં ઉત્‍પાદન ખર્ચ બમણો થઈ ગયો છે અને આવક અડધી થઈ ગઈ છે. ખેડૂતો દિન-પ્રતિદિન દેવાના ડુંગર નીચે દબાતા જાય છે અને આત્‍મહત્‍યા કરવા પ્રેરાય છે. ભાજપ સરકાર દ્વારા મેળાઓ અને ઉત્‍સવો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોના દેવા માફ કરી શકતા નથી.

આજના બજેટથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તથા સંપૂર્ણ દેવા માફીની અપેક્ષા ઠગારી નીવડી છે.

પાક વીમો

પાક વીમા કંપનીઓને જવાબદાર બનાવવાના બદલે પાક વીમા યોજનાને મરજીયાત બનાવીને ખેડૂતોને ભગવાન ભરોસે છોડવાનું જોખમી પગલું ભાજપ સરકારે ભર્યું છે.

ઉદ્યોગ બંધ

સરકારે ૧૬,૦૦૦ જેટલા મધ્‍યમ, નાના અને સુક્ષ્મ ઉદ્યોગો નોંધાયા હોવાના મોટા દાવા કર્યા પરંતુ હકીકતમાં ગુજરાતની ઓળખસમા મોરબી-થાનનો સિરામિક ઉદ્યોગ, રાજકોટનો ઓઈલ એન્‍જિન ઉદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટ્‌સ ઉદ્યોગ, સુરત-અમદાવાદનો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ, સુરેન્‍દ્રનગરના ફાર્માસ્‍યુટીકલ-ટેક્‍સટાઈલ પાર્ટ સહિતના ઉદ્યોગો પડી ભાંગ્‍યા છે. ભાજપ શાસનમાં ૫૫,૦૦૦ કરતાં વધુ નાના-મોટા ઉદ્યોગોને તાળા લાગી ગયા છે કે મૃતઃપાય થઈ ગયા છે.

બજેટમાં યુવાનોના કૌશલ્‍યવર્ધન અને રોજગારની તકો પ્રત્‍યે દુર્લક્ષ સેવવામાં આવ્‍યું છે.

વેરાની આવક

ગત વર્ષના અંદાજપત્ર મુજબ કુલ વેરાની આવક પૈકી ડીસેમ્‍બર સુધીમાં ૪૨% જેટલી વેરાની આવકો ઘટી છે. રાજ્‍ય જીએસટીની અપેક્ષિત આવકો ડીસેમ્‍બર સુધીમાં ૪૯% જેટલી ઘટી છે ત્‍યારે એક તરફ રૂપિયો આવશે ક્‍યાંથી એ સુનિશ્‍ચિત ન હોય તો બીજી તરફ રૂપિયો ખર્ચાશે કે કેમ તે સવાલ શંકાના દાયરામાં છે ત્‍યારે આજના બજેટમાં સ્‍પષ્‍ટપણે દેખાઈ આવે છે કે જીએસટીની ઝંઝટ અને કરવેરાનો કકળાટનો ઉકેલ લાવવામાં આ બજેટ નિષ્‍ફળ નીવડશે.

મોંઘવારી

માંગ અને પુરવઠાની અયોગ્‍ય આકારણી અને અંદાજોના કારણે સમગ્ર ગુજરાતમાં મોંઘવારીએ માઝા મુકી છે. સામાન્‍ય માણસનું જીવન આજે દોહ્‌યલું થઈ ગયું છે ત્‍યારે આજે બજેટમાં મોંઘવારીનો દર ઘટશે એવી આશાઓ ઠગારી નીવડી છે.

શાળા કોલેજ

શિક્ષણ ક્ષેત્રે નવી શાળા-કોલેજો ખોલવામાં તથા ગ્રાન્‍ટ, સહયોગ વધારવામાં ઉદાસીનતા ઉભરી છે. આરોગ્‍ય ક્ષેત્રે નવા સામુહિક અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને નવી હોસ્‍પિટલો ખોલવામાં તથા હયાત સુવિધામાં વધારો કરવા માટે સરકારે સદંતર નિષ્‍કાળજી દાખવી છે. અપેક્ષાઓ બહુ હતી પરંતુ રાજ્‍યમાં મહિલાઓનું સન્‍માન, સ્‍વાસ્‍થ્‍ય અને સુરક્ષા સંલગ્ન કાર્યક્રમોનો બજેટમાં અભાવ દેખાય છે.

આજરોજ પ્રશ્નોત્તરીકાળ દરમ્‍યાન પેટાપ્રશ્ન કરતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ કુટીર ઉદ્યોગ મંત્રીશ્રીને જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં બેરોજગારોને રોજગારી મળી રહે તેવા હેતુથી જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રો મારફત બેન્‍કો દ્વારા લોન આપવાની યોજના છે. તે મુજબ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર દ્વારા અરજદારની અરજી મંજુર કરે અને બેંકમાં ભલામણ કરી દીધા પછી બેંક દ્વારા લોન મંજુર કરવામાં આવતી નથી. તો શિક્ષિત બેરોજગાર યુવાનોને આવી ભલામણો થયેલ અરજીની બેંકોએ ૧૦૦% લોન મંજુર કરવી જોઈએ અને જો બેંક લોન આપવા નનૈયા ભણે તો એની સામે પણ સરકારે લાલ આંખ કરવી જોઈએ.