પેટાચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમા પર છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ જીતના દાવા કરી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણમાં ભાજપ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે, 2017માં સભા કરવા આવ્યો હતો ત્યારે મારી પર કેસ થયો હતો, અક્ષયભાઈ જે હાલ ભાજપના ઉમેદવાર બની ગયા છે તેમના લીધે કેસ સહન કર્યો હતો. આ ચૂંટણી સ્વમાન અને અભિમાનની છે. તેણે વધુમાં જણાવ્યું કે મારા પિતાજી ભરતભાઈ આવીને કહે કે ભાજપને મત આપજો, તો પણ ના આપતા, કાઢી મૂકજો તેમને.
તેણે પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા અક્ષય પટેલ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, અક્ષયભાઈએ મતદારોને વેચી માર્યા છે. હાર્દિકે જણાવ્યું કે,આઈબીનો દાવો છે કે કરજણની બેઠક પર કોંગ્રેસ 25 હજાર મતોથી જીતવાની છે. ભગવાન રામનું નામ લઈને કહ્યું કે, જેમ ભગવાન રામે રાવણનો વધ કર્યો, તેમ આપણે ભાજપનો વધ કરવો પડશે. નીતિન પટેલ પર કોઈ શખ્સે જુતું ફેંક્યું હતું તે વાતને યાદ કરતા તેણે જણાવ્યું કે, કાલે પોલીસ કહેતી હતી કે જુતું ફેકનાર કોંગ્રેસનો કાર્યકર્તા હતો, હવે ભાંડો ફૂટ્યો કે તે ભાજપનો જ વ્યક્તિ છે.
તેણે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે જો નાયબ મુખ્યમંત્રી સુરક્ષિત ન હોય તો આમ લોકો કઈ રીતે સુરક્ષિત રહેશે. હાર્દિકે મતદારોને અપીલ કરી કે આ વખતે સગાવાદ ભૂલી જઈને મતદાન કરજો. ભાજપે વોટરકાર્ડ ઉઘરાવાનું શરું કર્યું છે. હાર્દિકે કહ્યું કે, જો અક્ષયભાઈ પૈસા આપવા આવે તો લઈ લેજો, મત કોંગ્રેસને જ આપજો, કેમ કે એ પૈસા તમારા છે.
જોવું રહ્યું 25 હજારના મતોથી જીતવાનો હાર્દિકનો દાવો સાચો પડે છે કે પછી ભાજપ અહીં જીતી બતાવે છે, અમે તમને જણાવી દઇએ કે આ ચૂંટણી સી.આર.પાટીલના પ્રમુખ બન્યાં પછીની પહેલી ચૂંટણી હોવાની તેમના માટે વધુમાં વધુ બેઠકો જીતવી જરૂરી છે કારણ કે આ તેમના પણ વટનો સવાલ છે.