કોરોનાની સ્થિતિ વચ્ચે શહેરમાં ઘણાં વેપાર-ધંધા પડી ભાંગતા આજીવિકા તરીકે ઘણાં બધાં લોકોએ રોજગારી તરીકે શાકભાજીનું છૂટક વેચાણ કરવાનો વ્યવસાય શરૂ કર્યો છે. જોકે શાકભાજીના ભાવો કોરોના અને મંદીમાં વધતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારજનોનું બજેટ ખોરવાયું છે. વીતેલા સપ્તાહ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના કૃષિ બેલ્ટમાં ભારે વરસાદને લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે.
ખેડૂતો લળણી કરેલો પાક કાઢી નહીં શકતા શોર્ટ સપ્લાયને લીધે શાકભાજીના દરમાં બમણો વધારો નોંધાયો છે. ખાસ કરીને ટામેટા, રીંગણ, આદુ, પાપડી, ગુંવાર અને મરચાંને તેની મોટી અસર થઈ છે. બહારગામથી આવતી શાકભાજીના દરમાં ઉછાળો નોંધાયો છે. છેલ્લા સપ્તાહમાં સુરત જિલ્લા ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ખેડૂતોને મોટું નુકસાન થયું છે બીજી તરફ ટ્રાન્સપોર્ટે સેવાઓ પણ ખોરવાઇ છે.