પ્રો. હેમંતકુમાર શાહ
આજના હિન્દી દિવસ માટેની શુભકામનાઓ આજે બહુ ફરે છે સામાજિક માધ્યમોમાં. શું ફેર પડે છે એનાથી? આખા દેશમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અંગ્રેજી માધ્યમો ઘૂસી ગયાં છે. ભારતીય ભાષાઓનું સત્યાનાશ ગયું છે અને હજુ જવાનું છે. કારણ એ છે કે રાજ્ય સરકારો અને ભારત સરકારના વહીવટમાં અંગ્રેજીની બોલબાલા છે. ત્યાંથી અંગ્રેજી નીકળે તો જ હિન્દી સહિતની ભારતીય ભાષાઓ વિકસે.
નરેન્દ્ર મોદીએ તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાતી ભાષાનું સાવ સત્યાનાશ કાઢી નાખ્યું હતું. સારી અંગ્રેજી ભાષા આવડે એટલે સ્કોપ નામનો કાર્યક્રમ કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કર્યો હતો તેમણે. ગુજરાતી ભાષાનાં તો વહીવટમાં ઠેકાણાં નથી. એક પણ સરકારી પરિપત્ર શુદ્ધ ગુજરાતી ભાષામાં હોતો નથી એ એક હકીકત છે, કદાચ સાહિત્ય અકાદમી નો પણ નહિ.
એક જમાનો હતો કે જ્યારે ભારત સરકારે વહીવટ અને ટેકનોલોજીની ભાષા માટેના શબ્દકોષો તૈયાર કર્યા હતા. ગુજરાત સરકારે પણ એમ જ કર્યું હતું. યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા અનેક અંગ્રેજી પુસ્તકોના અનુવાદ થયેલા.
હવે એ કામ જ ભૂલાઈ ગયું છે.
આર્થિક વિકાસ માટે અંગ્રેજી ભાષા જરૂરી છે એવી જે બોગસ માન્યતા ઘૂસી ગઈ છે તેના વિશે તો શું કહેવું તે જ સમજાતું નથી. યુરોપનો એક દેશ બતાવો કે જેમાં અંગ્રેજીનું ચલણ હોય. જાપાન અને ચીનમાં શું અંગ્રેજી ભાષાને કારણે વિકાસ થયો? વિકાસ અને ભાષાને ન્હાવા નીચોવાનો સંબંધ નથી.
હિન્દી સહિતની ભારતીય ભાષાઓને પ્રાધાન્ય આપવું હોય તો આટલું કરવાની જરૂર છે:
- સરકારના વહીવટમાં પ્રાદેશિક ભાષા અને હિન્દીનો જ ઉપયોગ થાય.
ગુજરાત સરકાર બધા પત્રો ભારત સરકારને કેમ હિન્દીમાં લખી ના શકે? અરે, કર્ણાટક સરકાર કન્નડ ભાષામાં લખે ને, અને ભારત સરકાર અનુવાદ કરીને વાંચે. અનુવાદક જોઈએ એટલું જ. - રાજ્ય સરકારો વચ્ચેનો વ્યવહાર પણ પ્રાદેશિક ભાષામાં થાય. ગુજરાત સરકારને જો તમિલનાડુ સરકારને કાગળ લખવાનો હોય તો તામિલમાં લખે, અંગ્રેજીમાં નહિ. એને માટે અનુવાદ કરનાર રાખવા પડે. બધાં રાજ્યો એમ જ કરે. માત્ર ૫૦૦ અનુવાદકો રાજ્યોમાં અને ભારત સરકારમાં રાખવામાં આવે તો વહીવટમાંથી અંગ્રેજી ભાષા જતી રહે.
- અદાલતોમાં વ્યવહાર પ્રાદેશિક ભાષામાં થાય. સૌથી મોટો અન્યાય ત્યાં જ થાય છે. જેને ન્યાય જોઈએ છે એને એની ભાષામાં ન્યાય પણ મળતો નથી.
- ઉદ્યોગો સાથેનો બધો વ્યવહાર સરકારો પોતાની પ્રાદેશિક ભાષામાં કરે. ઉદ્યોગોને નફો કરવો હશે તો એમને આપણી પોતાની ભાષા શીખવી પડશે. મહારાષ્ટ્રમાં દાભોલ પાવર પ્લાન્ટની સમસ્યા વખતે અમેરિકન એનરોન કંપનીને શીખવી પડી હતી મરાઠી ભાષા.
- જ્ઞાન બધું અંગ્રેજી ભાષામાં છે એવા ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે. અને તેમાં જે જ્ઞાન હોય તેનો અનુવાદ થઈ શકે. સંસ્કૃત ભાષા એટલી સમૃદ્ધ છે જ કે તેમાંથી અનુવાદ માટે તત્સમ અને તદભવ શબ્દો ઊભા થાય.
- આપણને આ દેશની એક પણ ભાષા આવડતી નથી અને જેમણે આપણને ગુલામ બનાવ્યા એમની ભાષા આવડતું હોવાનું આપણે ગૌરવ લઈએ છીએ. અને પછી પાછા મોટા રાષ્ટ્રવાદી કહેવડાવી એ છીએ!! સબ ચંગા સી કહેવાથી શું દહાડો વળે?
- લખી રાખો, જો આમ જ ચાલશે તો ભારતીય ભાષાઓ આ સદીમાં મોટે ભાગે લુપ્ત થઈ જશે. જેમની ભાષા મરે છે એ લોકોની સંસ્કૃતિ પણ મરે છે એમ Cambridge Encyclopaedia of Languages કહે છે. સંસ્કૃતિના રક્ષકો હોવાનો દાવો કરનારા ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય ભાષાઓ વિશે કશી ચિંતા કરતા નથી એ એક હકીકત છે. એમના મહાન ચિંતક એસ. ગુરુમૂર્તિ દેશભરમાં ભારતીય સંસ્કૃતિની અહલેક જગાવે છે પણ તેઓ એક વાક્ય પણ હિન્દીમાં કદી બોલતા નથી. દંભ છોડવાની જરૂર છે.
- એક પણ અંગ્રેજી માધ્યમની શાળા, કોલેજ કે યુનિ.ને હવે મંજૂરી નહિ મળે એમ ગુજરાત સરકાર નિર્ણય લે. ભારત સરકાર બધાં કેન્દ્રીય વિદ્યાલયમાં પણ એમ જ કરે.
- બંધારણ ની અનુસૂચિ – ૮ માં જે ૨૨ ભારતીય ભાષાઓની યાદી આપવામાં આવી છે તેમાં અંગ્રેજી છે જ નહિ. અને છતાં અંગ્રેજી માં જ બધો સત્તાવાર વ્યવહાર ચાલે છે. રાષ્ટ્રવાદનો ચીપિયો કાયમ પછાડનારા જરા ભારતીય ભાષાઓની ખરેખર ચિંતા કરે અને એ મુજબ શાસન કરે તો સારું. સંઘના સર્વેસર્વા કુપ સી. સુદર્શન એક વાર અંગ્રેજી માધ્યમની શાળાનું ઉદ્ઘાટન કરવા ગયા હતા એવા સમાચાર પણ મળેલા. નર્યો દંભ બંધ કરવાની જરૂર છે.