ભારત અને ભૂટાન વચ્ચે આ બાબતે MOU થયા

મંત્રી મંડળની બેઠકે ભારત અને ભૂટાનની શાહી સરકાર વચ્ચે પર્યાવરણના ક્ષેત્રમાં સાથસહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.

વિગતઃ

સમજૂતીકરાર પર્યાવરણના સંરક્ષણ અને સમાનતા, પારસ્પરિક સહકાર અને એકબીજાના લાભ પર આધારિત કુદરતી સંસાધનોના મેનેજમેન્ટના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે ગાઢ અને લાંબા ગાળાના સાથસહકારના સંબંધો સ્થાપિત કરવા અને એને પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવશે., જેમાં દરેક દેશમાં લાગુ કાયદા અને કાયદેસર જોગવાઈને ધ્યાનમાં લેવામાં આવશે.

બંને પક્ષોના દ્વિપક્ષીય હિત અને પારસ્પરિક સંમતિની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને સમજૂતીકરારમાં પર્યાવરણના નીચેના ક્ષેત્રોનો વિચાર કરવામાં આવ્યો છે:

  • હવા;
  • કચરો;
  • રાસાયણિક પદાર્થોનો નિકાલ;
  • આબોહવામાં પરિવર્તન;
  • સંયુક્તપણે નિર્ણય લેવા એવા અન્ય કોઈ પણ ક્ષેત્રો.

આ સમજૂતીકરાર જે તારીખે હસ્તાક્ષર થશે એ તારીખથી અમલમાં આવશે અને 10 વર્ષના ગાળા માટે લાગુ રહેશે. બંને દેશો સમજૂતીકરારના ઉદ્દેશો પૂર્ણ કરવાના ઉદ્દેશ સાથે સાથસહકારની કામગીરીઓ સ્થાપિત કરવા બંને પક્ષોની સંશોધન સંસ્થાઓ અને તમામ સ્તરે સંસ્થાઓ, ખાનગી કંપનીઓ, સરકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનો આશય ધરાવે છે.

બંને દેશો પ્રવૃત્તિઓની પ્રગતિની સમીક્ષા કરવા અને એનું વિશ્લેષણ કરવા સંયુક્ત કાર્યકારી જૂથ/દ્વિપક્ષીય બેઠકો યોજવાનો ઇરાદો પણ ધરાવે છે તથા સંબંધિત મંત્રાલયો/સંસ્થાઓને જોડાવાનું ચાલુ રાખશે, એકબીજાને પ્રગતિ અને સફળતાઓની જાણકારી આપશે.

રોજગારીના સર્જનની સંભવિતતા સહિત મુખ્ય અસરઃ

સમજૂતીકરાર (એમઓયુ) સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રો દ્વારા અનુભવો, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ટેકનિકલ જાણકારીઓનું આદાનપ્રદાન કરશે તથા સ્થિર વિકાસમાં પ્રદાન કરશે. સમજૂતીકરાર પારસ્પિક હિતના ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ માટે સંભવિતતા પ્રદાન કરશે. જોકે રોજગારીના નોંધપાત્ર સર્જનનો વિચાર કરવામાં આવ્યો નથી.

ખર્ચઃ

સૂચિત સમજૂતીકરાર (એમઓયુ)ની નાણાકીય અસર દ્વિપક્ષીય બેઠકો/સંયુક્ત કાર્યકારી જૂથ યોજવા પૂરતી મર્યાદિત છે, જે ભારત અને ભૂટાનમાં વારાફરતી યોજાશે.

જ્યારે આ બેઠકોમાં પ્રતિનિધિઓ મોકલનાર પ્રવાસનો ખર્ચ ઉઠાવશે, ત્યારે યજમાન દેશ બેઠકોનું આયોજન કરવા અને અન્ય લોજિસ્ટિક વ્યવસ્થાનો ખર્ચ ઉઠાવશે. સૂચિત સમજૂતીકરારની નાણાકીય અસર મર્યાદિત છે.

પૃષ્ઠભૂમિઃ

પ્રજાસત્તાક ભારતના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલય (એમઓઇએફસીસી)ના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) તથા ભૂટાનની શાહી સરકારના રાષ્ટ્રીય પર્યાવરણ પંચ (એનઇસી) વચ્ચે 11 માર્ચ, 2013ના રોજ સમજૂતીકરાર થયા હતા. આ એમઓયુ 10 માર્ચ, 2016ના રોજ પૂર્ણ થયા હતા.

બંને પક્ષોએ અગાઉની સમજૂતીકરારને ધ્યાનમાં રાખીને પર્યાવરણના ક્ષેત્રમાં સાથસહકાર અને જોડાણ જાળવવાનો નિર્ણય લીધો છે.