આંતરરાષ્ટ્રીય રસી સંધિ ‘ગાવી’ માટે ભારત 130 કરોડ રૂપિયા આપશે

ભારતે કાલે આંતરરાષ્ટ્રીય રસી સંધિ ‘ગાવી’ માટે 130 કરોડ રૂપિયા આપશે તેવી જાહેરાત કરી હતી.

યુકેના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનના યજમાન પદે યોજાયેલી વર્ચ્યુઅલ વૈશ્વિક રસી સમિટમાં 50થી વધુ દેશો- વ્યવસાયિક અગ્રણીઓ, UN એજન્સીઓ, સિવિલ સોસાયટી, સરકારી મંત્રીઓ, દેશના વડા અને અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો.

મોદીએ સમિટ ને સંબોધન કરતા કહ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ દુનિયાને એક પરિવાર તરીકે જોવાનું શીખવે છે અને આ મહામારીના સમયમાં ભારતે પોતાની આ પરંપરાનું પૂર્ણરૂપે પાલન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતે પોતાના વિશાળ જન સમુદાયને આ બીમારીથી સુરક્ષિત રાખવાની સાથે સાથે દેશમાં પોતાની પાસે ઉપલબ્ધ દવાનો જથ્થો 120થી વધુ દેશોને પહોંચાડીને તેમજ નજીકના પડોશી દેશો માટે સામાન્ય પ્રતિભાવ વ્યૂહનીતિ ઘડીને તેમજ ખાસ કરીને જે દેશોએ સહકાર માંગ્યો છે તેમને જરૂરિયાત અનુસાર મદદ કરીને આ ભાવનાને સાર્થક કરી બતાવી છે.

ગાવીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક વૈશ્વિક સંધિ નથી પરંતુ વૈશ્વિક એકતાનું પ્રતીક છે અને યાદ રાખો કે આપણે બીજાને મદદ કરીને આપણી પોતાની જાતને જ મદદ કરી રહ્યા છીએ.

ભારતમાં ખૂબ વિશાળ જનસમુદાય છે અને મર્યાદિત આરોગ્ય સુવિધાઓ ઉપબલ્ધ છે અને તે પ્રતિકારકતાના મહત્વને સારી રીતે સમજે છે.

સુરક્ષાકવચ વિસ્તારવા માટે, ભારતે તેના રાષ્ટ્રીય પ્રતિકારકતા કાર્યક્રમમાં વધુ છ રસી ઉમેરી છે.

ભારતે તેના સંપૂર્ણ રસી પૂરવઠાનું ડિજિટાઇઝેશન કર્યું છે અને ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક તૈયાર કર્યું છે જેથી તેની કોલ્ડ ચેઇનની એકીકૃતતા પર દેખરેખ રાખી શકાય.

ભારત સમગ્ર દુનિયામાં રસીના ઉત્પાદનમાં મોખરે છે અને ઘણી સદભાગ્યની વાત છે કે, સમગ્ર દુનિયામાં અંદાજે 60 ટકા બાળકોની પ્રતિકારકતામાં ભારતનું યોગદાન છે.

ગાવીને ભારતનો સહકાર માત્ર આર્થિક રીતે નથી પરંતુ ભારતની વિરાટ માંગના કારણે પણ દરેક વ્યક્તિ માટે દુનિયાભરમાં રસીની કિંમત ઓછી થઇ છે અને છેલ્લા પાંચ વર્ષમાં ગાવી માટે લગભગ 400 મિલિયન ડૉલરની બચત થઇ છે.