સંડાસ કૌભાંડમાં પણ રાજનેતાઓની મીલીભગત

બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં શૌચાલય કૌભાંડ અને તેની સામેની તપાસમાં મોટાભાગે કરાર આધારિત કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે. જેમણે ખરેખ ભ્રષ્ટાચાર કર્યો છે તેવા કાયમી અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ટીડીઓ સરળતાથી નિવૃત્ત થવામાં સફળ રહ્યા છે. બુરાલ પ્રકરણ દરમ્યાન ટીડીઓ તરીકે સી.એમ દરજી અને એમ.એસ ગઢવી ફરજ પર હતા. આ બંને તત્કાલીન ટીડીઓ કૌભાંડો વચ્ચે પણ સરળતાથી નિવૃત્ત થઈ ગયા છે.

સરપંચ અને કરાર આધારિત કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હોઇ રિકવરી પણ મહત્વની બની છે. સૌથી મોટી વાત છે કે, શૌચાલયની યોજનામાં સરપંચ,તલાટીથી માંડી ટીડીઓ સહિતના સત્તાધીશોની ભૂમિકા છે.

ગાંધીનગરથી ભાજપના નેતાએ તેમને રક્ષણ આપ્યું હતું.

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વ્યક્તિગત શૌચાલય બનાવવામાં ગુજરાત દેશમાં મોખરે હોવાની ગુલબાંગો પોકળ પૂરવાર થઈ રહી છે. શૌચાલય બનાવવાની આ કામગીરીમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠતાં તંત્ર સફાળું જાગ્યું છે.

19 જિલ્લાઓમાં તપાસના આદેશ અપાયા પણ પછી કોઈની સામે પગલાં લેવાયા નથી. કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને સો ટકા ગ્રાંટ આપવાની જાહેરાત કરી હતી. કરોડો રૂપિયાના હજારો ગામડાંઓમાં કાગળ પર જ શૌચાલય બતાવીને રૂપિયા ચાઉં કરી જવાયા હોવાના કિસ્સા સામે આવ્યા હતા.

સરકાર દ્વારા વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે રૂ.12,000 આપવામાં આવે છે. હજારો ગામડાંઓમાં ઘરે ઘરે શૌચાલય બનાવવાના બદલે એક શેરી-ફળિયામાં પાંચ કે દસ પરિવારો વચ્ચે એક શૌચાલય બનાવીને કાગળ પર પાંચ-દસ શૌચાલય દર્શાવીને બાકીના નાણાં ઓળવી જવાયા છે.

કર્મચારી-અધિકારીઓ અને સ્થાનિક રાજકીય આગેવાનો-નેતાઓની મીલીભગતથી આ કૌભાંડ આચરવામાં આવતું હોવાથી અંતે રાજ્યકક્ષાની ટૂકડીઓ બનાવીને શૌચાલય બનાવવાની શંકાસ્પદ કામગીરી થઈ હોય તેવા જિલ્લાઓમાં જાત તપાસ કરાવવામાં આવી હતી. આ તપાસમાં અસંખ્ય કિસ્સાઓમાં ગેરરીતિ-ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું પૂરવાર થયું છે. પરિણામે પંચાયત વિભાગે જવાબદાર લોકો સામે કોઈની પણ શેહશરમ ભર્યા વિના કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અલબત્ત, કૌભાંડ આચરનારા કર્મચારી-અધિકારીઓ વિરૂદ્ધ સરકાર પગલાં ભરશે પરંતુ આ કૌભાંડમાં સંડોવાયેલાં રાજકીય માથાઓ સામે કાયદાનું શસ્ત્ર કોણ ઉગામશે એ બાબત પંચાયત વિભાગે મૌન સેવવાનું
પસંદ કર્યું છે.