જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ હવાઇમથકો ખાનગી કંપનીને ચલાવવા આપવા નિર્ણય

મંત્રીમંડળે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ભારતીય હવાઇમથક સત્તામંડળના ત્રણ હવાઇમથકોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે લીઝ પર આપવાની મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠક દરમિયાન જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ ખાતે આવેલા ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI)ના ત્રણ હવાઇમથકોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે લીઝ પર આપવાની મંજૂરી આપવામાં આવી છે.

મંત્રીમંડળે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમના AAIના ત્રણ હવાઇમથકો પરિચાલન અને વ્યવસ્થાપન તેમજ વિકાસ માટે મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને લીઝ પર આપવા માટે મંજૂરી આપી છે. ભારતીય હવાઇમથક સત્તામંડળ દ્વારા યોજવામાં આવેલી વૈશ્વિક સ્પર્ધાત્મક બોલી (હરાજી)માં મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને પાંચ વર્ષના સમયગાળા માટે સફળ બોલીકર્તા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આ પરિયોજનાઓ જાહેર ક્ષેત્રમાં જરૂરી રોકાણમાં વૃદ્ધિ લાવવા ઉપરાંત સેવાની ડિલિવરી, તજજ્ઞતા, ઉદ્યમશીલતા અને વ્યાવસાયિકરણની કાર્યદક્ષતા લાવશે.

પૃષ્ઠભૂમિ:

સરકારે અંદાજે એક દાયકા પહેલાં દિલ્હી અને મુંબઇ ખાતે ભારતીય હવાઇમથક સત્તામંડળના હવાઇમથકો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે તેના પરિચાલન, વ્યવસ્થાપન અને વિકાસ માટે લીઝ પર આપ્યા હતા.

આ PPP પ્રયોગોના કારણે આ હવાઇમથકોને વિશ્વકક્ષાના બનાવવામાં મદદ મળી છે અને હવાઇમથકો પર આવતા મુસાફરોને કાર્યદક્ષ અને ગુણવત્તાપૂર્ણ સેવાઓ પૂરી પાડવામાં મળી છે તેમજ તેનાથી AAIને પોતાની આવકમાં વૃદ્ધિ કરવામાં અને દેશના અન્ય ભાગોમાં હવાઇમથકોના વિકાસ કાર્યો પર તેમજ એર નેવિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી છે. PPP ભાગીદારો પાસેથી AAIને મળતી આવકના કારણે AAI સ્તર-2 અને સ્તર-3ના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉભું કરી શક્યું છે અને તેનાથી પોતાના હવાઇમથકોને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર અપગ્રેડ કરવામાં પણ મદદ મળી છે. ભારતમાં PPP હવાઇમથકોને હવાઇમથક સેવા ગુણવત્તાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય હવાઇમથક પરિષદ દ્વારા સતત સંબંધિત શ્રેણીઓમાં ટોચના 5માં સ્થાન આપવામાં આવે છે.

આથી, સરકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અપ્રેઇઝલ કમિટિના માધ્યમથી AAIના વધુ હવાઇમથકો પરિચાલન, વ્યવસ્થાપન અને વિકાસના હેતુથી PPP અંતર્ગત લીઝ પર આપવાનો નિર્ણય લીધો છે. PPPACના ક્ષેત્રથી ઉપર આવતા કોઇપણ પ્રશ્નોના નિરાકરણ માટે સરકારે સચિવોના અધિકાર પ્રાપ્ત સમૂહની પણ રચના કરી છે.

PPPAC દ્વારા ટ્રાન્ઝેક્શન દસ્તાવેજોને માન્યતા આપી દેવામાં આવી છે. બોલીની સંપૂર્ણ પ્રક્રિયાની દેખરેખ અને નિર્દેશો હેઠળ હાથ ધરવામાં આવી હતી. EgoSમાં નીતિ આયોગ, નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ અને આર્થિક બાબતોના વિભાગ (DEA)ના પ્રતિનિધિઓ સમાવવામાં આવ્યા છે.

ભારતીય હવાઇમથક સત્તામંડળ દ્વારા 14.12.2018ના રોજ વૈશ્વિક સ્પર્ધાત્મક બોલી દ્વારા દરખાસ્તની અરજી બહાર પાડવામાં આવી હતી જેમાં પ્રત્યેક મુસાફર દીઠ ફીને બોલીના માપદંડ તરીકે ગણવામાં આવી હતી. ટેકનિકલ બોલી 16.02.2019ના રોજ ખુલી હતી અને ક્વોલિફાઇ થયેલા બોલીકર્તાઓની ફાઇનાન્સિઅલ બોલી 25.02.2019/ 26.02.2019ના રોજ ખુલી હતી. મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે તમામ ત્રણ હવાઇમથકો એટલે કે, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ માટે સૌથી વધુ પ્રત્યેક મુસાફર દીઠ ફીની ઓફર કરીને આ બોલી જીતી લીધી હતી.