ગુજરાતની જેમ ખરીદ વેચાણ, બંગાળની આ વખતની ચૂંટણીઓ ન ભૂતો ન ભવિષ્યતિ 

mamta
mamta

19 ડિસેમ્બર 2020

પ. બંગાળની વિધાનસભા ચૂંટણીઓ ન ભૂતો ન ભવિષ્યતિ…ની જેમ યોજાય તેવા કેસરી સમીકરણો એક પછી એક આકાર લઇ રહ્યાં છે. મા-માટી અને માનૂષ જેનું રાજકિય સૂત્ર છે એવા એક અકેલી… મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ-ટીએમસી- અને કેન્દ્રમાં તથા લગભગ દોઢ ડઝન રાજ્યોમાં ભરપૂર સત્તા ધરાવનાર ભાજપની વચ્ચે ચૂંટણીઓ પહેલાં જ એવું ધમાસાણ મચ્યું છે કે ક્રાંતિવીરોની ભૂમિ બંગાળની ધરતી પર કદાજ સેન્ટ્રલ ફોર્સિસના લોખંડી બંદોબસ્ત વચ્ચે ચૂટણીઓ યોજાશે.

બંગાળમાં વિધાનસભાની 294 બેઠકો છે. કુલ મતદારો ગુજરાતની કુલ વસ્તી 7 કરોડ જેટલા છે. સામ્યવાદીઓએ 36 વર્ષ બંગાળમાં એકધાર્યું રાજ કર્યું અને જેને કોંગ્રેસ કે ભાજપ પણ ના હરાવી શક્યા તે કામ એકલી મમતાએ કરી બતાવીને 2011માં , 2016માં સત્તા મેળવીને 2021માં હેટ્રીક કરે તે પહેલા ભાજપ મા-માટી-માનૂષની ધરા પર આક્રમ……ણ કહીને તૂટી પડ્યું છે. ભાજપના કાર્યકરોની એક પછી એક હત્યાઓએ ટીએમસી સરકાર સામે ભાજપના હુમલાની તેજ-તિક્ષ્ણ ધાર કાઢી છે.

ભારતના રાજકારણમાં માયાવતીની જેમ અવિવાહિત મમતા બેનર્જી તેમના રાજકિય પ્રોફાઇલને જોઇએ તો કોઇ સામાન્ય કે રાજકિય પડકારોથી ડરી જાય-ડગી જાય એવા નથી એ તો ભાજપના તમામ કેડરના નેતાઓ જાણે છે. 1970થી 1997 સુધી તેઓ કોંગ્રેસમાં હતા.લાલ સામ્યવાદીઓને ઉખાડી ફેંકવામાં કોંગ્રેસમાંથી પીઠબળ ના મળ્યું તો એકલા ચલો…ની નીતિ અપનાવી ટીએમસી પક્ષની સ્થાપના કરી. તેમના પક્ષનું ચૂટણી પ્રતિક છે પાંદડા, જે જોરા ઘાસ ફૂલ તરીકે ઓળખાય છે.

2011માં મમતાએ એકલીએ લાલીયાઓને સત્તા પરથી એવા ઉખાડીને ફેંક્યા કે બંગાળમાં લાલ બિરાદરો સત્તાની ખો ભૂલી ગયા. કેસરી ભાજપ લાલિયાઓના કટ્ટર દુશ્મન. કેસરી ફૂલે ના કર્યું તે જોરા ઘાસ ફૂલે બંગાળની ધરતી પર કરી બતાવ્યું તેથી કેસરી બ્રિગેડે અસલમાં હરખાવવુ જોઇએ. પણ રાજકારણમાં અને આજના સત્તાના રાજકારણમાં એક જ સૂત્ર- જે આપણી સાથે નથી તે આપણી સામે છે અને જે આપણી સામે છે તે આપણાં દુશ્મન છે….!! જોરા ઘાસ ફૂલને મસળવા કેસરી ભાજપના ફૂલ કમળે મિશન બોંગોલ….જાહેર કર્યું છે.

2016ની વિધાનસભા ચૂંટણીમાં મમતાએ 294માંથી 211 બેઠકો સાથે સત્તાનું પુનરાવર્તન કરીને ડંકો વગાડ્યો હતો. ભાજપને 3 બેઠકો મળી તો કોંગ્રેસને 44. લે…..બંગાળની આખી વાતમાં કોંગ્રેસ તો ભૂલાઇ જ ગઇ….!! અને આમેય ઉલ્લેખ નહીં કરીએ તો બેઠકો વધવાની નથી 2021માં. કેમ કે મુખ્ય જંગ એક તરફ લાલિયાઓને ખો ભૂલાવી દેનાર મમતા બેનર્જી અને સામે છે ભાજપની આખી સેના…!!

 ચૂંટણીઓ પહેલા જ મમતાની પાર્ટીમાંથી એક પછી એક… ગુજરાતની જેમ ધારાસભ્યો-નેતાઓએ કેસરી ખેસ ધારણ કરવાનું આરંભી દીધુ છે….!! અમિતભાઇ શાહની બંગાળ મુલાકાત વખતે ટીએમસીના શુવેન્દુ અધિકારી જેવા ઘણાં ધારાસભ્યો નોમસ્કાર….કરીને ભારત માતા કી જય બોલાવવા થનગની રહ્યાં છે અને તેમને પાઠ ભણાવવા ટીએમસીના કાર્યકરો પણ થનગની રહ્યાં છે….!! ગુજરાત અને બંગાળ વચ્ચે આ ફરક છે. ગુજરાતમાં કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો પંજા ઉપર પગ મૂકીને ગયા પરંતુ અમિત-અર્જુન-હરેશ-પરેશ જેવા નેતાઓએ પક્ષપલ્ટુઓને એક ટપલી પણ મારી નથી. જ્યારે બંગાળમાં…? તોડ અને ફોડ. એટલે જ તો વિજયવર્ગિયને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી અને શુવેન્દુએ પણ કહ્યું- જો..જો..બાપા, મને પણ આપજો સુરક્ષા નહીંતર આ મા મને માનૂષ મટાવી માટીમાં ના નાંખી દે….!!