પાલનપુર: બનાસકાંઠાના દાંતાથી ત્રણેક કિ.મી. ના અંતરે ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં 323 બાળકો છે. શાળાના વિદ્યાર્થીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર ભોજન સ્વરૂપે પૌષ્ટીક આહાર મળે તે માટે વર્ષ 2013માં શાળાના શિક્ષકોએ ગામલોકોને કહ્યું ત્યારે દાતાઓના નામની નોંધણી શરૂ કરી હતી. છેલ્લા સાત વર્ષથી ખેરોજ ગામની પ્રાથમિક શાળામાં મહિનામાં ઓછામાં ઓછુ એકવાર તિથીભોજન આપવામાં આવે છે. ભોજનમાં ચોખ્ખા ઘીની વાનગી, પ્રાર્થના પછી 200 મિ.લી. દૂધના પાઉચ અને બપોરે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. 6 વર્ષ સુધી લોકોએ ભોજન આપવાની નોંધણી કરી છે.
શાળા વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ ઇબ્રાહીમ માંકણોજીયા છે. બનાસકાંઠા જીલ્લામાં મબલખ દૂધ ઉત્પાદન થાય છે ત્યારે બાળકોને દૂધ, ઘી- પોષણ આહાર આપીને તંદુરસ્ત અને શક્તિશાળી બનાવીએ. કૂપોષણના દૂષણને નિવારવા આ કરવામાં આવે છે.
ગણીત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઓછા પાણીથી વધુ ખેતી કરી શકાય તે માટે શાળાના વિદ્યાર્થીઓએ બાયોડિગ્રેડેબલ હાયડ્રેજેલ નામની કુતિ બનાવી રાજયકક્ષા સુધી પહોંચ્યા છે.
બાળકોને રમવાના મેદાન માટે શાળા સંકુલમાં આવેલ ટેકરી તોડવાની હોવાથી ગામના લોકોએ પોતાના ટ્રેકટર અને માણસો મુકી આશરે બે લાખનો ખર્ચ સ્વેચ્છાએ કરી સરસ મેદાન બનાવી આપ્યું.
બાળકો માટે આસપાસના અંતરિયાળ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને લાવવા-લઇ જવા માટે સરકારે 5 વાહનો આપેલા છે.