ખરાબ સર્વિસ અંગે પોતાનો ગુસ્સો દર્શાવવા માટે એક ગ્રાહકે તેણે ખરીદેલી નવી નક્કોર કાર ગધેડા પાસે ખેંચાવડાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ કાર કંપની દોડતી થઇ ગઇ હતી. હાલ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનમાં એક વ્યક્તિએ મોટા ઉત્સાહ સાથે MG હેક્ટર કારની ખરીદી કરી હતી. તેને આ કારના ક્લચમાં કંઇક મુશ્કેલી પડી રહી હતી. આ અંગે તેણે કંપનીના ડિલરનો સંપર્ક હતો, પરંતુ ફરિયાદ કરવા છતાં ખામી સુધારી નહીં અને ઉલટાંનું ડિલર ગ્રાહક સાથે ખરાબ વર્તન કર્યું.
આવી ખરાબ સર્વિસથી ગુસ્સે ભરાયેલા ગ્રાહકે કંપનીનું ધ્યાન પોતાના તરફ ખેંચવા અનોખો જ ઉપાય શોધ્યો છે, કાર પર ગધેડાનું પોસ્ટર લગાવી કારને ગધેડા પાસે ખેંચાવડાવી. હવે સોશિયલ મીડિયામાં આનો વીડિયો વાયરલ થતાં, કંપની સફાળી જાગી છે અને ગ્રાહક પર કાયદાકિય કાર્યવાહી કરવાની ચિમકી આપી છે.
જયપુરના રહેવાસી વિશાલ પંચોલીને એક મોટી કંપનીની એસયૂવી ખરીદી હતી. માત્ર 1500 કિમી ચાલ્યા બાદ જ કારમાં ખરાબી આવી. વિશાલ પંચોલીએ ડીલરશિપ શોરૂમમાં તેની ફરિયાદ કરી તો એ લોકોએ તેને રિપેર કરવાની ના પાડી દીધી. શોરૂમમાંથી એમ કહેવામાં આવ્યું કે, કારના માલિકે કારનો યોગ્ય ઉપયોગ નથી કર્યો , જેના કારણે આ ખરાબી આવી છે.
વિશાલનો આરોપ છે કે, તેણે ઘણીવાર આની ફરિયાદ કરી પરંતુ શોરૂમવાળા રિપેર કરવાની જગ્યાએ તેને મારવાની ધમકી આપવા લાગ્યા. બહુ સમજ્યા-વિચાર્યા બાદ, કંપનીનું ધ્યાન આકર્ષિત કરવા વિશાલે વિરોધ પ્રદર્ષિત કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો. તેણે કાર પર ગધેડાનું પોસ્ટર લગાવ્યું અને લખ્યું, “આ કાર માણસો માટે નથી. ડૉંકી વ્હિકલ” પોસ્ટર લગાવવાની સાથે કારને ગધેડા પાસે ખેંચાવડાવી પણ, જેનો વીડિયો વાયરલ બની ગયો. આ બાબતને ધ્યાનમાં લેતાં કાર કંપનીએ કહ્યું કે, ગ્રાહકોને સારી સર્વિસ આપવી એ અમારી કંપનીની પહેલી પ્રાથમિકતા છે, પરંતુ વિશાલ આ રીતે દુષ્પ્રચાર કરી કાર કંપનીની બ્રાન્ડ વેલ્યૂને નુકસાન પહોંચાડે છે. આ માટે કંપની વિશાલ વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.