Migration of lakhs of people due to recession in Gujara
ગાંધીનગર, 7 નવેમ્બર 2023
ગુજરાતમાં કામ કરતા મતદારો બીજા રાજ્યોમાં પરત જતા રહ્યા હોય તેના કારણે વોટરની સંખ્યામાં ઘટાડો છે. અમદાવાદમાં પણ અમરાઈવાડી મતક્ષેત્રમાં સૌથી વધુ 11,292 મતદારોનો ઘટાડો થયો છે. અહીં મોટા ભાગે હીજરતી મજૂરો હતા. તેના પરથી લાગે છે કે ગુજરાતમાં ભારે મંદી હોવાથી તેમને કામ મળતું નથી. સુરતમાં ઓલપાડ મતક્ષેત્રમાં મતદારોની સંખ્યામાં 15,438નો ઘટાડો થયો છે. હીરા ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે.
એક વર્ષમાં ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 3.30 લાખનો ઘટાડો થયો છે. સુરત અને અમદાવાદમાંથી સૌથી વધુ મતદારો ઘટ્યા છે. સુરતમાં સૌથી વધુ 92,000 મતદારો ઘટી ગયા છે જ્યારે અમદાવાદમાં 64,000 મતદારોનો ઘટાડો થયો છે.આ બે શહેરોમાં મળીને કુલ 1.65 લાખ મતદારોનો ઘટાડો થયો છે. તેમાં પણ મહિલાઓ કરતા પુરુષોની સંખ્યા વધુ ઘટી છે. નવા મતદારો ઉણેરાતા હોવા છતાં એક વર્ષની અંદર આટલા બધા મતદારો ઘટી જાય તેવું પહેલી વખત બન્યું છે.
ગુજરાતમાં કામ કરતા હોય તેવા માઈગ્રન્ટ કામદારો પોતાના વતન પાછા જતા રહ્યા હોય તેના કારણે મતદારોની સંખ્યામાં ઘટાડો થયો હોઈ શકે છે. 1.82 લાખ પુરુષ અને 1.48 લાખ મહિલા મતદારો ઘટી ગયા છે.
2022માં ગુજરાતમાં 4.91 કરોડ મતદારો હતા. જ્યારે હવે 4.88 કરોડ મતદારો નોંધાયા છે.
અમદાવાદ અને સુરત ઉપરાંત વડોદરા અને ભાવનગરમાં પણ મતદારો ઘટ્યા છે. આ ચાર શહેરોમાં મળીને કુલ 2.04 લાખ મતદારોનો ઘટાડો થયો છે. સુરત અને અમદાવાદમાં પુરુષ મતદારોમાં 90 હજારનો અને મહિલા મતદારોમાં 66 હજારનો ઘટાડો થયો છે.
ગુજરાતના આઠ જિલ્લામાં મતદારો વધ્યા છે. દાહોદ, બનાસકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર, ડાંગ, મહીસાગર, સાબરકાંઠા અને પાટણમાં 633થી 16,255 મતદારો વધ્યા છે.