અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરાવવા માટે કોંગ્રેસ દ્વારા કરાયેલી અરજીના મામલે ગુજરાત હાઈકોર્ટે વિધાનસભાના અધ્યક્ષ અને અલ્પેશ ઠાકોરને નોટિસ પાઠવી છે. જેના કારણે અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. જોકે, વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, નોટિસનો અભ્યાસ કર્યા બાદ આખરી નિર્ણય કરવામાં આવશે. આ કેસની અંતિમ સુનાવણી 27મી જૂને હાથ ધરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષ દ્વારા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટમા એક અરજી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા કરાયેલી અરજીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે અરજીને ગ્રાહ્ય રાખીને ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ અને અલ્પેશ ઠાકોરને અર્જન્ટ નોટિસ પાઠવવામાં આવી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 27 જૂનના રોજ અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણી પૂર્વે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર તેમના સમર્થકો સાથે ગાંધીનગર ખાતે કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ પછી કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. જેમાં અલ્પેશ ઠાકોર જીતી ગયા હતા. કોંગ્રેસનાં ધારાસભ્ય બન્યા બાદ અલ્પેશ ઠાકોરની રાજકીય મહત્વાકાંક્ષા વધતી ગઈ હતી. એટલું જ નહિ, અલ્પેશ ઠાકોર વિધાનસભા વિરોધ પક્ષના નેતા અથવા પ્રદેશ પ્રમુખ બનવા માટે કોંગ્રેસના મોવડીમંડળ સમક્ષ કાવાદાવા શરૂ કરી દીધા હતા. જો કે, કોંગ્રેસના મોવડીમંડળે તેને ભાવ ન આપતા તે પક્ષ છોડવાની વારંવાર ચીમકી આપતા હતા. છેવટે કોંગ્રેસનું મોવડીમંડળ ટસનું મસ થયું ન હતું. જેના કારણે અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલ 2019ના રોજ એવો દાવો કરીને પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં આપી દીધા હતા કે, તેને અને તેના ઠાકોર સમાજને કોંગ્રેસની તરફથી અપમાન અને દગો જ મળ્યો છે.
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતા. પરંતુ કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટાયેલા એવા ધારાસભ્યપદ પરથી તેમણે હજુ સુધી રાજીનામું આપ્યું ન હતું. આથી કોંગ્રેસ પક્ષ દ્વારા અલ્પેશ ઠાકોરની ધારાસભ્ય તરીકેની માન્યતા રદ્દ કરવા અંગે કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી. આ મામલે કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષને મળીને રજૂઆત પણ કરી હતી. જો કે હજુ સુધી તે ધારાસભ્યપદે યથાવત્ હોવાનાં કારણે અને ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ દ્વારા આ મામલે રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય ન લેતાં છેવટે કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.