એમટીએનએલના ૧૦ વર્ષ પૈકી નવ વર્ષમાં નુકસાન થયું છેઃ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા કર્મીઓની સંખ્યા વધી શકે
નવીદિલ્હી, સરકારી માલિકીના બીએસએનએલને વીઆરએસના (VRS in BSNL and MTNL) મામલામાં મોટી સફળતા હાથ લાગ્યા બાદ હવે મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડનું કહેવું છે કે, તેના વીઆરએસ પ્લાનને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૧૩૫૦૦થી વધુ કર્મચારીઓએ હાલમાં જ જાહેર કરવામાં આવેલી સ્કીમ માટેની પસંદગી કરી લીધી છે. એમટીએનએલ દ્વારા શરૂઆતમાં સ્વૈÂચ્છક નિવૃત્તિ સ્કીમને લઇને ૧૩૫૦૦નો આંકડો મુક્યો હતો.
પરંતુ આ સંખ્યા પહેલાથી જ ૧૩૫૩૨ સુધી પહોંચી ચુકી છે. આ વિકલ્પનો ઉપયોગ કરવા માટેની તારીખ બંધ થતા પહેલા હજુ બે સપ્તાહનો સમયગાળો બાકી છે જેથી વીઆરએસ સ્કીમને વધુ સારો પ્રતિસાદ મળી શકે છે. એમટીએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુનિલ કુમારે આજે માહિતી આપતા કહ્યું હતું કે, અમને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. વીઆરએસ સ્કીમનો લાભ લેવા માટે ૧૩૫૩૨ કર્મચારીઓ તૈયાર થઇ ચુક્યા છે. અમારુ પ્રાથમિક લક્ષ્યાંક ૧૩૫૦૦નું હતું.
તેમણે વચન આપ્યું હતું કે, કોર્પોરેશન શક્ય તેટલા વધુ કર્મચારીઓને સમાવી લેવાના પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે, વીઆરએસ મામલામાં આંકડો તારીખ પૂર્ણ થાય તે પહેલા સુધી ૧૪૫૦૦થી ૧૫૦૦૦ વચ્ચે પહોંચી શકે છે. એકંદરે તમામ ૧૬૩૦૦ કર્મચારીઓ આ સ્કીમ માટે લાભ લેવાને પાત્ર રહેશે. ભારત સંચાર નિગમ લિમિટેડના કેસમાં ૭૭૦૦૦ જેટલા કર્મચારીઓ હાલમાં જ શરૂ કરવામાં આવેલી વીઆરએસનો લાભ લેવા માટે તૈયાર થઇ ચુક્યા છે. મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડની સ્કીમ વીઆરએસની ગુજરાત મોડલ ઉપર આધારિત છે. ત્રીજી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસ સુધી કર્મચારીઓ માટે આ સ્કીમ ખુલ્લી રહેશે. આમા જણાવવામાં આવ્યુંછે કે, તમામ રેગ્યુલર અને ૫૦ વર્ષથી ઉપરના કાયમી કર્મચારીઓ આ સ્કીમનો લાભ લેવા માટે પાત્ર રહેલા છે.
સરકારે બીએસએનએલ અને એમટીએનએલ માટે હાલમાં જ ૬૯૦૦૦ કરોડ રૂપિયાના પેકેજની મંજુરી આપી હતી જેમાં નુકસાન કરતી બે કંપનીઓને મર્જ કરવા, તેમની સંપત્તિ મોનેટાઇઝ કરવા અને કર્મચારીઓને વીઆરએસ આપવાના વિકલ્પો આપ્યા હતા. સંયુક્ત કંપની બે વર્ષના ગાળામાં લાભ કમાવી શકે તે હેતુસર આની જાહેરાત કરવામાં આવી હતી. એમટીએનએલને છેલ્લા ૧૦ વર્ષ પૈકી નવ વર્ષમાં નુકસાન થયું છે જ્યારે બીએસએનએલે વર્ષ ૨૦૧૦ બાદથી સતત નુકસાન થઇ રહ્યું છે.