પ્રો. આત્મન શાહ
અધ્યાપક, અર્થશાસ્ત્ર વિભાગ
સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ
કેન્દ્ર સરકારના માનવ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 29 જુલાઇ, બુધવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 જાહેર કરવામાં આવી કે જેમાં શાળા શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણમાં ઘણાં ફેરફારો સૂચિત કરવામાં આવ્યા છે. અહીં એ બાબત સમજવી જરૂરી છે કે આ એક નીતિ છે નહીં કે કાયદો. આમ, NEP 2020 એ કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી અને આથી જો તેનો અમલ કરવા માટે સરકાર બંધાયેલી નથી. નીતિ બનાવવી પૂરતી નથી પરંતુ તેનો યોગ્ય સમયે અમલ કરવો આવશ્યક છે.
વિવિધ સરકારોની જુદી જુદી નીતિઓના દસ્તાવેજોમાં જે સૂફીયાની વાતો કરવામાં આવે છે તે ખરેખર કેટલી અમલમાં મૂકાતી હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. આ શિક્ષણ નીતિમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કર્યો છે અને તે તમામ બાબતોની અહીં ચર્ચા કરવી શક્ય નથી આથી શિક્ષણની કેટલીક મુખ્ય સમસ્યાઓ અને તેના માટેના પગલાંની ચર્ચા અહીં કરી છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
પ્રથમ સમસ્યા છે શિક્ષણ પાછળના ઓછા ખર્ચની. દેશની સૌ પ્રથમ શિક્ષણ નીતિ 1968માં ડી. એસ. કોઠારીના અધ્યક્ષ પદે બની હતી અને તેમાં શિક્ષણ પાછળ જી.ડીપી.ના 6% જેટલો ખર્ચ કરવાનું સૂચન કર્યું હતું. નવી નીતિમાં પણ તે જ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સમસ્યા માત્ર ઓછો ખર્ચ થાય છે તે નથી પરંતુ ખર્ચની સાથે સાથે તેની ગુણવત્તા પણ મહત્ત્વની છે. જેમ કે ગુજરાત સરકાર પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબલેટ આપે છે જેની ગણતરી શિક્ષણ પાછળ થતાં ખર્ચમાં થાય છે. શું તેનાથી રાજ્યમાં શિક્ષણનું સ્તર બદલાયું?
2019-20માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનું શિક્ષણ ખર્ચ જી.ડી.પી.ના માત્ર 3.1% જેટલું હતું. જેમાંથી કેન્દ્ર સરકારનો ફાળો તો માત્ર 1% ની આસપાસ છે. ૨૦૧૪ પછી શિક્ષણ પાછળના ખર્ચમાં જી.ડી.પી.ની ટકાવારીના સંદર્ભમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. વધુમાં, કેવી રીતે સરકાર શિક્ષણ પાછળ 6% ખર્ચ કરશે અને ક્યાં સુધીમાં તેનો અમલ કરશે તેવી કોઈ નક્કર વાત આ નીતિમાં જોવા મળતી નથી. આ ઉપરાંત કેટલો ખર્ચો કેન્દ્ર સરકાર કરશે અને કેટલો રાજ્ય સરકાર કરશે તેનું પણ વર્ગીકરણ જોવા મળતું નથી.
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
બીજી સમસ્યા છે શાળા છોડી જવાનું વધુ પ્રમાણ અને ઓછી નોંધણી. આ નીતિમાં શાળા છોડી જવાનો દર (Drop Out Ratio) ઘટાડવાનો અને કુલ નોંધણી દર (Gross Enrolment Ratio) વધારવાની વાત કરવામાં આવી છે. ૨૦૩૫ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક શિક્ષણ સુધી નોંધણી દર 100% કરવાનો લક્ષ્યાંક છે. અહીં, એ બાબત અગત્યની છે કે છોકરીઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકોમાં શાળા છોડી જવાનો દર વધારે છે અને નોંધણી દર ઓછો છે. આથી જો નોંધણી દર વધારવો હોય અને શાળા છોડી જવાનો દર ઘટાડવો હોય તો આ વર્ગોના બાળકો માટે નિશ્ચિત આયોજન કરવું પડે.
શાળા છોડી જવાનું એક મુખ્ય કારણ શાળાઓનો અભાવ પણ છે જેથી સામાન્ય રીતે છોકરીઓને તેમના ગામ કે તાલુકામાં માધ્યમિક શાળાઓ ન હોવાથી પ્રાથમિક શિક્ષણ બાદ શાળા છોડવા મજબૂર બનવું પડે છે અથવા તો ખાનગી શાળાઓમાં ભણી શકે તેટલી ફી તેઓ ભરી શકે તેમ નથી. જો આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવો હોય તો ઘણી નવી શાળાઓ બનાવવી પડે અને સાથે શિક્ષકોની ભરતી કરવી પડે અને તેના માટે સરકારે ગુણવત્તાયુક્ત ખર્ચ કરવું પડે.
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
તદુપરાંત, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળાઓમાં વિવિધ ક્લબ જેવા કે ચેસ ક્લબ, સંગીત ક્લબ, નાટકનું ક્લબ, રમત-ગમતનું ક્લબ, વગેરે બને તેવો પ્રસ્તાવ પણ કર્યો છે. પ્રસ્તાવ આવકાર્ય છે પરંતુ દેશની વિવિધ શાળાઓમાં શિક્ષકોનો અભાવ છે અને સાથે સાથે તેમની ગુણવત્તાની પણ સમસ્યા છે તેમજ ઘણી શાળાઓમાં યોગ્ય આંતરમાળખાકીય સવલતો પણ નથી.
ASER ના 2019ના અહેવાલ મુજબ 2018માં દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં ૩% શાળાઓમાં શૌચાલયો જ નથી જ્યારે 22.8% શાળાઓમાં શૌચાલયો વાપરવા યોગ્ય નથી. જ્યારે 11.8% શાળાઓમાં છોકરીઓ માટે જુદા શૌચાલયોની વ્યવસ્થા નથી અને 13% શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. આ શાળાઓ વિવિધ ક્લબ કેવી રીતે ચલાવશે તવો પ્રશ્ન ચોક્કસ ઉદભવે અને આ શાળાઓની પ્રાથમિકતા ક્લબની હોવી જોઈએ કે પછી શૌચાલયો અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાની!
ત્રીજી અને સૌથી ગંભીર સમસ્યા છે શિક્ષણના ખાનગીકરણની. શિક્ષણનું ખાનગી બજાર ગરીબોને તેનાથી દૂર રાખે છે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. સામાન્ય રીતે જ્યારે વસ્તુ કે સેવાના ઉત્પાદન અને વિતરણમાં સરકાર નિષ્ફળ જાય ત્યારે તેના નિવારણ તરીકે તેનું ખાનગીકરણ કરવામાં આવે છે. ખાનગીકરણ એ સરકારની નિષ્ફળતાને કારણે જન્મેલી સમસ્યાઓ દૂર કરશે તે ખ્યાલ જ ભૂલ ભરેલો છે.
વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા
શિક્ષણને બજારમાં વેચાતી બીજી વસ્તુઓ કે સેવાઓની જેમ ન સમજવી જોઈએ. બજારમાં તો જેની કિંમત ચૂકવવાની ક્ષમતા હોય તે ખરીદી કરે અને બાકીના તેનાથી વંચિત રહે. શું આપણે શિક્ષણમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ઇચ્છીએ છીએ? નવી નીતિમાં શિક્ષણના ખાનગીકારણને પ્રોત્સાહન આપવામાં આવશે તેવું સીધી રીતે દેખાતું નથી પરંતુ શિક્ષણના ખાનગીકરણ રોકવા બાબતે પણ કોઈ નિશ્ચિત પગલાં જોવા મળતાં નથી.
શિક્ષણ દ્વારા વંચિતો અને ગરીબો સમાજના કહેવાતા મુખ્ય પ્રવાહમાં આવી શકે છે અને તેમની સાથે સ્પર્ધા કરવાની તેમને તક પ્રાપ્ત કરે છે. શિક્ષણના ખાનગીકારણથી માત્રને માત્ર સમાજના ધનિક વર્ગને જ ફાયદો થયો છે અથવા તો તેમના સુધી જ ગુણવત્તાયુક્ત ખાનગી શિક્ષણ પહોંચ્યું છે તેમ કહી શકાય. દેશની સારી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલાં ગરીબો અને વંચિતો ભણે છે તે આપણાંથી છૂપું નથી.
વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
નવી નીતિ મુજબ વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં આવશે અને આથી ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં જ સારું શિક્ષણ મળશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. વિદેશી સંસ્થાઓ આવે તેમાં વાંધો નથી પરંતુ શું તેનો લાભ વંચિત વર્ગ સુધી પહોંચશે ખરો કે પછી દેશની ખાનગી સંસ્થાઓની જેમ તે પણ ધનીકો માટેની સુવર્ણ તક બનીને રહી જશે? શું તેનાથી શિક્ષણમાં રહેલી અસમાનતા ઘટશે કે પછી વધશે? તેનો અર્થ એ નથી કે વિદેશી સંસ્થાઓ ભારતમાં ન આવે પરંતુ તેની વહેંચણી સમાજના તમામ વર્ગો માટે સમાન રહે તે જરૂરી છે.
સમગ્ર શિક્ષણનીતિમાં જે પ્રસ્તાવો છે તે દેખીતી રીતે ઘણાં સારા છે અને તેમાં કોઈ જ બેમત નથી. નવી નીતિમાં શિક્ષણની પાયાની સમસ્યાઓનો ઉલેખ્ખ તો છે પરંતુ તેને દૂર કેવી રીતે કરવામાં આવશે તે માટેના નક્કર પગલાં જોવા મળતા નથી. જેમ કે વિદ્યાર્થીઓ વિજ્ઞાનના વિષયોની સાથે હવે સાહિત્ય અને સામાજિક વિજ્ઞાન પણ ભણી શકશે અને તે જરૂરી પણ છે પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે શાળાઓ અને કોલેજોમાં શિક્ષકો અને અધ્યાપકો પૂરતાં પ્રમાણમાં હોય. જ્યાં સુધી દેશમાં રહેલી શિક્ષણની પાયાની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી શિક્ષણની પરિસ્થિત સુધરવી કઠિન છે.