NCP પાણીની તંગીના વિસ્તારોની મુલાકાત લઈ અહેવાલ તૈયાર કરશે

રાજ્યની સરકાર, વારંવાર નર્મદાના નામે રાજકારણ રમે છે, અરબો રૂપિયાના નર્મદા અને પાણી પુરવઠા અને સિંચાઈના
બજેટ વર્ષો વર્ષ ફાળવે છે, કરોડો રૂપિયાના કાર્યક્રમો કરી પ્રધાનમંત્રીના હાથે ‘સૌની’ જેવી યોજનાઓના કરોડો રૂપિયા
ખર્ચીને ઉદ્દઘાટન પણ કરાવે છે. છતાં પણ પરિણામ શૂન્ય, અને દર વર્ષે પાણીની તંગી ઊભી થાય છે. જેથી એવું કહી
શકાય કે રાજ્યમાં સરકાર પાણી આપવા નથી ઇચ્છતી પણ નર્મદાના નામે વોટબેન્ક અને પૈસા કમાવાના કામ કરી રહી
છે. પોતાના મળતીયાંઓને પાણીના નામે પૈસા કમાવવાનું રાજકારણ રમી રહી છે. જો સરકારની નીતિ પ્રજાલક્ષી હોત, તો આજે અરબો રૂપિયાના ખર્ચા પછી અને 25 વર્ષના શાસનમાં રાજ્યએ જળ સંકટનો સામનો કરવો પડ્યો ન હોત. તેમ એનસીપીના મંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં જયારે પીવાના પાણીની તંગી વર્તાઈ રહી હોય, પાણી વગર ખેડૂતના ખેતરો અને મૂંગા પશુ તથા શહેર
કે ગ્રામ્ય વિસ્તારના સામાન્ય માનવી તરસી રહ્યા હોય ત્યારે વિકાસની વાતો અને વાયબ્રન્ટ ગુજરાતના તાયફા કરતી
ભાજપ સરકાર અને તેના નેતાઓ ચૂપ બેસી ગયા છે, આ સ્થિતિમાં ગુજરાત- NCP ( રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી)
રાજકારણથી પર રહીને ‘માનવતા પ્રથમ’ના ધોરણે  ગુજરાતના લોકોની વહારે ઉભા રહેવા મક્કમ બની છે.

રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યમાં ખૂણે ખૂણે ઊભા થયેલા જળસંકટ અને તેનાથી પીડાતી રાજ્યની જનતાને પીવાનું પાણી મળે, ખેડૂતો અને પશુપાલકોને જરૂરી પાણી મળે એ માટે લોકો સુધી પહોંચી વાસ્તવીક સ્થિતિનો અહેવાલ મેળવવા માટે આગામી 5 મે થી 12 મે 2019 સુધી ‘વોટર રેઇડ’ કરવામાં આવશે.

રાજ્યના પાંચ વિભાગમાં NCP હોદ્દેદારો અને કાર્યકર્તાઓ શહેરોના પાણીની તંગી વેઠી રહેલા વિસ્તારોથી લઈને સરહદ  પર આવેલા વિસ્તારમાં પાણી માટે વલખાં મારતાં લોકોની સહિત સમગ્ર ગુજરાતની જળસંકટની પરિસ્થતિનો અંદાજ મેળવશે. 7 દિવસની તપાસ મુલાકાતમાં મેળવેલી વિગતોના આધારે NCP અહેવાલ તૈયાર કરશે. અહેવાલ રાજ્યના
રાજ્યપાલને આપવામાં આવશે. રાજ્યના લોકોને અતિઝડપથી પાણીની સુવિધા મળી રહે તે માટે રજુઆત કરશે.

સપ્તાહ દરમિયાન સરકારી તંત્ર ઉપર દબાણ કરશે. પરિણામે વધુ ટેન્કરો દોડાવી કે ડેમોના દરવાજા ખુલ્લા મૂકી પાણી
પહોંચાડે. રાજ્યમાં 25 વર્ષ કરતાં વધુ વર્ષોથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યના નામે સમગ્ર દેશને ગુમરાહ કરીને પોતાની નામના ઉભી  કરી છે. પણ રાજ્યની વાસ્તવિક સ્થિતિ અત્યંત ભિન્ન અને દયનીય છે, હાલ રાજ્યનો એક પણ જિલ્લો, તાલુકો કે ગામ  બાકી નહીં હોય જ્યાં પીવાના પાણીની સમસ્યા ન હોય, લોકો જળ સંકટનો સામનો ન કરી રહ્યા હોય. જ્યાં પીવાના પાણી માટે જ વલખાં હોય ત્યાં સિંચાઇના પાણીની સ્થિતિ કેવી વરવી હશે તે કલ્પવું જ મુશ્કેલ છે. આવી કપરી સ્થિતિમાં  રાજ્ય સરકાર આંકડાઓની માયાજાળ અને જૂઠાણાંના સહારે રાજ્યમાં આવેલા જળ સંકટને સ્વીકારતી નથી કારણ કે રાજ્યની ‘બનાવી’ દેવામાં આવેલી વાયબ્રન્ટ ઇમેજને નુકસાન થાય.

આ બાબતે NCPના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં પાણીની તંગી હોવા છતાં લોકો
ડરના માર્યા  ગાંધીનગર આવીને વિરોધ કરી શકતા નથી કારણ કે એમને ભાવનગર અને સાંણદના ખેડૂતો પર થયેલો અત્યાચાર યાદ છે, કે સરકાર પાસે હક્ક માંગીશું, પાણી માંગીશું તો આખરે સરકારનો લાઠીચાર્જ- અત્યાચાર જ સહન
કરવો પડશે, પરંતુ NCPનું વલણ માનવીય અને પ્રજાલક્ષી રહ્યું છે એટલે આવા ઓરેન્જ એલર્ટ હોવા  છતાં ધોમધગતાં
તાપમાં NCP પહેલ કરીને લોકો સુધી જશે અને તેમની પાણીની ઉભી થયેલી સમસ્યા દૂર કરવા રાજ્યપાલશ્રી પાસે
મદદની અપીલ કરશે.