- રજૂ થયેલ બજેટમાં માત્રને માત્ર વાયદાઓનો જ વેપાર
- ભાજપ સરકાર ફરી એક વખત વાયદાની સરકાર સાબિત થઈ
- બેરોજગારી ઘટાડવા, આર્થિક મંદી ઘટાડવા, વેપારીઓને મંદીમાંથી બચાવવા માટે સરકારની બજેટમાં કોઈ જાહેરાત નહીં
02-02-20
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે —
આજે લોકસભામાં રજૂ થયેલ બજેટ નાગરિકો માટે આશ્વાસનરૂપ, નિરાશાજનક, પાયાવિહોણું અને માત્ર વાયદાઓ અને જાહેરાતોનું જ બજેટ છે.
ખેડૂતવિરોધી નીતિ
ભાજપ સરકાર ફક્તને ફક્ત વાયદાની જ સરકાર રહી છે. આજે રજૂ થયેલ બજેટ પણ માત્રને માત્ર વાયદાઓનો વેપાર જ છે, બજેટ પી.પી.પી. યોજનાને પ્રોત્સાહિત કરનારું, ખેડૂતવિરોધી નીતિઓને પ્રાધાન્ય આપનારું, સરકારી સંસ્થાઓના ખાનગીકરણને મહત્ત્વ આપનારું બજેટ છે. આ બજેટ મોટા ઉદ્યોગપતિઓને મોટો ફાયદો કરનારું છે. નવા કરમાળખાથી ખેડૂતો અને આમ જનતાને નુકશાન જશે, જેથી આજનું બજેટ સામાન્ય નાગરિકો માટે નિરાશાજનક રહેલ છે.
બેરોજગારો, યુવાનો, મહિલાઓને ફાયદારૂપ નથી
ભાજપ સરકારનું બજેટ છેતરામણું અને ભ્રામક છે. વન ટેક્ષ વન નેશનની વાત કરતી પાર્ટી દ્વારા રજૂ થયેલ બજેટ બેરોજગારો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને ફાયદો કરનારું નથી. બજેટમાં બધી જ યોજનાઓમાં પીપીપી મોડલ દાખલ કરી છે, જેથી ભાજપ સરકાર દેશની જનતા પ્રત્યેની પોતાની તમામ જવાબદારીઓમાંથી હાથ ઉંચા કરી બોજો જનતા ઉપર નાખવા માંગે છે અને સાથોસાથ મહામુલી રાષ્ટ્રીય સંપત્તિ ઉદ્યોગપતિઓને પધરાવવા માંગે છે. આ બજેટ સામાન્ય લોકોની આવક શક્તિ ઘટાડી ખર્ચ વધારનારું છે.
ઉત્પાદન ૧૫ વર્ષમાં સૌથી નીચું
દેશમાં જી.ડી.પી. ગ્રોથ ૧૧ વર્ષમાં સૌથી નીચો, રોકાણનો દર ૧૭ વર્ષમાં સૌથી નીચો, ઉત્પાદન ૧૫ વર્ષમાં સૌથી નીચું, ટેક્ષ ગ્રોથ ૨૦ વર્ષમાં સૌથી નીચો, બેરોજગારી ૪૫ વર્ષમાં સૌથી વધુ, ખાદ્ય ફુગાવો ૬ વર્ષમાં સૌથી વધુ છે ત્યારે માત્ર આંકડાની માયાજાળ, આભાસી અને સામાન્ય તથા મધ્યમ વર્ગ માટે ખૂબ જ નિરાશાજનક બજેટ છે. દેશની નાણાંકીય સ્થિતિ જરાપણ સારી નથી, દેશમાં કશું સલામત નથી છતાં કેન્દ્રીય નાણામંત્રી કહે છે કે ‘ઓલ ઈઝ વેલ’.
માત્ર વાયદાઓના વેપાર
રજૂ થયેલ બજેટમાં બેરોજગારોને રોજગારી આપવા, આર્થિક મંદી ઘટાડવા, વેપારીઓને મંદીમાંથી બચાવવા સરકારે કોઈ જ જાહેરાત કરી નથી. બજેટથી દેશના ખેડૂતો, બેરોજગારો અને વેપારી આલમમાં નિરાશા વ્યાપી છે. આ બજેટ માત્રને માત્ર વાયદાઓના વેપાર સમાન જ છે અને લોકોની સરકાર પાસેની આશાઓ ઠગારી નીવડી છે.