ગાંધીનગર, 26 જૂન 2021
એક લિટર દૂધ આપતાં પશુને 300 ગ્રામ ખાણ દાણ આપવામાં આવે છે. જેમાં કપાસીયા ખોળ સૌથી વધું હોય છે. કપાસીયામાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ 10 વર્ષથી ખેડૂતો કરી રહ્યાં છે. છતાં સરકાર કંઈ કરવા માંગતી નથી. આ અઠવાડિયે ભેળસેળયુકત કપાસિયા ખોળના કોથળા સાથે ખેડૂતોએ દેખાવો કર્યા હતા. પશુ આહારનો ભાવ વધતાં તેમાં 90 ટકા સુધી બીજા અખાદ્યય પદાર્થો નાંખવામાં આવે છે.
અમૂલ દાણથી 150 ગાય મરી ગઈ
એક માસમાં આણંદ જિલ્લાના પાળજ, ત્રણોલ અને રતનપુરા ગામમાં અમૂલ ચરમ દાણ ખાવાને કારણે 150થી 300 દૂધાળી ગાયો અને વાછરડાના મોત થયા હતા. 2018-2019માં અમુલ ડેરી દ્વારા આપવામાં આવેલા ચરમીયા નાશક દાણ આપવામાં આવ્યું હતું. આમ આદમી પક્ષના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી કહે છે કે, માત્ર અમૂલ જ નહીં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખાણ-દાણમાં ભેળસેળના કારણે પશુઓ મરી રહ્યાં છે. ખાણની તપાસ કરવા માટે એક પણ લેબ નથી. માણસોની વસ્તુઓ માટેનો ભેળસેળ કાયદો છે એવો જ કાયદો પશુઓ માટે તુરંત બનાવવામાં આવે.
ગુજરાતમાં 5 હજાર વર્ષથી કપાસિયા બીને પશુઓને ખવડાવવાનો રેકર્ડ મળે છે. પહેલા તેલ સાથેના કપાસિયા પશુને આપવામાં આવતાં હતા. જે પોષ્ટિક હોય છે. પણ 1950થી તેમાંથી તેલ કાઢીને તેલ માણસ ખાવા લાગ્યો અને તેનો ખોળ પશુઓને ભેળસેળ કરી આપવા લાગ્યો છે. પશુનો આહાર માણસ ખાવા લાગ્યા છે.
ઉત્પાદન
ભારતમાં રૂમાંથી 110 લાખ ટન કપાસીયા પેદા થાય છે. જેમાં ગુજરાતમાં 12 લાખ ટન કપાસિયા પેદા થાય છે. 17થી20 ટકા તેલ કાઢી લઈને 10 લાખ ટન ખોળ બની શકે છે. પણ ખોળના ઉત્પાદન કરતાં બે ગણો કપાસિયા ખોળ વપરાય છે.
ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સરકાર કે ખોળ ઉત્પાદકો અને વેચરાનારા સંગઠનો દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. તેથી ભેળસેળ વધી રહી છે.
ઉત્પાદન કરતાં 3 ગણો ખોળ વપરાય છે
2019માં
ગુજરાતમાં કુલ પશુઓની વસતી 2.68 કરોડ ગણવામાં આવી છે. ગુજરાતમાં કુલ ગૌવંશ (કેટલ) 99.83 લાખ હતો. જેમાં 67.67 લાખ ગાય અને 32 લાખ બળદ, સાંઢ હતા. 43.76 લાખ કુલ દેશી ગાય હતી. 18.49 લાખ બળદ હતા.
1 કરોડ જેની ભેંસની વસતી છે.
આમ 1.70 કરોડ ગાય અને ભેંસને દૂજણા ગણીને સરેરાશ 10 લિટર દૂધ આપે તો એક પશુને રોજના 3 કિલો ખાણ-દાણ આપવામાં આવે છે. જેમાં 50 ટકા કપાસિયા ખોળ હોય છે. આ હિસાબે આખા ગુજરાતમાં એક પશુ દીઠ 1થી 1.50 કિલો કપાસિયા ખોળ આપવામાં આવે છે. જો રોજનું 20 લિટર દૂધ હોય તો 3 કિલો કપાસિયાનો ખોળ આપવામાં આવે છે.
આમ 1.70 કરોડ પશુને રોજના 1.70થી 5.10 કરોડ કિલો કપાસિયા ખોળ રોજ ઓછામાં ઓછો આપવામાં આવે છે. તેનાથી વધું હોવાની શક્યતા છે. જે આખા વર્ષનું ગણવામાં આવે તો 620 કરોડ કિલોથી 1861 કરોડ કિલો કપાસિયા ખોળ થવા જાય છે. માનો કે માત્ર 300 કરોડ કિલો જ કપાસિયા ખોળ વપરાય છે. તો પણ તેની સામે કપાસિયા ખોળનું ઉત્પાદન તો 10 લાખ ટન એટલે કે 100 કરોડ કિલો જ છે.
તેનો સીધો મતલબ એ થયો કે ઓછામાં ઓછી 3 ઘણી ભેળસેળ થઈ રહી છે.
શું ભેળસેળ થાય છે
ખોળમાં સસ્તી વસ્તુ ભેળવે છે. ખોળમાં લાકડાનો વેર, મગફળીની ફોતરી, કમોદની ફોતરી, કપાસિયાના છાલા, મકાઈનું ભૂસું, ભોગાવો રેતી, કલર કેમિકલ, સડેલુ અનાજ, સડેલું કઠોળ, ગાંડા બાવળના પડીયા, ઉદયપુરની માટી, કઠોળની ફોતરી, પથ્થરનો ભૂકો, કાગળના પેંકીંગના પૂઠા, ચીકણી માટી વિગેરે ભારે ભેળસેળ કરાય છે. આવી 18 વસ્તુ નાંખવામાં આવે છે. કપાસિયા ખોળ જેવો દેખાય તે માટે લીલોરંગ અને રાજસ્થાની સફેદ એસિડ ઉમેરવામાં આવે છે. કપાસિયા ખોળમાં આ બધું ઉમેરાય ત્યારે તે પશુની હત્યા કરતું ઝેર બની જાય છે.
ખતરનાક કેમિકલ
આ ભેળસેળ પછી કેકને મુલાયમ બનાવવા માટે કેમિકલ વાપરવામાં આવે છે. સૌરાષ્ટ્રના મિલ માલિકો નીતિ નેવે મૂકીને સૌથી વધું ભેળસેળ કરે છે.
ભેળસેળ કરાયેલા કપાસિયા ખોળ ખાવાથી પશુને શું થાય છે.
પશુઓમાં વ્યંધત્વ આવી જાય છે.
માદાને ગર્ભ રહેતો નથી. વારંવાર ઊથલા મારે છે.
કાયમ ગાભણ થતું નથી.
ગર્ભાશયને પારાવાર નુકસાન થાય છે. ગર્ભાશય બહાર નિકળી જાય છે.
પશુનો વિકાસ અટકી જાય છે.
ઝાડા થાય છે. ઝાડામાં લોહી પડે છે.
દૂધનું ઉત્પાદન અને ફેટ ઘટી જાય છે.
કેમિકલના કારણે પશુ નબળુ પડી જાય છે.
પશુના મોત થાય છે.
ગુલાબી ઇયળ ખોળમાં
કપાસીયા તેલમાં ગુલાબી ઈયળ
ગુજરાતમાં કપાસીયામાંથી તેલ કાઢવામાં આવે છે. જેમાં ગુલાબી ઈયળ મોટા પ્રમાણમાં આવે છે. જેને દૂર કર્યા વગર કેટલાંક તેલ મીલો તેલ કાઢીને ખાવા આપી દે છે. તેથી સાવધ રહેવું. તેથી જીનીંગ મીલોએ કચરો સળગાવી દેવો કે ખાતર બનાવી નાંખવું. 12 લાખ હેક્ટર તો બીટી કપાસનું હોવાનો અંદાજ છે.
કપાસિયા ખોળને પશુ આહાર માટે આવશ્યક ચીજ ધારા હેઠળ ગણવાની જરૂર છે.
હાઇડ્રોજન
કપાસિયાથી તેલ કાઢવા માટે હાઈડ્રોજનની પ્રક્રિયા કરવામાં આવે છે. જે પાચન અને જઠરના પ્રશ્નો ઊભા કરે છે.
તેલ કાઢવા માટે ડીઓડોરાઈઝિંગ રાસાયણિક દ્રાવણ નાંખવામાં આવે છે. ખોળને ગરમ કરીને ફરીથી તેલ કાઢવામાં આવે છે. ખોળથી તેલ કાઢવા માટે એ અને બી ગેલોસીન અથવા હેક્સાઈનનો ઉપયોગ થાય છે. હાઈડ્રેશન, રિફાઈનીંગ, બ્લીચિંગ, ડિઓડોરાઈઝેશન કરવામાં આવે છે. તેલ કાઢતી વખતે ઓક્સિડાઇઝ્ડ થાય છે જેના કારણે તેમની પ્રકૃતિ વધુ ઘાતક બને છે. ગેસની પ્રકૃત્તિ પેદા થાય છે.
ગોસિપોલ ઝેર
ગોસિપોલ ઝેર કપાસિયામાં હોય છે. પોષણ વિરોધી, કુપોષણની સમસ્યા થઈ શકે છે. લાંબો સમય ખાવાથી ઝેરી અસર થઈ શકે છે. ગોસિપોલની અનેક નકારાત્મક આડઅસરો થાય છે. ગોસિપોલથી વંધ્યત્વ અને ઓછું વીર્ય બની શકે છે. પ્રારંભિક ગર્ભના વિકાસ સહિત ગર્ભાવસ્થાની સમસ્યાઓ થઈ શકે છે. યકૃત નુકસાન, શ્વસન તકલીફ અને મંદાગ્નિ પેદા થાય છે. લોહીમાં પોટેશિયમનું પ્રમાણ વધારી પશુના હ્રદય, યકૃતને નુકસાન કરે છે. કુકડાને કપાસિયા ખોળ એક અઠવાડિયા સુધી સતત આપવામાં આવે તો તે મૃત્યુ પામે છે.
કોઈ કાયદો નથી
પશુઆહારમાં ભેળસેળ અંગે કોઈ કાયદો નથી. જે કાયદો માણસની ખાવા પીવાની વસ્તુઓ માટે લાગુ પડે છે. એ જ કાયદો પશુઓના ખોરાકની ભેળસેળ અને ગુણવત્તા માટે બનાવવાની માંગણી કરવામાં આવી છે. કોઈ કાયદો ન હોવાથી પશુ વિરોધી લોકો પશુઓનો જીવ લઈ રહ્યાં છે. ખોળ 6 મહિનામાં ન વપરાય તો એક્સ્પાઇરી તારીખ 6 મહિના પછી ફૂગ લાગી જાય છે. લીલો ખોળ ચોકલેટ રંગનો થઈ જાય છે.
ખોળની મિલો અને કપાસીયાની જીનિંગ મિલો
પાસિયા ખોળનું ઉત્પાદન કરતી 1200 મિલો આખા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં 900 મિલો છે. તેના ઉત્પાદન પર બોરી પેકમાં કપાસીયા ખોળ લખે છે. પણ તેમાં 30 ટકા જ કપાસીયા ખોળ હોય છે. 70 ટકા ભેળસેળ હોય છે. ગુજરાતમાં ખાસને સૌરાષ્ટ્રમાં કપાસિયા ખોળ બનાવતી મિલો વધું છે. ચોમાસું આવે એટલે ભાવ વધે છે. તેથી ભેળસેળ વધે છે. 20 કિલોના રૂ.1800 ભાવ છે.
વેપારી સંગઠન 5 વર્ષથી કંઈ ન કરી શક્યું
ભેળસેળ વધારે હોય તેવો ખોળ બનાવનારા, વેચી આપનારા દલાલો અને છૂટક વેપારીને વધુ કમિશન મળે છે. સૌરાષ્ટ્ર કોટનસીડ ક્રસર્સ એસોસિયેશન અને સૌરાષ્ટ્ર, કપાસ, કપાસીયા ખોળ દલાલ એસોસીયેશન છે. 2016માં ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશને ભેળસેળીયા તત્વો સામે ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. છતાં પણ તેમના વેપારીઓ ભેળસેળ કરી રહ્યાં છે. પશુઆહારમાં કપાસિયા અને કપાસિયા ખોળનો ઉપયોગ ઓછો થઈ ગયો છે.
મિલો બંધ
લોકડાઉનમાં ગુજરાતમાં 1200માંથી સૌરાષ્ટ્રની 900 મિલો બંધ થઈ ગઈ હતી. ઉદ્યોગ ખોટમાં હતો. તેથી તેઓ ભેળસેળ તરફ વળી ગયા છે. ભાવમાં અસ્થિરતા અને ધંધાની અસ્થિરતાથી રાતોરાત નુકસાની થાય છે. રાતોરાત ધનપતિ બનવા માટે અનેક ઓઈલ મિલરો ભેળસેળ તરફ વળ્યા છે.
ખાણ-દાણ
પશુઓની આહાર પેટર્ન બદલાઈ ગઈ છે. પશુને તેના દૂધના ઉત્પાદનના 30 ટકા અને બાકી બીજો ખોળ આપવો જોઈએ. જેમાં કપાસિયા, ગુવાર, મગફળી ખોળ, કપાસિયા ખોળ, મકાઈ ખોળ કે અન્ય ખોળ અથવા કોઈ એક થુલુ કે ચુની અથવા બે વસ્તુ ભેગી કરીને આપવી જોઈએ. પરંતુ જુદા જુદા દાણનું યોગ્ય મિશ્રણ કરતા નથી. મીઠું, ક્ષારમિશ્રણ હોવું જોઈએ.
પશુપાલકો જાનવરોને એકલા કપાસીયા, બાજરી, ગુવાર કે ખોળ ખવડાવે છે. તેના બદલે બીજા ખોળ કે તત્વો ઉમેરવા જોઈએ. જેમાં જુવાર /બાજરી/મકાઈ 10 ટકા, કપાસિયાખોળ 30 ટકા, તુવેર ચુની -મગ ચુની -અડદ ચુની 20 ટકા, ઘઉં નું થુલું 10 ટકા, ડાંગર કુશ્કી 12 ટકા, મગફળી છોડા 5 ટકા હોવા જોઈએ.
ભેંસના દૂધ ઉત્પાદનના 50 ટકા, ગાયના દૂધના ઉત્પાદનના 40 ટકા દાણ આપવું જોઈએ.
21 લાખ ટન ખોરાક ફેક્ટરીનો
6 લીટરથી લઈને 41 લીટર દૂધ એક પ્રાણી રોજ આપે છે. 21 લાખ ટન ફેક્ટરીમાં બનેલો કૃત્રિમ ખોરાક ગાય અને ભેંસને ખવડાવી દેવામાં આવે છે. 1 હજાર કરોડ કિલો દૂધ મેળવવામાં આવે છે. જેમાંથી દૂધ, ચોકલેટ, દહી, ચીજ, ઘી, માખણ જેની 211 જાતની ડેરી પ્રડક્ટ બનાવવામાં આવે છે. જે માણસ મોજથી ખાય છે. દૂધ સહિત આવી વસ્તુઓ માણસને આરોગ્યને નુકસાન કરતી હોવાથી ઘણાં લોકો દૂધ કે પશુઓની કોઈ પણ વસ્તુ ખાવાનું બંધ કરી રહ્યાં છે. એક વર્ગ એવો છે કે તેમણે દૂધ પીવાનું બંધ કરી દીધું હોય અને તેના રોગ સારા થઈ ગયા હોય.
પ્રમાણ નથી
દાણમાં સિલિકા-રેતી 2 ટકાના બદલે 7 ટકા સુધી નાંખવામાં આવે છે. ફાઈબર 18 ટકા સુધી હોય છે. ઓછી ગુણવત્તા, પ્રોટીન 20 ટકા સુધી હોવું જોઈએ તેના બદલે 8-10 ટકા હોય છે.
દૂધ સફેદ કે કાળું
આહારની અસર પશુની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદન પર થાય છે. ખોળમાં કે દાણમાં ભેળસેળ કરવાથી તેના દુધમાં અસર થાય છે. તે તત્વો દૂધમાં આવે છે. આ દૂધ પાવથી ભારે નુકસાન થાય છે. એક તો દૂધની ડેરીનું દૂધ એટલે ચોખ્ખું એવું ન માનવું, તેમાં આ ભેળસેળ પકડાઈ છે. બાયકાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, યુરિયા ખાતર, એમોનિયમ સલ્ફેટ, ખાંડ, ડી.ડી.ટી., જંતુનાશકો, ઓકિસટેટ્રાસાયકિલન, પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાયસીન પશુઓની દવાના અંશો, દુધને ફાટી જતું અટકાવવા જેન્ટામાયસીન, સિન્થટિક દૂધ, ડીટરજન્ટ, વનસ્પતિજન્ય ચરબીની ઘણી વખત મિલાવટ શોધી શકાય છે.
ઝેર
રજકો, જુવાર, કપાસમાં ઝેરી તત્વ અમુક પ્રમાણમાં હોય છે. જે પશુ માટે જીવલેણ સાબિત થાય છે. હાઈડ્રોસાયાનીક એસિડ, એચ.સી.એન.પોઈઝનિંગ, જુવાર, શેરડી, મકાઈ, સુદાન ઘાસ, અળસીનો ખોળમાં સાયનોજનીક ગ્યુકોસાઈડ કે સાયનાઈડ નામે ઝેર હોય છે. માત્રા વધારે ન હોવી જોઈએ.
ગોસીપોલ પોઈઝનિંગ
કપાસ, કાલા, છોડ કે તેના ખોળ જેવી પેદાશોમાં ગોસીપોલ પોઈઝનિંગ 6 ટકા સુધી હોય છે.
પશુમાં ગોસીપોલની આડ અસર થાય છે. લાંબાગાળા સુધી આવો ખોરાક ખાવાથી પશુ નબળું પડતું જાય છે. સતત શ્રમથી ધ્રાંસે છે, પશુ નબળું પડતું જાય, ખોરાક ન લે તેમજ ધ્રાંસે છે. ચામડી ફીકકી અને પશુ થાકી જાય છે. દુધ ઉત્પાદન ઘટે, વિશેષ કરી માદા પશુમાં પ્રજનન સમસ્યાઓ રહે, જેમાં ફાલુ નથવું, ઉથલા મારવા, અનિયમિત ગરમીમાં આવવું વગેરે મુખ્ય ગણી શકાય.
ઝેર એસિડોસીસ
ઝેર એસિડોસીસ તત્વ ઘઉંનુ ભડકું, મકાઈ, મકાઈની ફોતરી, ઘઉં, લાપસી, રોટલી, લોટ વધુ પડતી ખવડાવવાથી પશુનો પી.એચ. (અલ્કલત) નીચો જાય છે. જાડા, પેટમાં દુખાવો થતાં પગ પછાડી પશું આડું પડી જાય છે. ભાંભરે છે. શરીરમાં લેકટિક એસિડનું પ્રમાણ વધી જાય છે. થોડા કલાકોમાં પશુ મૃત્યુ પામે છે.
આલ્કલોસીસ
પશુને યુરિયા ખાણમાં આપવામાં આવે છે. તેની માત્રા વધારી દેવાય તો આલ્કલોસીસને યુરિયા પોઈઝનિંગ કહે છે. યુરિયા ઝેર ચડે છે. વધુ પડતાં કઠોળ, અડદ, મગ, ગુવાર, ખાઈ જવાથી આવ્હાલોસીસ ઝેર થાય છે. એમોનિયા ગેસનું પ્રમાણ વધે છે. એમોનિયા લોહીમાં ભળતાં આલ્કલોસીસ ઝેરની અસર તીવ્ર બને છે. પશુને તાણ આવે છે. વારંવાર પેશાબ કરે છે. આંખો ખૂબ લાલ થઈ જાય છે. પશુ આડું પડી પગ પછાડે છે. કોઈ વખત ઝાડા થાય છે. થોડા કલાકમાં મૃત્યુ પામે છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના ડૉ. વી. એલ.પરમાર, જે.એસ. પટેલ, ડો. ભાવિકા આર. પટેલ, ડો. બી.બી. જાવિયાએ આ અંગે ખેડૂતોને ચેતવણી આપી છે.