પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા

પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા બન્ને ડિઝાઈન કરાઈ હતી

પાટણ, 5 મે 2020

સામાજીક અંતર જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો આગળ રાઉન્ડ માર્કિંગની પહેલ દેશભરમાં અપનાવવામાં આવી છે. રાઉન્ડ કરવાનું પાટણ પહેલું હતું.

રાઉન્ડ માર્કિંગ સિસ્ટમના પાયોનિયર રહેલા પાટણ જિલ્લાની વધુ એક પહેલ દેશભરમાં લાગુ કરવામાં આવી છે.

લોકડાઉનની શરૂઆત સાથે જ ભોજન વિતરણ અને જનજાગૃતિની જે વ્યવસ્થા શહેરમાં ઉભી કરવામાં આવી હતી. તે જ પ્રકારની વ્યવસ્થા દેશના દરેક જિલ્લામાં ઉભી કરવા કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા 8 એપ્રિલ 2020ના રોજ એડવાઈઝરી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં એક સ્વૈચ્છીક સંસ્થાને લાઈઝનીંગની જવાબદારી આપી તમામ સંસ્થાઓને તેના વડપણ હેઠળ કામ કરવા ચોક્કસ માળખું નક્કી કરવામાં આવ્યું હતુ. 24 માર્ચ 2020ના રોજ યોજાયેલી આ બેઠકમાં નક્કી કરવામાં આવેલા માળખા મુજબ વિતરણ વ્યવસ્થા સફળતાપૂર્વક ચાલી હતી.

કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ સ્થાનિક સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે સંકલન માટે જિલ્લા કક્ષાએ એક નોડલ ઑફિસરની નિમણૂંક કરવામાં આવે, એક મુખ્ય સ્વૈચ્છીક સંસ્થા નક્કી કરવામાં આવે જે અન્ય તમામ સંસ્થાઓ વતી નોડલ ઑફિસર સાથે સંકલનમાં રહે. વધુમાં નોડલ ઑફિસર અને મુખ્ય સ્વૈચ્છીક સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા વિસ્તારો મુજબ અન્ય સ્વૈચ્છીક સંસ્થાઓને જે તે વિસ્તારની જવાબદારી સોંપવામાં આવે.

પાટણ શહેરની વાત કરીએ તો જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઠરાવ્યા મુજબ એક જ સંસ્થા દ્વારા કમ્યુનિટી કિચન ચલાવવામાં આવ્યું હતું. બાકીની સંસ્થાઓને શહેરના વોર્ડદિઠ જવાબદારી સોંપવામાં આવેલી હતી. ભોજનનું વિતરણ કરવામાં આવ્યું.

હૉમ કોરોન્ટાઈન કરવામાં આવેલા પરિવારને ભોજન ઉપરાંતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમના ઘરઆંગણે મળી રહે તે માટે મદદ પણ કરવામાં આવી.

સામાજીક અંતર જાળવવા, માસ્ક પહેરવા, હેન્ડવૉશ અને સેનેટાઈઝરના ઉપયોગ અંગે જનજાગૃતિ કેળવવા પણ આ સ્વૈચ્છીક સંસ્થાઓ અને તેમના સ્વયંસેવકોએ તેમને સોંપાવામાં આવેલા વિસ્તારોમાં રાત-દિવસ કામ કર્યું હતું.

ચોક્કસ વિસ્તારમાં એક સાથે વિવિધ સંસ્થાઓ સેવાઓ આપે ત્યારે અમુક લાભાર્થીઓને વધુ જથ્થો મળે અને અન્ય વિસ્તારમાં ખરેખર જરૂરિયાતમંદ હોય તે સેવાથી બાકાત રહી જાય. આવી શક્યતાઓ ટાળવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે લોકડાઉનના સમયગાળામાં જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા ચોક્કસ માળખું નક્કી કરી આપ્યું હતું.

પાટણનો એકપણ જરૂરિયાતમંદ પરિવાર ભુખ્યો નથી સૂતો. તે સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી જિલ્લા વહિવટી તંત્રની સફળતા છે. જેના પગલે પાટણના આ વર્ક મોડેલને દેશભરમાં લાગુ કરવા નીતિ આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી એડવાઈઝરી પાટણ જિલ્લા માટે ગર્વની વાત છે.