પેટ્રોલિયમ અને વિસ્ફોટકો, ઓક્સિજન અને ઔદ્યોગિક ગેસ ઉદ્યોગને પડતી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પેટ્રોલિયમ અને વિસ્ફોટક સલામતી સંગઠન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા

નવી દિલ્હી, 27-03-2020

કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં રાખવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનની સ્થિતિમાં હોસ્પિટલો અને અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓને વિના અવરોધે ઓક્સિજનનો પૂરતો જથ્થો પૂરો પાડવાનું સુનિશ્ચિત કરવા માટે તેમજ પેટ્રોલિયમ, વિસ્ફોટકો, ફટાકડા અને ઔદ્યોગિક ગેસ ઉદ્યોગોને પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગ (DPIIT) અંતર્ગત આવતા પેટ્રોલિયમ અને વિસ્ફોટક સલામતી સંગઠન (PESO) દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. તેમાં નીચે ઉલ્લેખ કરેલા પગલાં સામેલ છે:

  1. મેડિકલ ઓક્સિજનનો સંગ્રહ કરવા અને તેના પરિવહન માટે તાત્કાલિક લાઇસન્સ આપવાનું સુનિશ્ચિત થાય તે માટે PESOના વડામથક દ્વારા તેની તમામ ઓફિસોને સૂચનાઓ મોકલી દેવામાં આવી છે.
  2. દેશમાં કોવિડ-19ને નિયંત્રણમાં લાવવા માટેના પગલાંના ભાગરૂપે ગૃહ મંત્રાલય દ્વારા તા. 24/03/2020ના રોજ આપવામાં આવેલા આદેશ નંબર. 40-3/2020ને અનુલક્ષીને તમામ રાજ્યોના અગ્ર સચિવો (ગૃહ ખાતું)ને 25.02.2020ના રોજ PESO દ્વારા માર્ગદર્શિકા જાહેર કરીને, વિના અવરોધે મેડિકલ ઓક્સિજન અને નાઇટ્રસ ઓક્સાઇડના ઉત્પાદન અને પરિવહન માટે મંજૂરી આપવાની વિનંતી કરવામાં આવી છે.
  3. ઓક્સિજન અને અન્ય ગેસના પરિવહન માટે લાઇસન્સની માન્યતાની મુદત જો 31/03/2020ના રોજ પૂરી થતી હોય તો તેને લંબાવીને 30/06/2020 કરવામાં આવી છે.
  4. વિસ્ફોટકો અને ફટાકડાના સંગ્રહ, પરિવહન, વેચાણ, ઉપયોગ અને ઉત્પાદન માટે લાઇસન્સની મુદત 31/03/2020ના રોજ પૂરી થતી હોય તો તેને લંબાવીને 30/09/2020 કરવામાં આવી છે. લાઇસન્સ રીન્યૂ કરવામાં વિલંબ બદલ લેવામાં આવતી લેઇટ ફી પણ માફ કરવામાં આવી છે.
  5. કોમ્પ્રેસ્ડ ગેસ, CNG, LPG અને અન્ય ગેસના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા સિલિન્ડરનું સંવિધાનિક હાઇડ્રો પરીક્ષણ 31/03/2020ના રોજ કરાવવાનું હોય તો પરીક્ષણની મુદત 30/06/2020 સુધી માન્ય ગણાશે.
  6. ઓક્સિજન, LPG અને અન્ય ગેસના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા પ્રેશર વેસેલ્સમાં સંવિધાનિક સેફ્ટી રિલિફ વાલ્વનું પરીક્ષણ અને હાઇડ્રો પરીક્ષણ 15/03/2020 થી 30/06/2020 સુધીમાં કરાવવાનું હોય તો પરીક્ષણની મુદત 30/06/2020 સુધી માન્ય ગણાશે.