હીજરત કરી ગયેલા મજૂરો હવે સરકારી પોર્ટલ પરથી નોકરી શોધી શકશે

છેલ્લાં 5 વર્ષમાં 5 કરોડથી વધુ યુવકોએ કૌશલ્ય હાંસલ કર્યુ છે. કુશળ કામદારોના કૌશલ્યની માપણી માટેના પોર્ટલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેનાથી વતનમાં પાછા ફરેલા હીજરતી શ્રમિકો સહિતના કામદારોને આસાનીથી નોકરી મેળવવામાં સહાય થશે. માલિકો માઉસ પર ક્લિક કરતાંની સાથે જ કુશળ કામદારોનો સંપર્ક કરી શકશે. હીજરતી શ્રમિકોના કૌશલ્યનો ઉપયોગ કરવાથી સ્થાનિક અર્થતંત્રને ફાયદો થશે.

આ ઉપરાંત તેમણે દેશમાં ઉપલબ્ધ કૌશલ્યની તકોનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે હેલ્થકેર સેકટરનુ ઉદાહરણ આપતાં જણાવ્યુ હતું કે, ભારતના કુશળ કામદારો વિશ્વની જરૂરિયાતને પૂરક બની શકે તેમ છે. તેમણે જે માંગ હોય તેનુ આકલન કરવાની તથા ભારતનાં કૌશલ્યનાં ધોરણોને અન્ય દેશના કૌશલ્ય સાથે જોડવા અનુરોધ કર્યો હતો. સમાન પ્રકારે તેમણે જણાવ્યુ હતું કે, દુનિયાભરની મરચન્ટ નેવીની માંગ વધી રહી છે ત્યારે દરિયાઈ (મેરીટાઈમ) ક્ષેત્રનો અનુભવ ધરાવતા ભારતીયો આ ક્ષેત્રમાં નિષ્ણાત ખલાસીઓ બની શકે તેમ છે.

વિશ્વ યુવા કૌશલ્ય દિવસ કે જે દર વર્ષે જુલાઈ માસની 15 તારીખે મનાવવામાં આવે છે તે આ વર્ષે વર્ચ્યુઅલ પધ્ધતિથી મનાવવામાં આવ્યો હતો. આ સમારંભમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના મંત્રી શ્રી મહેન્દ્ર નાથ પાંડે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી આર. કે. સિંઘ તથા લાર્સન એન્ડ ટુબ્રોના ગ્રુપ ચેરમેન એ. એમ. નાયકે કોન્ક્લેવને સંબોધન કર્યુ હતું. લાખો તાલીમાર્થીઓના વ્યાપક નેટવર્ક ઉપરાંત કૌશલ્ય વિકાસ વ્યવસ્થાના તમામ સહયોગીઓ આ કોન્ક્લેવમાં સામેલ થયા હતા.