વરસાદના હવામાન ખાતાના વરતારાથી રાજ્યના ખેડૂત પરિવારો વાવણીના કામમાં જોતરાઈ ગયા
અમદાવાદ
ગુજરાતમાં ચોમાસું સમય કરતાં થોડુ વહેલું શરૂ થવાની સંભાવનાઓ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે (9 જૂન) સમગ્ર મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે, અને આગામી બેથી ત્રણ દિવસમાં અમદાવાદ પહોંચી જવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનને પગલે મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે.
રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહીઃ 10 જૂન: વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, દમણ અને દાદરા નગર હવેલી (હળવેથી મધ્યમ વરસાદ). 11 જૂન: વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ (હળવેથી ભારે વરસાદ).12 જૂન: વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ (હળવેથી મધ્યમ વરસાદ). 13 જૂન: વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, બોટાદ અને દીવ (હળવેથી મધ્યમ વરસાદ). 14 જૂન: દમણ, દાદરા નગર હવેલી, આણંદ, અમદાવાદ, પંચમહાલ, ખેડા, દાહોદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવ (હળવાથી મધ્યમ વરસાદ).
જૂન મહિનાનું બીજું અઠવાડિયા ચાલી રહ્યું છે. તેની સાથે રાજ્યમાં ચોમાસાની ઋતુની આલબેલ જોવા મળી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ બંધાઈ રહ્યું છે. તેમ છતાં તાપમાનમાં હજુ ઘટાડો થતો ન હોવાથી લોકો ગરમીથી પરેશાન છે. જ્યારે વાતાવરણમાં ભેજના પ્રમાણમાં સવાર અને સાંજે વધ-ઘટ જોવા મળી રહી છે.
ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન 100 ટકાથી વધુ વરસાદ થવાની હવામાન ખાતાના વરતારાના પગલે રાજ્યના મોટાભાગના ખેડૂત પરિવારો વાવણીના કામમાં જોતરાઈ ગયા છે, અને મગફળી તથા કપાસના વાવેતરતી આરંભ કરવામાં આવ્યો છે. ડાંગરની ખેતી કરનારા ખેડૂતોએ ધરૂ નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે. જ્યારે પિયતની સગવડ વધારે નહીં ધરાવતા ખેડૂત પરિવારો બિયારણની ખરીદી કર્યા બાદ વાવેતર માટે મેઘરાજાના આગમની પ્રતિક્ષા કરી રહ્યા છે.
ગુજરાતમાં આ વખતે રોહિણી નક્ષત્રમાં નિયમિત વરસાદ પડવાની આગાહી કરતા જ્યોતિષે જણાવ્યું કે, આગામી ચોમાસુ ઘણું સારું રહેવાની શક્યતા છે કારણે કે, ભૂતળમાં જે યોગ્ય થાય છે તેને ગામઠી ભાષામાં રોહિણી નક્ષત્ર કહેવાય છે. જેથી નિયમિત વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં 98થી 101 ટકા તો મધ્ય ગુજરાત અને આસપાસના ભાગોમાં 106 ટકા વરસાદ થવાની સંભાવના છે.