રાજભવન રાજકીય ષડતંત્રનો અડ્ડો ન બને : શિવસેના

મુંબઈ, તા. 19 : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિધાનપરિષદમાં સભ્યપદે નિયુક્ત કરવામાં થયેલ રહેલા વિલંબને અંગે શિવસેનાએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીની ટીકા કરતાં જણાવ્યું છે કે રાજભવન રાજકીય ષડયંત્રનો અડ્ડો બનવો જોઈએ નહીં.
ઉદ્ધવ ઠાકરેને વિધાનપરિષદમાં રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવાની મહારાષ્ટ્રના પ્રધાનમંડળની ભલામણ અંગે ભગતસિંહ કોશીયારીએ કાનૂની અભિપ્રાય માંગ્યો છે. તેનાથી શિવસેના પક્ષ ગિન્નાયો છે. શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે જણાયું છે કે રાજભવન રાજકીય ષડયંત્રનો અડ્ડો બનવો જોઈએ નહીં. જેઓ ગેરબંધારણીય રીતે વર્તે તેઓને ઈતિહાસ માફ કરતો નથી. તે અંગે રાઉતે આંધપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામલાલના કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે ગત 28મી નવેમ્બરે શપથ લીધા હતા. બંધારણીય જોગવાઈ અનુસાર તેઓ માટે આવતી 28મી મે સુધીમાં વિધાનસભાઅથવા વિધાનપરિષદના સભ્ય બનવું જરૂરી છે. અન્યથા તેમણે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવું પડી શકે છે.