રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટનો પણ વ્યાપક ઉપયોગ કરીને રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. ૨૪ હજાર કીટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે. ૧ એપ્રિલના રોજના ૧૦૦ ટેસ્ટથી શરૂ કરીને તા. ૨૩ એપ્રિલ સુધીમાં રોજના ૨૯૬૩ ટેસ્ટ કરવામાં આવેલા છે.
જિલ્લાઓમાંથી ૧૦૦-૧૦૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસમાં ૪૨૧૨ ટેસ્ટ પણ થયેલા છે.
ટેસ્ટ માટે ૧૫ સરકારી અને ૪ ખાનગી મળીને ૧૯ લેબોરેટરી દરરોજના કુલ 3000 ટેસ્ટની ક્ષમતા સાથે કાર્યરત છે. ટેસ્ટના રિપોર્ટ એક જ દિવસમાં આવી જાય તેવું આયોજન થયું છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા વધુ ૧ લેબ ગાંધીનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે શરૂ કરવાની મંજૂરી આપી છે.
રાજ્યમાં કલસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં તેમજ શ્રમિકો માટે ચલાવવામાં આવતા લેબર કેમ્પમાં રહેતી સગર્ભા બહેનો તથા હોટસ્પોટ જિલ્લાઓના કેન્દ્રોમાંથી ખસેડવામાં આવેલી આવી બહેનો જેમને પ્રસવ પીડા હોય કે આગામી પાંચ દિવસોમાં પ્રસુતિ થવાની હોય તેવી બહેનો બિમારીના કોઇ લક્ષણો ધરાવતી ન હોય તો પણ પ્રસુતા આરોગ્ય સંભાળની તકેદારી રુપે આવી બહેનોના કોવિડ-૧૯ તપાસણી ટેસ્ટ કરવામાં આવે.