RCEP: સોલાર પાવર માટે ફોટો વોલ્ટેક સેલ બનાવતી કંપનીઓ ચીનના સપ્લાયથી ખતમ થશે

અમદાવાદ,રવિવાર

ભારત આવતીકાલે રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં સહભાગી થવાની તૈયારી દર્શાવશે તો ભારતમાં એકથી બે દાયકામાં અસ્તિત્વમાં આવેલી અને સ્થિર થવા માંડેલી ભારતની ફોટોવોલ્ટેઈક ઇન્ડસ્ટ્રી સફાચટ થઈ જશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં ફોટો વોલ્ટેઇક ડિવાઈઝ અને સેલનું ઉત્પાદન કરનારી કંપનીઓની સંખ્યા અંદાજે 100 જેટલી છે. તેમાં મોડ્યુલ બનાવનારી કંપનીઓનો પણ સમાવેસ થાય છે. ભારત સરકાર રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં જોડાવા તત્વર 16 દેશો સાથે જોડાય તો ભારતની ફોટોવોલ્ટેઈક ઇન્ડસ્ટ્રીઝ ખતમ થઈ જશે. ભારત સરકાર સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવાનું 175 ગિગાવોટનું લક્ષ્યાંક રાખીને બેઠી છે ત્યારે તેના થકી વીજળી પેદા કરવા માટેના ઉપકરણો બનાવતી કપનીઓની સંખ્યાં પણ મોટી સંખ્યામાં આગળ આવી છે. 2030 સુધીમાં 450 ગિગાવોટ વીજળી સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પેદા કરવાનું આયોજન છે.

ટાટા સોલાર, મોસેરબાએર, ઇન્ડો સોલાર, વિક્રમ સોલાર વાર્રી એનર્જી જેવી કંપનીઓના ધંધા બેસી જશે. છેલ્લા પાંચ સાત વર્ષમાં આ કંપનીઓએ સરકારની સોલાર પાવર પેદા કરીને પોલ્યુશન ઘટાડવાની કોશિશને ધ્યાનમાં રાખીને તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટે પણ ખાસ્સા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ નામની ભારત સરકારની કંપની પણ ફોટો વોલ્ટેઈક સેલનું ઉત્પાદન કરે છે. સોલાર પાવરની પેનલ  એસેમ્બલ કરીને પાવર પ્રોડક્શન ચાલુ કરી આપતી ગુજરાતમાં 2500થી 3000 કંપનીઓને પણ અસર પડી શકે છે. ભારતમાં આ પ્રકારની 50000થી વધુ કંપનીઓ છે. તેમના કામકાજ પર પણ વિપરીત અસર પડવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ એકમો ચીન, મલેશિયા, વિયેટનામ અને મલેશિયાથી સેલની આયાત કરે છે. જે ભારતની કંપનીઓ કરતાં અત્યારે ડ્યૂટી ભર્યા પછી પણ દસ ટકા નીચા ભાવે બજારમાં મળી રહ્યા છે.

ગુજરાતમાં સોલાર પેનલને એસેમ્બલ કરીને પાવર પ્રોડક્શન કરી આપતી અંદાજે 2500થી 3000 કંપનીઓ છે. આખા ભારતની વાત કરવામાં આવે તો આ પ્રકારના કામ કરતી કંપનીઓની સંખ્યા અંદાજે 50,000થી વધુની છે. આ કંપનીઓ એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કમિશનિંગની કામગીરી કરે છે. સરકાર તરફથી તેના પર આપવામાં આવતી સબસિડી ઇન્ડિજિનિયસ મટિરિયલ પર જ હોવાથી તેઓ ઇન્ડિજિનિયસ કંપનીઓના હિસ્સાઓ પર મદાર બાંધી રહ્યા છે. તેમના પર પડનારી અસરનો અત્યારે અંદાજ આવી શકતો નથી. કારણ કે રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં કઈ શરતે તેના પૂરજાઓની આયાત કરવા દેવામાં આવે છે તે અંગે સ્પષ્ટતા નથી. ગુજરાતમાં એસેમ્બલ કરનારી કંપનીઓમાંથી મોટા ભાગની કંપનીઓ ચીનમાંથી જ ફોટો વોલ્ટેઈક સેલ અને ગ્લુની આયાત કરે છે. તેના સિવાયના પેનલ માટેના તમામ પાર્ટ્સ તેઓ અહીં જ તૈયાર કરી રહ્યા છે.

સોલાર પાવર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે અત્યારે ભારતની સોલાર ઇન્ડસ્ટ્રીઝ તેના એક કિલોવોટની સૌર ઉર્જાની પેનલ (જેમાં રોજના સરેરાશ પાંચ યુનિટ વીજળી પેદા થાય છે.) પર કરવા પડતા અંદાજે રૂા.19000ના ખર્ચમાંથી રૂા.4000 જેટલા તો ટેક્સ પેટે સરકારને ચૂકવી રહ્યા છે. આ સંજોગોમાં વિદેશથી આયાત કરવામાં આવતા ઉપરકણો સાવ જ સસ્તા મળતાં થઈ જશે તો આ તમામ ઔદ્યોગિક એકમોને વાવટો સંકેલી લેવાની ફરજ પડશે.

સોલાર મોડ્યુલ અને સેલ વેચનારાઓની હાલાકી પણ વધી જવાની સંભાવના છે. ચીનમાંથી આયાત કરીને પણ ભારતમાં મોટી સંખ્યાામાં સેલ વેચવામાં આવી રહ્યા છે. આગામી ચાર પાંચ વર્ષમાં ભારત દર વર્ષે સૌર ઉર્જાથી વીજળી પેદા કરવામાં દર વર્ષે 25 ગિગાવોટનો ઉમેરો કરવાનો પ્રયાસ કરી રહી છે. 2022 સુધીમાં 175 ગિગાવોટ અને ત્યારબાદના દસેક વર્ષમાં 450 ગિગાવોટ વીજળી સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પેદા કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.

અત્યારે સોલાર પાવર માટે સરકારની વીજ વિતરણ કંપનીઓ દ્વારા મંગાવવામાં આવતા ટેન્ડરોમાં પણ ભાગ લેવાનું ઘણી કંપનીઓ ટાળી રહી છે. સરકાર દ્વારા સોલાર પાવરના ભાવની અપર લિમિટ બાંધી દેતી હોવાથી સરકારી કંપનીઓના ટેન્ડર ભરવા બહુ કંપની આગળ આવતી નથી. અપર લિમિટ બાંધી દેવામાં આવતી હોવાથી તેમને માટે કમાણી કરવાનો અવકાશ સીમિત થઈ જતો હોવાથી તેઓ ટેન્ડર ભરવાનું ટાળી રહ્યા છે. બીજું, અગાઉ તેમને યુનિટદીઠ રૂા.14.50ના ઊંચા ભાવ મળ્યા છે તેથી અત્યારે યુનિટદીઠ રૂા.2.75થી ઓછા ભાવે વીજળી વેચવાનું તેમને પરવડતું પણ નથી.