સેન્સેક્સમાં 334 અને નિફ્ટીમાં 105 પોઈન્ટનો મોટો કડાકો, લાર્સન એન્ડ ટુબ્રોનો શેર સૌથી વધુ 1.80 ટકા તૂટ્યો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ અને મારૂતિના શેરમાં ગિરાવટ
મુંબઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક અને ટીસીએસ જેવા મોટા શેરોમાં નફો બુકિંગ થવાને કારણે બુધવારે સ્થાનિક શેર બજારો લાલ નિશાન સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 333.93 પોઈન્ટ અથવા 0.64 ટકાના ઘટાડા સાથે, 51,941.64 પર બંધ રહ્યો હતો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી 104.75 પોઈન્ટ એટલે કે 0.67 ટકા ઘટીને 15,635.35 ની સપાટીએ બંધ રહ્યો છે. નિફ્ટી પર તાતા મોટર્સના શેરમાં સૌથી મોટો 2.61 ટકા કડાકો થયો હતો. એ જ રીતે અદાણી પોર્ટ્સ, શ્રી સિમેન્ટ્સ, એલએન્ડટી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ગિરાવટ જોવા મળી હતી. નિફ્ટીમાં પાવરગ્રિડ, એસબીઆઈ લાઇફ, એનટીપીસી, ટાઇટન અને કોલ ઈન્ડિયા ટોપ ગેઇનર હતા.
સેન્સેક્સ પર, લાર્સન એન્ડ ટુબ્રોનો શેર સૌથી વધુ 1.80 ટકા તૂટ્યો. એ જ રીતે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 1.80 ટકા, બજાજ ફિનસર્વમાં 1.46 ટકા, ઈન્ડસઇન્ડ બેન્કમાં 1.44 ટકા, બજાજ ફાઇનાન્સમાં 1.43 ટકા, એસબીઆઈમાં 1.33 ટકા અને મારૂતિના શેરમાં 1.30 ટકા ગિરાવટ જોવા મળી છે.
એક્સિસ બેંક, બજાજ ઓટો, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો. રેડ્ડિઝ, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, આઇટીસી, ઓએનજીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી, એચડીએફસી બેંક અને ટીસીએસ શેરો લાલ નિશાન સાથે બંધ થયા છે.
બીજી તરફ, પાવરગ્રિડના શેરે સૌથી વધુ 3.42 ટકા ઉછાળો નોંધાવ્યો છે. આ સિવાય એનટીપીસી, ટાઇટન, એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઈન્ડિયા, ઇન્ફોસીસ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે.
રિલાયન્સ સિક્યોરિટીઝના હેડ (સ્ટ્રેટેજી) વિનોદ મોદીએ કહ્યું કે, 12 મે પછીનું આ સૌથી મોટું કરેક્શન હતું. અમમેરિકાના મહત્વપૂર્ણ સી.પી.આઈ. ડેટા પૂર્વે રોકાણકારોએ થોડો નફો બુક કર્યો હતો. આને કારણે, તમામ મોટા ક્ષેત્રોમાં વેચાણનું દબાણ જોવા મળ્યું હતું. બુધવારે એશિયાના અન્ય બજારો પણ સુસ્ત રહ્યા. સિઓલ, ટોક્યો અને હોંગકોંગના શેર બજારો લાલ નિશાન પર બંધ થયા છે. જો કે, શાંઘાઇમાં સ્ટોક એક્સ્ચેંજ તેજી સાથે બંધ રહ્યું હતું. બપોરના સત્રમાં યુરોપિયન બજારોમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે.