RMCમાં ભાજપના ઉમેદવાર જોડાયેલ નીતિન રામાણી 

રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને બન્ને પક્ષના ઉમેદવાર કોણ જાહેર થાય તેના પર બધાની નજર મંડાયેલી છે. તે પહેલાં જ બગાવત કરનાર નિતીન રામાણી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. નિતિન રામાણીએ પક્ષથી ઉપર જઈને એક જાહેરાત કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.13ની પેટા ચૂંટણી આગામી 27મીના રોજ યોજાવાની છે. ત્યારે પેટા ચૂંટણી યોજાવા પાછળનું મહત્વનું કારણ છે. કોંગ્રેસના કોર્પોરેટર નિતિન રામાણીએ બગાવત કરીને ભાજપમાં જોડાયા, પેટા ચૂંટણીને લઇને બન્ને પક્ષો ઉમેદવારોને લઈને મંથન કરી રહ્યાં છે. ત્યાં જ કોર્પોરેટર નિતિન રામાણીએ પક્ષથી ઉપર જઈને પોતે ઉમેદવાર હોવાની જાહેરાત કરી હતી. જેને લઈને આગામી 10 તારીખના રોજ ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે.
ભાજપ પક્ષની પરંપરા રહેલી છે કોર્પોરેશનની ચૂંટણીમાં શહેર ભાજપ કાર્યલય ખાતેથી જ ઉમેદવારની જાહેરાત કરવામાં આવતી હોય છે અને શહેર ભાજપ પ્રમુખ જાહેરાત કરતા હોય છે. પરંતુ પેટા ચૂંટણીમાં કોઇ જુદા જ સૂર જોવા મળ્યાં હતા. કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા નિતિન રામાણીએ પક્ષના તમામ નિયમનોને નેવે મૂકી પોતે ઉમેદવાર હોવાની જાહેરાત કરતા શહેર ભાજપમાં કચવાટ શરૂ થઈ ગયો છે. ત્યારે નિતિન રામાણી સામે અનેક સવાલો ઊભા થયા છે કે તેઓ શું સુપર કોર્પોરેટર હોવાનું સાબિત કરવા માગે છે? શું નિતિન રામાણી પક્ષથી અને શહેર પ્રમુખથી ઉપર છે ? જ્યારે પેટા ચુંટણીમાં ભાજપનાં ઉમેદવાર જાહેર કરવા બાબતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ રામાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર આગામી 10 તારીખે ફોર્મ ભરશે. ત્યારે ભાજપની પરંપરા તોડનાર અને ભાજપમાં આવતા ફરી બગાવતના સૂર ઉઠાવનાર નિતિન રામાણી સામે શિસ્તભંગ કરવા બદલ પક્ષ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.