રાજકોટની પ્રજાના રૂ.164 કરોડ ફસાયા, પણ વડોદરાએ રૂ.265 કરોડ ઉપાડી લીધા

Rs 164 crore of Rajkot people trapped, but Vadodara withdraws Rs 265 crore in Yes bank

ઊંચા વ્યાજની લાલચમાં રાજકોટ મહાનગર પાલિકાની સ્માર્ટ સિટી કંપનીએ યસ બેંકમાં રૂ. 164 કરોડ મૂક્યા હતા જે ફસાયા છે. જ્યારે વડોદરા મહાનગર પાલિકાની કંપની સ્માર્ટ સિટી કંપનીએ એક દિવસ પહેલાં રૂ.265 કરોડ ઉપાડી લેતા તે બચી ગયા છે.

રાજકોટ સ્માર્ટ સિટી કંપનીએ 50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવા કહ્યું હતું પણ યસ બેંકમાં ટ્રાન્સફર નહીં કરતા આ રકમ બચી ગઇ છે. મ્યુનિસિપલ કમિશનરે ઉદિત અગ્રવાલે આ રકમ વહેલી તકે ઉપાડવાની છૂટ મળે તે માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને ઇ-મેઇલથી રજૂઆત કરી છે. મહાનગરપાલિકાએ 2017માં સ્માર્ટ સિટી કંપની માટે બેંક એકાઉન્ટ ખોલવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કર્યા હતા. જેમાં અલગ અલગ નવ બેંકોએ ટેન્ડર ભર્યા હતા. આ નવ કંપનીમાંથી સૌથી ઊંચુ વ્યાજ અને સર્વિસ યશ બેંકે સ્માર્ટ સિટી કંપનીને સેવિંગ એકાઉન્ટમાં 6.7 ટકા વ્યાજ આપવાની ઓફર કરી હતી. સામાન્ય રીતે 4 ટકા આસપાસ સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ મળતું હોય છે.

વડોદરા પાલિકાએ દિવસ પહેલા જ 265 કરોડ ઉપાડી લીધા
વડોદરા મનપાનું પણ યસ બેંકમાં ખાતું છે. વમપાના સીએએ 3 મહિના પહેલા જ એવો રિપોર્ટ આપ્યો હતો કે યસ બેંકની હાલત જેાતા તેમાં ફંડ રાખવું હિતાવહ નથી. આ રિપોર્ટને આધારે દિવસ પહેલા વડોદરાએ યસ બેંકમાં મુકેલા 265 કરોડ રૂપિયા બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કર્યા હતા. વડોદરા મનપાની સમયસૂચકતાથી કરોડો રૂપિયા બચાવી શક્યા છે જ્યારે રાજકોટ મનપા વ્યાજની લાલચમાં ફસાઈ ગઈ છે.