RTE મુજબ શાળામાં બાળકો ને પ્રવેશ ન આપનાર શાળા સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત શિક્ષણ વિભાગે કરી હતી. ત્યારે હવે RTE ના પ્રવેશ શરૂ થતાં જ ખાનગી શાળા સંચાલકો એ પોતાનો અસલી રંગ બતાવવાનું શરુ કર્યું છે. વિધાર્થીઓને RTE મુજબ પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવતાં છેવટે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમ છતાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં તેમની સામે કોઈ પગલાં ભરી શકતા નથી. તેઓએ કાયદો તો બનાવ્યો પણ મજૂર બનીને શાળા સંચાલકોની શામે માથું ઝુકાવી રહ્યા છે.
સુરતમાં RTE ના પ્રથમ એડમિશન રાઉન્ડમાં જ કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવામાં આવતાં વિદ્યાર્થીઓના વાલીઓએ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતાં.સેન્ટ ઝેવિયર્સ,મદ્રેશા તૈયાબિયા ઈંગ્લીશ સ્કૂલ સહિત અનેક સ્કૂલના વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી ખાતે પહોંચીને હાય હાયના નારા લગાવ્યા હતાં.જો કે વાલીઓ એડમિટ કાર્ડ લઇને જિલ્લા શિક્ષણ અધિકારીને ત્યાં પહોંચ્યા હતાં. સ્કૂલ દ્વારા એડમિશનની ના પાડતા વાલીઓમાં ઉગ્ર રોષ જન્મ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નવરાત્રિ વેકેશન મુદ્દે પણ ખુદ શિક્ષણ મંત્રી ખાનગી શાળા સંચાલકો ના ‘ખોળામાં બેસી ગયા’ હતાં.સરકારના આદેશ છતાં પણ વેકેશન ના આપનાર ઍક પણ શાળા સંચાલક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી.શિક્ષણ મંત્રી સહિત આખો શિક્ષણ વિભાગ સુરતના ખાનગી શાળા સંચાલકો સામે ઘૂંટણીયે પડી ગયુ હતુ,કારણ કે માત્ર નોટિસ આપી ને જ શિક્ષણ વિભાગે સંતોષ માનવો પડ્યો હતો.
જોકે સુરતમાં કેટલીક બોગસ શાળાઓ પણ ચાલી રહી છે. કેટલીક માન્યતા રદ થયેલી શાળાઓ પણ ચાલુ છે જેને કારણે સુરતમાં ૫૪ જેટલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં મોટી મુશ્કેલી ઊભી થઇ હતી.પરંતુ હજુ સુધી એ નથી સમજાતું કે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ દ્વારા આવી ભૂતિયા શાળાઓ ની સામે કાર્યવાહી કેમ કરવા દેવામાં આવતી નથી? શું શિક્ષણ મંત્રી ના સબંધીઓની ભૂતિયા શાળાઓ ચાલી રહી છે કે પછી પાર્ટી માટે ફંડ ભેગું કરવા ના હેતુથી આવી ભૂતિયા શાળાઓને બેરોકટોક ચાલુ રાખવામાં આવે છે? સરકારમાં જો પ્રામાણિકતા હોય તો RTE મુજબ પ્રવેશ ન આપનાર શાળાની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ એમ ભારતીય જનસેવા મંચના મૌલિક પટેલે જણાવ્યું હતું.