RTO અમદાવાદ ટ્રાફિક પોલીસની સાથે મળીને નેશનલ ઇ-ચલણ પ્રોજેક્ટને કરશે લોન્ચ

અમદાવાદ આર.ટી.ઓ.(રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) અને ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસથી ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં નેશનલ ઇ-ચલણ સિસ્ટમ પ્રોજેક્ટની શરુઆત થશે. અમદાવાદમાં એક અઠવાડિયા સુધી અજમાયશી ધોરણે લોન્ચ કરવામાં આવશે.

આ અંગે ડીસીપી ટ્રાફિક વહીવટના શ્રી તેજસકુમાર પટેલના જણાવ્યા અનુસાર, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે મળીને નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર દ્વારા નેશનલ ઇ ચલણ સિસ્ટમ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરમાં ઓલ-ઇન્ડિયાનું કોઇપણ વ્હિકલ હશે તેમાં ઇ-ચલણ હવે જનરેટ થઇ થશે. આવનારા સમયમાં આ સોફ્ટવેરથી ફાયદો એ થશે કે વાહન માલિક જ્યારે લાયસન્સ રીન્યૂ કે પછી ફિટનેસ સર્ટિફિકેટ માટે આરટીઓનો સંપર્ક કરશે ત્યારે આ સોફટવેરમાં વાહન માલિકના નામે ભારતમાં ક્યાંય પણ બાકી બોલતા દંડ, પેનલ્ટીની રકમ ચૂકવવાની બાકી છે કે કેમ તે તુરંત જ જોઇ શકાશે અને આ બાકી રકમની ચૂકવણી થયા બાદ જ વાહન માલિક વાહન અંગેની કોઇપણ પ્રકાર અંગેની સુવિધા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ઇ-ચલણ જનરેટ થતાની સાથે વાહન ચાલકના રજિસ્ટ્રેશન મોબાઇલ નંબર પર તરત જ મેસેજ મળી જશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ આ સોફ્ટવેરનો ઉપયોગ ૧૨ રાજ્યોની આરટીઓ ઓફિસ કરી રહી છે. જેમાં ૫ રાજ્યની પોલીસ પણ તેમને સહકાર આપી રહી છે. હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ આરટીઓની સાથે મળીને આ પહેલ કરી છે. અમદાવાદ શહેરમાં ૧ અઠવાડિયા સુધી ટ્રાયલ બેઝ પર આ પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવશે. અમદાવાદમાં આ પ્રોજેક્ટની સફળતા બાદ તરત જ સુરત, વડોદરા, રાજકોટ અને જિલ્લા સ્તર પર લોન્ચ કરવામાં આવશે.

આ સોફ્ટવેર ટ્રાયલ બેઝ્ડ પર કેવી રીતે કામ કરશે તેની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, અમદાવાદ આર.ટી.ઓ કચેરી  દ્વારા સૌપ્રથમ અમદાવાદ સિટીનું એક એડમિન ક્રિએટ કરવામાં આવશે. જેના અંતર્ગત ૨૦ માણસોને એનડ્રોઇડ એપ આપવામાં આવશે. જેઓ ઇ-ચલણ જનરેટ કરશે. ત્યારબાદ આ ઇ-ચલણ જનરેટ થયેલો ડેટા આપમેળે આરટીઓ પાસે પહોંચી જશે. આ સાથે-સાથે વાહન માલિકને તેના રજિસ્ટ્રર મોબાઇલ નંબર પર ઇ-ચલણની માહિતી પણ મળી જશે. વાહન ચાલકને ઇ-ચલણનું પેમેન્ટ ઓનલાઇન કરવું હશે તો ઓનલાઇન પણ થઇ જશે. એટલે કે ટૂંકમાં આરટીઓમાં જેટલા વાહન રજિસ્ટ્રેશન હશે તેમનું ઇ-ચલણ જનરેટ થવાનું ચાલું થઇ જશે.

આ અંગે અમદાવાદ આરટીઓ શ્રી એસ.પી.મુનિયાના જણાવ્યા અનુસાર, ‘વન નેશન, વન ચલણ’ મુજબ હાલ આરટીઓ આ સોફ્ટવેરનો ઉપયોગ અજમાયશી ઘોરણે શરું કરી દેવામાં આવ્યું છે. હવે ટ્રાફિક પોલીસની સાથે મળીને અમદાવાદમાં આ પ્રોજેક્ટની ટૂંક સમયમાં શરુઆત કરવામાં આવશે. આ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસને સૌ પ્રથમ ડેમો આપવામાં આવશે. આ સોફ્ટવેર અંતર્ગત જ્યારે કોઇપણ વાહન માલિક આરટીઓમાં પોતાનું વાહન લઇને આવશે, ત્યારે તેનો મોબાઇલ નંબર કે પછી લાયસન્સની વિગતો નાખતા સાથે જ તમામ હિસ્ટ્રી સામે આવી જશે. જેમ કે અગાઉના ઇ-ચલણ ચૂકવવાના બાકી હોય, કોઇ ગુન્હામાં વાહન પકડાયું હોય વગરે. જેમાં વાહન ચાલકે પેનલ્ટી સાથે દંડની રકમ ભરવી પડશે. વાહન ચાલકે અમદાવાદમાં ગુનો કર્યો હશે તો આ ગુનો અન્ય રાજ્યમાં પણ દેખાડશે. આ ઉપરાંત જ્યાં સુધી દંડની રકમ પેનલ્ટી સાથે ભરપાઇ નહીં થાય ત્યાં સુધી લાયસન્સ રીન્યૂ, વાહન વેચાણ કે પછી ફિટનેસ સર્ટિફિકેટ પણ નહીં મળે.

આમ, ‘વન નેશન, વન ચલણ’ની જેમ દેશમાં આર.ટી.ઓના કામમાં એકસૂગતા આવે તે માટે આ સોફ્ટવેર ખૂબ જ અગત્ય સાબિત થવાનું છે. વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો એક રાજ્યમાં ગુન્હો કરીને બીજા રાજ્યમાં આરામથી ફરી શકતા હતા, તે હવે બંધ થશે. કારણ કે, આ સોફ્ટવેરને કારણે સમગ્ર દેશની આર.ટી.ઓ સિસ્ટમમાં જે-તે વાહન ચાલકે કરેલ ગુન્હો, દંડની રકમ, કેટલી વાર ગુન્હો કર્યો છે, જેવી તમામ વિગતો એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. દેશમાં અને ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં જ્યારે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, તેવા સમયે આ પ્રકારની ટેક્નોલોજીકલ અપગ્રેડેશન ટ્રાફિકને સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે ઉપયોગી બની રહેશે.