સચિન તેંડૂલકર પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે

બેટસમેન સચિન તેંડૂલકર શુક્રવારે 47 વર્ષના થઈ જશે પરંતુ તેણે આ વર્ષે તેનો જન્મદિન નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે, કેમકે તે કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઈનું નેતૃત્વ કરનારા ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓને સન્માન આપવા માગે છે. સચિને નિર્ણય કર્યો છે કે હાલમાં ઉજવણીનો સમય નથી. તેને લાગે છે કે આ એ તમામ ડોક્ટર્સ, નર્સ પેરા-મેડિકલ, પોલીસ કર્મીઓ, રક્ષા કર્મીઓ, જે અતિંમ પંક્તિમાં છે તેમના સન્માનનો સમય છે.

અનેક ફેન ક્લબ સોશિયલ મીડિયા પર સચિનને અનોખા અંદાજમાં શુભેચ્છા આપવા આગળ આવી રહ્યા છે. એક ફેન ક્લબ સચિનના 40 દુર્લભ ફોટોગ્રાફ જારી કરશે અને બીજી ફેન કલબ સચિનના સામાજિક કાર્યો અંગે પોસ્ટ કરશે કે જે તેણે હાલના જ કેટલાક વર્ષોમાં કર્યા છે.

22 એપ્રિલે સચિન ફરી એક વખત ચર્ચમાં હતો કે જ્યારે તેની ડેઝર્ટ સ્ટ્રોમ ઈનિંગ્સનો ઉલ્લેખ થઈ રહ્યો હતો, કે જે તેણે આશરે 22 વર્ષ પહેલાં રમી હતી. સચિન તેંડૂલકરે આ ઈનિંગ્સ શારજાહમાં આયોજિત એક ટ્રાઈ સિરિઝ કપ દરમિયાન રમી હતી. આ સિરિઝની છઠ્ઠી મેચ 22 એપ્રિલ 1998એ દુબઈના શારજાહમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.

ઓસ્ટ્રેલિયાના બોલર્સ સચિનની તોફાની બેટિંગ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. સચિનની આ ઈનિંગ્સ ફેન્સમાં ડેઝર્ટ સ્ટ્રોમ તરીકે જાણીતી છે. ભારત તરફથી સચિને 131 બોલમાં નવ બાઉન્ડ્રી અને 5 સિક્સર સાથે 143 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી.