અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા પડતર માંગણીઓ નહીં સંતોષાતા દાણાપીઠની મુખ્ય કચેરીએ આંદોલન ચાલી રહ્યું છે. પ્રતીક ઉપવાસ કરવામાં આવે છે. માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે. શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવી રહ્યું છે.
કરાર દ્વારા નોકરી આપતી R.W.A.ની સંસ્થા દ્વારા 15 હજાર વાલ્મિકી સમાજના સફાઈ કામદારોનું શોષણ થાય છે.
બેનર્સ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારો તથા તમામ ખાતાના કર્મચારીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ ઉપવાસ પર ઉતર્યા છે. આંદોલનમાં AMTS, CNCD, સફાઈ કામદારો અને જુદા જુદા વિભાગના કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. બોનસ પણ બંધ કરી દીધું છે. કુતરા કે પ્રાણીઓ મરી જાય તો કોન્ટ્રાક્ટ વાળા લોકો તેને ઉઠાવતા નથી.
રેલી
સારંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમાથી વિશાળ રેલી દાણાપીઠના મુખ્ય કચેરી સુધી 18 સપ્ટેમ્બર 2025ના દિવસે મહાશક્તિ રેલી કાઢી હતી. 10 હજાર કર્મચારીઓએ રેલી નીકળી હતી. દાણાપીઠની મુખ્ય કચેરીને સૂત્રોચ્ચારો, બેનરો, ડીજેની અને ટ્રક સાથે દેખાવો કરવાને કારણે ચાર કલાકથી વધુ સમય સુધી ઘેરી લીધી હતી. કર્મચારીઓના દેખાવોને પગલે દાણાપીઠથી અમદુપુરા અને એલિસબ્રિજ સુધી ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો.
એન્જિનિયર એસોસિયેશનના 700 કર્મચારીઓ, મેનહોલ કામદાર યુનિયનના 1200 કામદારો, કર્ણાવતી મહાનગર પાલિકા મજદૂર સંઘ, મેલેરીયા જનરલ કર્મચારી રેલીમાં જોડાઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
કર્મચારીઓનું શોષણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોકર મંડળના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત પરમારે જણાવ્યું હતું કે, 1 સપ્ટેમ્બર 2025ના દિવસે માંગણીને લઈને અમે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. તેમને સાંભળવામાં નહીં તેથી 18 સપ્ટેમ્બર 2025 નોકર મંડળ દ્વારા મહારેલી કાઢવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોન્ટ્રાક્ટ પ્રથાથી ઘણા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. અમારા કર્મચારીઓની સીધી ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે.
હડતાલ
વાટાઘાટોનું નક્કર પરિણામ આવ્યું નથી. શાંતિ પૂર્વક આંદોલન કરવાની સાથે હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સફાઈ, પાણી પુરવઠો, અને અન્ય વહીવટી કામગીરી પર તેની સીધી અસર પડી રહી છે.
ટેકો
અમદાવાદ મ્યુનિસિપલ મલેરિયા એસોસિએશન, અમદાવાદ મ્યુનિસપલ મેન હોલ સંસ્થા, હેલ્થ ટેકનિશિયન એસોસિએશન, હેલ્થ એન્જિનિયર એસોસિએશન, સહિત છ થી સાત યુનિયન વાળા તમારી સાથે જોડાઈને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે.
ભરતી
2024માં 6200 સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા હતા. ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
માંગણી
1 – R.W.A.ની આઉટસોર્સિંગ પ્રથા બંધ કરીને શેડ્યૂલ મુજબ મશીન હોલ મુજબ 15 હજાર રોજિંદા સફાઈ કામદાર તરીકે નિમણૂક કરો.
2 – હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કરારની નોકરી બંધ કરો.
3 – મલ્ટીપર્પઝ કર્મચારી તરીકે કામ કર્યું હોય તેમને પુનઃ ફરજ પર લેવામાં આવે.
4 – નવા મલ્ટીપર્પઝ વર્કર કામદારોની નિમણૂંક કરો.
5 – હોસ્પિટલોના વર્ગ 3 , વર્ગ 4ના કર્મચારીઓને ખાતાકીય બઢતી આપો.
6 – 20 સફાઈ કામદારે 1 મુકાદમની નિમણૂંક કરો.
7 – સફાઈ કામદારોમાંથી મુકાદમોને ખાલી જગ્યાએ બઢતી આપો.
8 – અગ્નિશામક દના કર્મચારીઓ પાસે 24 કલાકના બદલે 8 કલાકની ફરજ નક્કી કરો.
9 – લાલ બચના 2006થી 2011 સુધીમાં ડ્રાઇવર અને કંડક્ટરના મૃત્યુ થયા તેમના પરિવારને કાયમી કરો.
10 – કાયમી સફાઈ કામદોરને નવા આવાસ બનાવો.
11 – ફીકસ પગારથી કામ કરતા કર્મચારીઓને રાજ્ય સરકારના નિયમો પ્રમાણે પગાર આપો. નિયમ પ્રમાણે જો કોઈ સફાઈ કામદારે 720 દિવસ સુધી કૉન્ટ્રેક્ટ પર કામ કર્યું હોય તો તેને કાયમી કરવા પડે છે.
12 – જીવના જોખમે કામ કરતા કર્મચારીઓને સુરત મહાનગર પાલીકાના ગ્રેડ પે પ્રમાણે પગાર આપો.
13 – બે વખત સફાઈ માટે આવતા કર્મચારીઓને બે વખત ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપો.
14 – SS તેમજ PHS તેમજ SI તેમજ SSIને બઢતી આપો.
15 – એસ્ટેટ અને નગર વિકાસ વિભાગના કર્મચારીઓને 8 કલાકની નોકરીનો અમલ કરાવો.
16 – વર્ષોથી ફરજ બજાવતા દબાણ મજુરોને નોન ટેકનિકલ સુપરવાઇઝર તરીકે જવાબદારી સુપરત કરો.
17 – સફાઈ કામદારો રોગોથી પીડાય છે, તેથી માંદગી વધારે રહે છે. તેમને સસ્પેન્ડ કે રીમુવ ન કરો.
18 – હાથે, માથે મેલુ ઉપાડવાના કાયદા પ્રમાણે મશીન હોલ (મેનહોલ) કામદારોની કામગીરી બંધ કરો.
કાયદાનો ભંગ
સફાઈ કર્મચારીઓના અધિકાર માટે લડતી સંસ્થા માનવ ગરિમા ટ્રસ્ટના ડિરેક્ટર પુરુષોત્તમ વાઘેલા કામ કરે છે. કેન્દ્ર સરકારના કાયદા ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ-2013 અંતર્ગત સફાઈ કર્મચારી દ્વારા ગટરની અંદર સફાઈ માટે ઉતરવા પર પ્રતિબંધ છે. વર્ષ 1993થી 2013 સુધી 386 સફાઈ કામદારોના મોત ભૂગર્ભ ગટર કે ખાળકૂવામાં અંદર ઉતરવાના કારણે થયાં હતા. જે 2025માં તે જ રીતે મોત થઈ રહ્યાં છે. કારણ કે કાયદો હોવા છતાં તેનું પાલન થતું જ નથી. 44 પ્રકારના સાધનો ગટર સાફ કરતા કર્મચારી પાસે હોવા જોઈએ તેવો નિયમ હોવા છતાં તેનું પાલન નથી થતું. નાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પાસે સાધનોનો અભાવ છે. ઝેરી ગેસનs ટ્રેસ કરવા ગૅસ મોનિટર હોવું જોઈએ, પણ નથી. કામ દિવસે જ થવું જોઈએ પણ તેનું પાલન નથી થતું. 90 મિનિટથી વધુ કામ ન થઈ શકે પણ તેનું પણ પાલન નથી થતું. મૅનહૉલમાં પૂરતું વેન્ટિલેશન હોવું જોઈએ અને તેની સફાઈ કરતા કામદારનો સંપર્ક થઈ શકે તેવા સાધનો હોવાં જોઈએ. આઇપીસી 304 અંતર્ગત ગુનો દાખલ થાય છે.
કીટ નથી
કૉન્ટ્રેક્ટ પર હોય તેવા સફાઈ કામદારોને સેફ્ટી કિટ મળતી નથી. જે સેફ્ટી કીટ આપવામાં આવે છે તે માફક આવતી નથી. બે જોડી કપડાં હોય તો સફાઈ કામદારને કેવી રીતે ચાલે? તેમણે તો રોજ કામ પર જવાનું હોય છે. તેમને આપવામાં આવતા બૂટ પણ કામ આવતા નથી.
કોન્ટ્રાક્ટરનો વિરોધ
9 સપ્ટેમ્બર 2025માં સફાઈ કામદારોનો વીમો અને લઘુત્તમ વેતન બાબતે કોન્ટ્રાક્ટરોએ અમદાવાદમાં સફાઈ બંધ કરી હતી. શહેરમાં ગટરની સફાઈ કરતા વાલ્મિકી સમાજની મંડળીઓના કોન્ટ્રાક્ટરો દ્વારા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કામગીરી બંધ કરી હતી. 30 લાખનો વીમો ઉતારવા તથા PPE કીટ અને બાયોમેટ્રિક હાજરી સહિતની બાબતો ફરજિયાત કરવામાં આવતાં કોન્ટ્રાક્ટરો વિરોધમાં ગયા હતા.
2022
નોકર મંડળ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકામાં એક સમાન પગાર ધોરણ કરવાની માંગણી કરાઈ હતી. નવા સફાઈ કામદારોની ભરતી કરવાની માંગ કરાઈ હતી.
મે 2025
જૂનાગઢ શહેરમાં સફાઈ વ્યવસ્થાને જાળવતા કાયમી, રોજમદાર, સખી મંડળ અને આઉટસોર્સિંગve સફાઈ કર્મચારીઓએ પોતાના લાંબા સમયના પ્રશ્નોનો ઉકેલ ન મળતા હવે હડતાલ અને ધરણાં આંદોલનનો રસ્તો પસંદ કર્યો છે. જુનાગઢ સફાઈ કામદાર કર્મચારી યુનિયનના નેતૃત્વમાં રેલી કાઢી કરારથી કંપનીઓને કામ આપવા વિરોધ કર્યો હતો.
2024
અમદાવાદમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ સદંતર રદ કરવાની માંગણી સાથે રેલી કાઢવામાં આવી હતી.
રાજુલા
7 સપ્ટેમ્બર 2025ના રોજ રાજુલાના 150 સફાઈ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 15 દિવસ માટે કામ અપાય છે તેના બદલે 30 દિવસ કામની માગ કરી હડતાળ અને ધરણા કર્યા હતા. એજન્સી મારફતે સફાઇ કરાવતા વિરોધ કર્યો તો પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરવી પડી હતી.
નડિયાદ
25 સપ્ટેમ્બર 2025ના દિવસે નડિયાદમાં નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાયા બાદ 180 કરારી સફાઈ કર્મચારીઓ અને કર્મચારીઓને જૂન માસમાં મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ લેબર તરીકે અલ્ટ્રા મોર્ડન એજન્સીમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. કર્મચારીઓ પર દબાણ કરી કોન્ટ્રાક્ટનું ફોર્મ ભરાવ્યું હતું. કર્મચારીઓ સખત વિરોધ કરી હડતાલ પર ગયા હતા.
વેરાવળ
માર્ચ 2025માં ગીરસોમનાથના વેરાવળમાં 350 સફાઈ કર્મચારી પાસે અઢી લાખની વસ્તીનું કામ કરાવાતું હોવા સામે વિરોધ કરાયો હતો. 12 મુદ્દા સાથે પાલિકા પ્રમુખને આવેદન આપ્યું હતું.
જૂનાગઢ
11 સપ્ટેમ્બર 2025માં જૂનાગઢ શહેરમાં સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી હતી.
સુરત
2024માં સુરતમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે મહાનગર પાલિકામાં મોરચો લઈ જઈ વિરોધ કરાયો હતો.
મહેસાણા
2024માં મહેસાણા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા રજૂઆત કરી વિરોધ કરાયો હતો.
આમોદ
2024માં ભરૂચના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ અનેક માગણી સામે હડતાલ પર ઉતરી ગયા હતા.
જામનગર
2024માં જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના સફાઈ કામદારોને સેફટીના સાધનો વગર કામ કરવાનો ઈન્કાર કર્યો હતો. સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે તેમ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજુર યુનિયને જાહેર કર્યું હતું. રોડ-ડીવાઈડરની સફાઈ મશીન હોવા છતાં તેના દ્વારા સફાઈ કરવાના બદલે જબરજસ્તીથી સફાઈ કામદાર પાસે ડીવાઈડર સફાઈ કરાવવામાં આવે છે.
2022
સફાઈ કામદારોના વિવિધ સાત પડતર પ્રશ્નોને લઈને અમદાવાદમાં મહારેલી કાઢવામાં આવી હતી અને કોર્પોરેશન ખાતે મોરચા સ્વરૂપે પહોંચીને રામધૂન કરી હતી તેમજ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો યોજી હોબાળો મચાવી દીધો હતો.
2019 – રાજકોટ
સફાઈ કર્મચારીઓ રાજકોટમાં પોતાનું લોહી હાથમાં લઈ મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ જઈને હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. 25 વર્ષથી ભરતી ન કરવામાં આવતા વિરોધ હતો.
2019
ભાવનગરમાં સંયુક્ત ટ્રેડ યુનિયન મંચના 35 સંગઠનોએ મોતીબાગથી ભગતસિંહ ઘોઘાગેઈટ ચોક ખાતે રેલી કાઢીને સૂત્રોચ્ચાર, દેખાવો યોજાયા હતા. રેલીમાં કામદારો-કર્મચારી વિરોધી સરકારની નીતિ સામે વ્યાપક રોષ જોવા મળ્યો હતો.
2017 – પૂરા રાજ્યમાં વિરોધ
24 ઓક્ટોબર 2017માં પડતર પ્રશ્નોની માંગણીને લઈને રાજ્યના તમામ સફાઈ કર્મીઓનો વિરોધ કર્યો હતો. કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવાની તેમણે માંગણી કરી હતી. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બહાર અમદાવાદના અડાલજના શાંતિનિકેતન પાસે વિરોધ કર્યો હતો. અહીં ટ્રાફિક જામ કરી તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કર્મચારીઓને કાયમી કરવાની સાથે તેમનાં વેતનમાં વધારો કરવાની માંગણી કરી હતી. આઉટ સોર્સ કરી કર્મીઓને કોન્ટ્રાક્ટ પર મુકવામાં ન આવે. વેતનમાં વધારો કરવાની માંગણી હતી.
2016
એએમટીએસની 400 બસ રસ્તા પર દોડાવાના બદલે 200 બસો દોડાવાતી હોવાથી પગાર મળતો ન હતો. ખાનગી બસ સંચાલકોને ફાયદો કરવા માટે એએમટીએસની માલિકીની બસ રસ્તા મૂકતા ન હોવાથી નોકર મંડળ અને અન્ય કર્મચારી યુનિયન દ્વારા એએમટીએસ અધ્યક્ષ ચંદ્રપ્રકાશ દવે સહિત કમિટી સભ્યોનો ઘેરાવ કરાયો હતો.
કેરી ગોટલા પ્રથા
પહેલાંના સમયમાં કેરી ગોટલા પ્રથા હતી. કોઈ સફાઈકર્મી બીમાર પડે કે રજા ઉપર જાય તો તેની જગ્યાએ તેના પરિવારમાંથી કોઈ વ્યક્તિ તેની ફરજ નિભાવતા હતા. પરંતુ તે પ્રથા હાલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી છે. આના કારણથી જ આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઘૂસી ગઈ છે.
ઇતિહાસ
અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા સભ્યો તથા કર્મચારીઓનું સહિયારું મંડળ. તેની સ્થાપના 1930માં સરદાર વલ્લભભાઈ પટેલના સૂચનથી થઈ હતી. તેનો મુખ્ય આશય અધિકારીઓ અને કામદારો વચ્ચે સુમેળભર્યા સંબંધો ટકી રહે એ હતો. માલિકોની પહેલથી કર્મચારીઓ અને કામદારોના મંડળની સ્થાપના થઈ હોય એવો બનાવ વિશ્વમાં મજૂર મંડળીના ઇતિહાસમાં આ પ્રથમ ગણાય. બીજું, મ્યુનિસિપાલિટીનો અધિકારી વર્ગ, ચૂંટાયેલા સભ્યો તથા પગારદાર કર્મચારીઓ વચ્ચે સભ્યપદ અંગે આ મંડળમાં કોઈ ભેદ રાખવામાં આવતો નથી. કારોબારીમાં પણ બધાને પ્રતિનિધિત્વ અપાય છે. બધા પોતપોતાની ફરજો પરસ્પર સહકારથી બજાવે એવી આ સંસ્થાની પરંપરા બંધાયેલી છે.
સંસ્થાના પ્રમુખ પદે ભૂતકાળમાં સરદાર વલ્લભભાઈ પટેલ, દાદાસાહેબ માવળંકર, આનંદીભાઈ ઠાકોર, અર્જુન લાલા, ચંદ્રકાંત દરુ, ડી. એમ. સંત તથા નટવરલાલ શાહ જેવા અગ્રણી રહ્યા હતા. 1979થી 2000 સુધી તેના પ્રમુખપદે ઘનશ્યામ ત્રિવેદી તથા મંત્રીપદે દિનકર ભટ્ટ સેવાઓ આપી રહ્યા છે.
15 ઑગસ્ટ, 1942ના રોજ સંસ્થાની સામાન્ય સભાએ કોંગ્રેસ મહાસમિતિના 8 ઓગસ્ટ, 1942ના ‘ભારત છોડો’ ઠરાવને ટેકો આપ્યો, જેના પરિણામ સ્વરૂપે સરકારે મ્યુનિસિપલ બોર્ડને બરતરફ કરી તેનો કારભાર પોતાના હસ્તક લીધો અને જે મ્યુનિસિપલ ભવન પર મહાત્મા ગાંધીએ 1929માં તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો તે ઉતારી લેવામાં આવ્યો. તેના વિરોધમાં સપ્ટેમ્બર 1942માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ‘સિટ ડાઉન’ હડતાળ શરૂ કરી. શહેરમાં પણ સામાન્ય હડતાળ પડી. આંદોલનમાં ભાગ લેનારાઓ માંથી આશરે 40 જેટલા કર્મચારીઓ અને ત્રણ અધિકારીઓની ધરપકડ કરી સજા તથા દંડ ફટકારવામાં આવ્યાં.
વેતનસુધારા, વચગાળાની રાહત, દર ત્રણ વર્ષે સેટલમેન્ટ તથા નર્સિગ સ્ટાફની શિફ્ટડ્યૂટીની માગણીઓના સંદર્ભમાં મે 1980માં નોકર મંડળે પોતાના સભ્યોના મોં પર પટ્ટી બાંધીને અમદાવાદ શહેરમાં મૌન સરઘસ કાઢ્યું હતું તે ભારતનાં મજૂરમંડળોનાં આંદોલનોના ઇતિહાસમાં અનોખી ભાત પાડે તેવું હતું.