બાયડમાં એક તરફ એસ.બી.આઇ નું એ.ટી.એમ તોડી તસ્કરો એ 35.81 લાખના મત્તાની ચોરી કરી હતી. ત્યારે સોમવાર સાંજના સુમારે બાયડના સ્ટેશન રોડ ઉપર આવેલ આંગડીયા પેઢીમાં અજાણ્યા શખ્સે હુમલો કરી 5 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી પલાયન થઇ જતાં સમગ્ર જિલ્લાની પોલીસનું નાક વઢાઇ ગયું છે. બાયડમાં સોમવારે લૂંટ તથા ચોરીના બનાવને લઇ પોલીસવડાની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
બાયડમાં સ્ટેશન રોડ ઉપર આવેલ નંદ કોમ્પલેક્ષમાં સ્ટેટ બેન્કના એ.ટી.એમમાં તસ્કરો રવિવાર તથા સોમવારની રાત્રિએ જાહેરમાં એ.ટી.એમ માં ઘૂસી શટર પાડી દઇ અંદર એ.ટી.એમ મશીનમાં આવેલ કેશના બોક્સને કટરથી કાપી ઉઠાવી લઇ ગયા હતા. આ ચોરીના બનાવમાં 32.81 લાખ રોકડ તથા પ્રેજન્ટર મોડ્યુલ એ.ટી.એમ કેસેટની કુલ રકમ 3 લાખ મળી કુલ 35.81 લાખ ના મત્તાની ચોરી થતાં બાયડ બજાર સ્તબ્ધ બની ગયું છે. એક તરફ એ.ટી.એમ ની ચોરીની તપાસ એલ.સી.બી ની ટીમ અને બાયડ પોલીસ કરી રહી હતી.
ત્યારે જાણે બાયડમાં પોલીસ ન હોય તેમ સોમવાર સાંજના સુમારે બાયડ સ્ટેશન રોડ ઉપર જ આવેલ જે.કે.આંગડીયા પેઢીમાં કોઇ અજાણ્યા શખ્સો આવી આંગડીયા પેઢીમાં આવેલ સી.સી.ટીવી કેમેરા તોડી નાખી પેઢીમાં બેઠેલ કર્મચારી સોમાભાઇ ઉપર જીવલેણ હુમલો કરી બિન્દાસ્ત પણે અંદાજે 5 લાખ ઉપરાંતની લૂંટ કરી લૂંટારા ફરાર થઇ જતાં સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઇ છે. બાયડમાં ચોરીના બનાવો ને લઇ પ્રજામાં ભયનો માહોલ છવાઇ ગયો છે.પોલીસે બન્ને પ્રકરણમાં તપાસ હાથ ધરી છે.ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.આ મામલે જિલ્લા પોલીસવડા મયુર પાટીલે જણાવ્યું કે બાયડ સ્થળ તપાસ કરી વધુ તપાસ શરૂ કરાઇ છે. ટૂંક સમયમાં જ તસ્કરોને ઝડપી લેવાશે.