અમદાવાદથી કેવડીયા વચ્ચે ઉડનારા સી પ્લેનને લઇને ભલે ઉત્સાહ દેખાતો હોય પણ આ પ્રોજેક્ટ પર મોટુ જોખમ પણ તોળાઇ રહ્યુ છે. રીવરફ્રન્ટથી કેવડીયા વચ્ચે ઉડનારા સી પ્લેન પર બર્ડ હિટનુ મસમોટુ જોખમ તોળાઇ રહ્યુ છે. અમદાવાદમાં સી પ્લેન જ્યારે પણ ટેક્ ઓફ કે લેન્ડિંગ કરશે ત્યારે તેની સાથે બર્ડ હિટ થવાનું જોખમ સતત રહે તેવી સંભાવના છે.
પક્ષીઓને ઉડાડવા માટે સતત ફટાકડા ફોડવા પડયા
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સોમવારે સી પ્લેનની ટ્રાયલ રન લેવામાં આવી રહી હતી. એ વખતે પણ પક્ષીઓને ઉડાડવા માટે સતત ફટાકડા ફોડવા પડયા હતા. રીવરફ્રન્ટથી પીરાણાનો કચરાનો ડુંગર માત્ર છ કિમિના અંતરે આવેલો છે. આ ડમ્પિંગ સાઇટ પર પક્ષીઓની ખોરાક માટે સતત અવરજવર રહેતી હોય છે. પીરાણાની ડમ્પિંગ સાઇટ પરના પક્ષીઓની અવર જવરની અસર અમદાવાદના એરપોર્ટ સુધી પણ વર્તાય છે. આવામાં રીવરફ્રન્ટ પર પણ મોટુ જોખમ રહેલુ છે. .
પિરાણા ડુંગરની ઊંચાઇ 60થી 65 ફૂટની છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ પિરાણાના આ કચરાના ડુંગરને મામલે ચિંતાજનક સ્થિતિ રજૂ કરી ચૂક્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગત વર્ષે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે પિરાણામાં 85 લાખ મેટ્રિક ટન કચરો છે. આ ડુંગર 80 એકર સુધી ફેલાયેલો છે. આવામાં બર્ડ હિટને ખાળવા કચરાના આ ડુંગરનો નિકાલ કરવા માટે તંત્રે યુદ્ધના ધોરણે કામ કરવું પડશે.
આ કારણે સી પ્લેન સાથે બર્ડ હિટ થવાની સંભાવના વધી જાય છે
આ સિવાય બીજું પરિબળ એ કે સાબરમતી રિવરફ્રન્ટમાં પુષ્કળ પાણી હોવાથી તે પીવા માટે પણ પક્ષીઓ તેની આસપાસ વધુ હોય છે. આ બંને સ્થિતીમાં સી પ્લેન સાથે બર્ડ હિટ થવાની સંભાવના વધી જાય છે. જો કે સી પ્લેનની ઝડપ ઓછી હોવાથી પાયલોટ નિયંત્રણ કરી શકે છે. તેમ છતા આ જોખમને નકારી શકાય તેમ નથી.
તો અમદાવાદ એરપોર્ટ પર પણ બર્ડ હિટ થાય નહીં તે માટે ફ્લાઇટના ટેક્ ઓફ્ અગાઉ સતત ફટાકડા ફોડવામાં આવે છે. તેમજ લેઝર ગનનો ઉપયોગ કરવો પડે છે. જેના માટે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. આ જ પ્રકારની સ્થિતી હવે સી પ્લેનના વોટર એરોડ્રામ પાસે પણ સર્જાઇ શકે છે.