કોરોનાથી થતાં સંક્રમણની સાંકળને અટકાવવા વિદેશ પ્રવાસ કરીને ગુજરાતમાં આવેલા નાગરિકોને સેલ્ફ ડેકલેરેશન કરવાની અપીલ કરતા ડૉ.જયંતિ રવિ
………
• થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રેડક્રોસ સોસાયટીના સહયોગથી લોહી સહિતની તમામ જરૂરી સુવિધાઓ ‘ઓન વ્હીલ’ પૂરી પાડવામાં આવશે
• અત્યાર સુધીમાં લેવાયેલા કુલ ૧૨૨૪ સેમ્પલ પૈકી ૧૧૭૭ ટેસ્ટ થયા : ૬૩ પોઝિટીવ અને ૧૧૧૪ નેગેટીવ : ૪૭ ટેસ્ટના રિપોર્ટ પેન્ડિંગ
………
વિદેશ પ્રવાસ કરીને ગુજરાતમાં આવ્યા હોય તેવા નાગરિકોએ રાજ્ય તંત્ર કે સ્થાનિક તંત્રને જાણ કરવાની રહેશે તેવી અપીલ કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.રવિએ ઉમેર્યું હતું કે, આવા નાગરિકો જેના-જેના સંપર્કમાં આવ્યા હોય તે અંગે સ્થાનિક તંત્ર દ્વારા ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ તંત્રનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે.
ડો.જયંતિ રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં પાંચ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આજે દિલ્હી ખાતે યોજાયેલી હાઈ પાવર બેઠકમાં પણ ગુજરાત રાજ્યની આ કોવિડ હોસ્પિટલનો ઉલ્લેખ થયો હતો અને આ કોવિડ હોસ્પિટલ ઊભી કરવાના નિર્ણયની વિશેષ નોંધ લેવામાં આવી હતી. તે ઉપરાંત તકેદારીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં ૫૦ બેડની ખાનગી હોસ્પિટલ અને ૫૦ બેડની સરકારી હોસ્પિટલને વેન્ટિલેશન સહિતની સુવિધાઓ સાથે સજ્જ રાખવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે. જિલ્લા કલેક્ટરોને આ કામગીરી કરવા સૂચના આપી દેવાઇ હતી, તે ઉપરાંત આ કામગીરીનું સંપૂર્ણ સુપરવિઝન રાજ્યના બે સિનિયર આઈએએસ અધિકારીઓને સોંપવામાં આવ્યું છે. બંને અધિકારીઓને ૧૫-૧૫ જિલ્લાઓના સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે.
ડો. રવિ ઉમેર્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧૨૨૪ સેમ્પલ લેવામાં આવ્યા છે તે પૈકી ૧૧૭૭ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ૬૩ પોઝિટીવ અને ૧૧૧૪ નેગેટીવ રિપોર્ટ આવ્યા છે. જ્યારે ૪૭ ટેસ્ટ હજુ પેન્ડિંગ છે. નોંધનીય બાબત એ છે કે, અમદાવાદના એસ.વી.પી હોસ્પિટલ ખાતે દાખલ કોરોના પોઝિટીવ મહિલા દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા તેણીને હોસ્પિટલમાંથી રજા આપી ૧૪ દિવસ હોમ કવોરન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે. એટલે કે એક દર્દી કોરોનાથી રિકવરી મેળવીને સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લોકડાઉનની સ્થિતિ દરમિયાન અગવડતા ન પડે તે માટે ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીના સહયોગથી લોહી સહિતની તમામ જરૂરી સુવિધાઓ ‘ઓન વ્હીલ’ પૂરી પાડવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.