પ્રો. હેમંતકુમાર શાહ
ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓનાં ૧૬૦થી વધુ મંડળોનું મહામંડળ એવા ગુજરાત વેપારી મહામંડળની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે આવ્યું. તેમાં ઉમેદવારોની બે પેનલ હતી: એક આત્મનિર્ભર પેનલ અને બીજી પ્રગતિ પેનલ. ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં ‘આત્મનિર્ભર’ શબ્દ નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ એક પ્રવચનમાં વાપર્યો એટલે ચલણી બન્યો.
આજકાલ દેશમાં કોઈ પણ ચર્ચા ચાલતી હોય ત્યારે આ શબ્દ વાપરવાની ફેશન થઈ પડી છે, પછી ભલેને દેશ કે તમે પોતે કે તમારી સંસ્થા કે સરકાર ‘આત્મનિર્ભર’ થાય કે ના થાય, કે પછી તેમને ‘આત્મનિર્ભર’ બનાવવાનો ઉદ્દેશ હોય કે ના હોય. ખરેખર તો ‘આત્મનિર્ભર’ એટલે શું તેની વ્યાખ્યા કંઈ નરેન્દ્ર મોદીએ આપી નથી અથવા કહો કે તેઓ એવી બધી પળોજણમાં પડવા માગતા પણ નથી. જેને જે અર્થ કરવો હોય તે ભલે કરે, બાકીના બધા ભલે આ શબ્દનું પીંજણ કર્યા કરે!
લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે કેટલાક અગત્યના મુદ્દા
વેપારી મહામંડળની ચૂંટણીમાં જેમણે આ ‘આત્મનિર્ભર પેનલ’ બનાવી તેઓ આ શબ્દની વ્યાખ્યા શી કરે છે તેની તેમણે કોઈ સ્પષ્ટતા ચૂંટણીપ્રચારમાં કરી હોવાનું જાણમાં નથી. તેઓ શું, જો તેઓ ચૂંટણીમાં જીત્યા હોત તો, જીત મેળવ્યા પછી –
- વેપારીઓને વિદેશી માલનું, માત્ર ચીનના માલનું નહિ પણ તમામ વિદેશી માલનું વેચાણ નહિ કરવાનું કહેવાના હતા? એને માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા તેમણે નક્કી કરી હતી?
- શું તેઓ ઉદ્યોગપતિઓને હવે પછી ચીન સહિતના વિદેશોમાંથી કોઈ માલની આયાત નહિ કરવાનું કહેવાના હતા?
- શું તેઓ ગુજરાતમાં જે કાચો માલ ઉત્પન્ન થાય તે જ કાચો માલ વાપરવા માટે પ્રતિબદ્ધ થવા માટે ઉદ્યોગોને પ્રેરણા આપવાના હતા?
- તેઓ કોને ‘આત્મનિર્ભર’ બનાવવા માગતા હતા: દેશને, ગુજરાતને, તેમના પોતાના ઉદ્યોગ-ધંધાને, ગુજરાત સરકારને કે ભારત સરકારને, દેશના મતદારોને અને તેમના પરિવારોને?
લેખક દ્વારા: સંસદ અને વિધાનસભાઓ ચાલુ કરો: સરકાર પાસે બુદ્ધિનો ઈજારો નથી
ગુજરાતના મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં લગભગ બધા ઘણું ઉચ્ચ શિક્ષણ મેળવેલા છે અને આ ચૂંટણીમાં જે મતદારો હતા તેઓ પણ તેવા જ હતા. તેમાંની કોઈ પણ વ્યક્તિએ આ પેનલનું નામ ‘આત્મનિર્ભર’ શા માટે રાખવામાં આવ્યું એવો સવાલ ઉઠાવ્યો હતો કે નહિ? વિખ્યાત નાટ્યકાર શેક્સપિયરની જેમ તેઓ “નામમાં તે વાળી શું બળ્યું છે?” એમ કદાચ માનતા હશે! આ પેનલ રચનારા અને તે પેનલના સભ્ય બનીને ચૂંટણીમાં ઝુકાવનારા પણ આવું નામ રાખવા માટે કેમ આકર્ષાયા હતા તે એક મોટો સવાલ છે!
લેખક દ્વારા: વિશ્વ ગુરુ ભારત અને નવી શિક્ષણ નીતિ
શું ‘આત્મનિર્ભર’ પેનલવાળા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને એમ સંદેશ આપવા માગતા હતા કે જો તેઓ જીતશે તો તેમણે પોતાની પેનલનું નામ ‘આત્મનિર્ભર પેનલ’ રાખ્યું છે એટલે રાજ્ય સરકાર અને ભારત સરકાર વેપારી મહામંડળ પ્રત્યે અને વેપારીઓ તેમ જ ઉદ્યોગપતિઓ પ્રત્યે કૂણું વલણ રાખશે? શું તેઓ એમ કહેવા માગતા હતા કે જો તેઓ જીતશે તો તેઓ સરકાર પાસેથી તેમની તરફદારી કરનારી આર્થિક નીતિઓ ઘડાવી શકશે અને તેમનો અમલ કરાવી શકશે? ચૂંટણીમાં આ પેનલ હારી ગઈ એ એક જુદો મુદ્દો છે. પણ શું વેપારી અને ઉદ્યોગપતિ મતદારો સરકારની ચાપલૂસી કરનારા નેતાઓ ઇચ્છતા નથી એવો એનો અર્થ થાય ખરો?
લેખક દ્વારા: અમેરિકન માખણ ચાટીને જન્માષ્ટમી ઊજવો! આત્મનિર્ભર ભારત માટે મોદી-ટ્રમ્પનું કાવતરું!
આ દેશમાં એવી સામાન્ય છાપ પણ રહી છે કે સરકારો, પછી ભલે તે ગમે તે પક્ષની હોય, મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓની, છેલ્લા કેટલાક સમયથી તો બહુરાષ્ટ્રીય કંપનીઓની, વધારે તરફેણ કરતી રહી છે. નરેન્દ્ર મોદી ૨૦૦૧માં ગુજરાતના મુખ્ય પ્રધાન થયા ત્યારથી ગુજરાત વેપારી મહામંડળના નેતાઓ ગુજરાત સરકારને લગભગ કશુંય ખોંખારીને કહી શક્યા નથી અને મોટે ભાગે સરકારની નીતિઓમાં “હા, જી, હા” કરવાની તેમને ફરજ પડી છે તેવી છાપ સામાન્ય રીતે વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં જ નહિ પણ આમ લોકમાં પણ ઊભી થઈ છે જ. વેટ વિરોધી આંદોલન 2007માં થયું અને સમેટાયું ત્યારની હકીકતો આની સાક્ષી પૂરે જ છે.
જો કે, રાજ્ય સરકારની નીતિઓ મોટે ભાગે અદાણી, અંબાણી અને તેમના જેવા મોટા ઉદ્યોગપતિઓની જ તરફદારી કરનારી રહી છે અને તેમને પોતાનું કામ સરકાર પાસે કાઢવી લેવા માટે આવા વેપારી મહામંડળની કોઈ જરૂર પણ હોતી નથી! અમૃતલાલ હરગોવનદાસ અને કસ્તૂરભાઈ લાલભાઈ જેવા મહાનુભાવો જે ગુજરાત વેપારી મહામંડળના કર્તાહર્તા હતા તે મહામંડળ હવે મત સ્વાતંત્ર્ય જાળવીને ખરેખર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ!