મરાઠાઓની ગુજરાતમાં લૂંટ – ભાગ 1
ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020
મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે, સુશાન, લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે.
સુરતને શિવાજીએ બે વખત લૂંટ્યું
છત્રપતિ શિવાજી મહારાજ આજે દુનિયાભરના ભારતીયોના દિલમાં વસે છે એનું કારણ એમણે આપબળે, કોઈ ધાર્મિક કે નાતજાતના ભેદ વિના સ્થાપેલા રાજ્ય અને મુઘલ સામ્રાજ્ય સાથે લીધેલી ટક્કર છે. દાદા માલોજી ભોસલે અને પિતા શહાજી ભોસલે નિઝામશાહી અને આદિલશાહીની સેવામાં રહ્યા. છતાં પોતે સ્વાભિમાની અને સ્વદેશી એવા હિંદવી સ્વરાજની સ્થાપના કરી હતી.
મરાઠા શાસકોના પૂર્વસંપર્ક
અમદાવાદમાં મહારાષ્ટ્રના પેશવાઓની તથા ગાયકવાડોની સત્તા ૧૭૫૩ – ૫૮ દરમિયાન સ્થપાઈ તે પહેલાં છેક ૧૬૬૪થી મરાઠા શાસકો ગુજરાતમાં પગપેસારો કરતા હતા. ને દ્રવ્ય તથા મુલક મેળવવા મથતા હતા.
આની તબક્કાવાર રૂપરેખા અવલોકીએ .
ગુજરાત પરના પ્રાથમિક હુમલા શિવાજીએ મરાઠાઓના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરીને મરાઠાઓની મહત્ત્વાકાંક્ષાનો પાયો નાખ્યો હતો. પોતે સ્થાપેલા સ્વતંત્ર રાજ્યને શત્રુઓથી રક્ષવા, એને દ્રઢ કરવા તથા એનો વિસ્તાર કરવા શિવાજીને નાણાંની જરૂર હતી. આ માટે એની નજર એ સમયના ભારતના સૌથી સમૃદ્ધ બંદર સુરત પર પડી હતી. એણે એને ૧૬૬૪માં તથા ૧૬૭૮માં એમ બે વખત લૂંટ્યું હતું. આમાંથી શિવાજીને શત્રુઓ સામે જરૂર પડે તો લાંબા સમય સુધી લડવા માટે પૂરતાં નાણાં મળ્યાં હતા. આ ઉપરાંત, મરાઠી ઇતિહાસકાર સરદેસાઈ જણાવે છે તેમ , સુરતની લૂંટથી શિવાજીના અન્ય બે હેતુ પણ સિદ્ધ થયા : ( ૧ ) એ પોતાના રાજ્ય પરનું મુઘલોનું દબાણ ઓછું કરાવી શક્યો તથા ( ૨ ) દખ્ખણમાંથી મુઘલોનું ધ્યાન ગુજરાત પર કેન્દ્રિત કરાવી શક્યો.
શિવાજીએ સુરતની કરેલી લૂંટથી ગુજરાતને મરાઠાઓનો પ્રથમ પરિચય થયો હતો. તથા ગુજરાતની નિર્બળ મુઘલ સૂબાગીરી ખુલ્લી પડી હતી. પરિણામે ગુજરાતમાં વિશેષ હુમલા કરીને વધારે ધન પ્રાપ્ત કરવાની મરાઠાઓની મહત્ત્વાકાંક્ષાને પ્રોત્સાહન મળ્યું હતુ. વળી સ્વરાજ્ય સિવાયના અન્ય પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી અને સરદેશમુખી ઉઘરાવવાનો ખ્યાલ પણ શિવાજીને કદાચ આ હુમલાઓ દરમિયાન આવ્યો હોવાનું ઇતિહાસલેખક સેન માને છે.
મરાઠાઓએ ભરૂચ અને એની આસપાસના પ્રદેશોમાં કરેલી લૂંટ
શિવાજીના સરદાર હસોજી મોહિતેના નેતૃત્વ તળે ૧૬૭પમાં તથા શિવાજીના અવસાન (૧૬૮૦) બાદ એના પુત્ર શંભાજીના શાસન દરમિયાન ૧૬૮૫માં ઔરંગઝેબના બંડખોર પુત્ર અકબરની આગેવાની નીચે મરાઠાઓએ ભરૂચ અને એની આસપાસના પ્રદેશોમાં કરેલી લૂંટ તેમજ ઔરંગઝેબના મૃત્યુની પહેલાંના વર્ષે (૧૭0૬) મરાઠા સેનાપતિ ધનાજી જાદવે દક્ષિણ ગુજરાતના પ્રદેશો પર કરેલા હુમલા આ નીતિને આગળ ધપાવવા માટે હોવાનું કહી શકાય.
(ક્રમશઃ)
નોંધ – ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃત્તિક ઇતિહાસ – મરાઠાકાલ, ગુજરાત સરકારની મદદથી ભો.જે વિદ્યાભવન વતી ડો.રામજીભાઈ સાવલિયાએ પુનઃપ્રકાશિત કરેલા રમણલાલ ક. ધારૈયા દ્વારા લખાયેલા આ પ્રકણની વિગતો છે.