BSFના DG કચ્છ સરહદની સમીક્ષા કરે તેવા સંકેતો

ભુજ,

કચ્છની દરિયાઈ સરહદેથી તબક્કાવાર વિવિધ સુરક્ષા એજન્સીઓના હાથે ચરસનો જથ્થો લાગી રહ્યો છે. દરિયામાંથી ચરસના પેકેટો મળવાની વધતી ઘટના વચ્ચે સીમા સુરક્ષા દળના કાર્યવાહક ડાયરેકટર જનરલ આગામી ગુરૂવારથી બે દિવસ કચ્છ સરહદની મુલાકાત લે તેવા સંકેતો સામે આવ્યા છે. સીમા સુરક્ષા દળ દ્વારા તૈયારીનો ધમધમાટ પણ આરંભી દેવાયો છે.

ઈન્ડો તીબેટ બોર્ડર પોલીસના ડીજી સુરજીતસિંહ દેશવાલ હાલે સીમા સુરક્ષા દળના રાષ્ટ્રીય વડાનો વધારાનો હવાલો પણ સંભાળી રહ્યા છે. તેઓ કચ્છની મુલાકાતમાં રણ અને દરિયાઈ પરિસ્થિતિની સમીક્ષા કરશે. દરમ્યાન હાલમાં બીએસએફના કચ્છ સેકટરમાં કોરોનાના છ કેસ નોંધાયા હોવાથી મુલાકાત મોકુફ રહે એવી શકયતા સેવાઈ છે.

આ અંગે બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરના આઈજી જી.એસ. મલિકે કહ્યું હતું કે,  તેઓ કચ્છની મુલાકાત લઈ શકે છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ આયોજન કરાયું નથી. અગાઉ તેઓ રાજસ્થાન અને પંજાબની બોર્ડરની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતના સરહદી કચ્છની મુલાકાતે આવી શકે તેમ છે.