ગુજરાત પોલીસનું મેન્યુઅલ 45 વર્ષમાં પહેલીવાર ગુજરાતીમાં તૈયાર થયું

વર્તમાન સમયમાં નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનાર ગુજરાત, આંધપ્રદેશ પછી બીજા નંબરનું રાજ્ય છે.1975ના વર્ષમાં ગુજરાત રાજ્યના પોલીસ મેન્યુઅલની રચના થયાબાદ પ્રથમવાર આ નવું પોલીસ મેન્યુઅલ-2020 તૈયાર કરાયું છે. લગભગ 45 વર્ષના સમય ગાળા પછી પોલીસ મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે. પોલીસિંગ માટેના અધિનિયમ, કાર્યરિતી, નિયમો અને તકનિકીમાં સમયાંતરે આવેલા બહોળા પરિવર્તનને પરિણામે 1985માં તૈયાર થયેલું આ મેન્યુઅલ સમકાલિન વ્યાવસાયિક સંદર્ભમાં જૂનવાણી, પુરાણું અને અસંગત હતું.

પોલીસ મેન્યુઅલ માટેના જૂના નિયમોની સમીક્ષા અને સુધારણા કરી ગુજરાત પોલીસ માટે સચોટ, સર્વગાહી, સુવ્યવસ્થિત અને સમગ્રતાલક્ષી પોલીસ મેન્યુઅલ નવું તૈયાર કરવાના ભાગ રૂપે ગુજરાત પોલીસ મેન્યુઅલ-2020 ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ મેન્યુઅલના આ નવા ડ્રાફ્ટને ઇ-બુકના માધ્યમથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જેથી આ ઇ-બુક પોકેટ-કો એપ્લિકેશન અને ગુજરાત પોલીસની વેબસાઇટ પર સર્ચની સુવિધા સાથે ઉપલબ્ધ રહેશે. ગુજરાત પોલીસના તમામ સંવર્ગના અધિકારીઓ સરળતાથી સમજી અને ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત પોલીસ મેન્યુઅલ ડ્રાફ્ટ ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવાશે. એટલું જ નહીં સમયાંતરે સમયાનુકુળ જરૂરી સુધારાને પણ અવકાશ રહેશે.

ગુજરાત પોલીસ મેન્યુઅલ-2020 ડ્રાફ્ટને ત્રણ ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ત્રણ ભાગમાં સીઆરપીસી, આઇપીસી, પુરાવા અધિનિયમ, પીઓસીએસઓ, એક્ટ 2012, એસ.સી-એસ.ટી.સુધારા અધિનિયમ-2015, જુવેનાઇન જસ્ટિસ (સીપીસ) એક્ટ 2015, અનલોકૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) સુધારા અધિનિયમ એક્ટ-2014, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ-2008નો સામાવેશ થયો છે. તદઉપરાંત આ ત્રણ ભાગમાં નવી ટેક્નિક જેમ કે સાયબર ફોરેન્સિક લેબ, સાયબર ક્રાઇમ તપાસ સાધનો, સોશિયલ મીડિયા મોનિટરિંગ ટૂલ્સ તેમજ અમલમાં આવેલ અન્ય સુધારાઓને પણ આવરી લેવામાં આવ્યા છે.

એટલું જ નહીં, નવા આર્થિક ગુનાઓ મલ્ટિ લેવલ માર્કેટિંગ, એફઆઇસીએન કેસ, હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ ટ્રાફિકિંગ, સાયબર ક્રાઇમ્સ અને ટ્રાન્સનેશનલ આતંકવાદ જેવી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તોને નિયંત્રિત કરવાની પ્રક્રિયાનો પણ સમાવેશ ગુજરાત પોલીસ મેન્યુઅલના ત્રણ ભાગમાં કરવામાં આવ્યો છે. આ નવું ગુજરાત પોલીસ મેન્યુઅલ નાગરિકોને અવિરત સેવા, અભેધ સુરક્ષા અને અખંડ શાંતિ આપવા તત્પર એવી ગુજરાત પોલીસના વ્યાવસાયિક અભિગમને અસરકારક બનાવવામાં મદદરૂપ રહેશે.