NGMA દ્વારા પ્રથમ વખત કાયમી સંગ્રહની વર્ચ્યુઅલ ટૂરનો પ્રારંભ કરાયો
નોવલ કોરોના વાયરસ (કોવિડ-19)ના જોખમના કારણે સમગ્ર ભારતમાં 21 દિવસ સુધી લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત આવતા તમામ સંગ્રહાલયો અને પુસ્તકાલયો પણ આ લૉકડાઉનમાં આગામી આદેશ સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે. આ અભૂતપૂર્વ સંજોગો વચ્ચે લોકો રાષ્ટ્રીય મોડર્ન આર્ટ ગેલેરીનો કાયમી સંગ્રહ જોવા માટે તેની મુલાકાત લઇ શકતા નથી.
વર્તમાન પરિદૃશ્યમાં NGMA દ્વારા તેના 66માં સ્થાપના દિવસ (29.03.2020) નિમિત્તે પોતાના કાયમી સંગ્રહની વર્ચ્યુઅલ ટૂરનો શુભારંભ કરવામાં આવ્યો છે જેથી આ દિવસોમાં લોકો પ્રત્યક્ષરૂપે સ્થળ પર આવ્યા વગર પણ NGMAનો આ સંગ્રહ નિહાળી શકે છે. લૉકડાઉનની આ પરિસ્થિતિ વચ્ચે NGMA દ્વારા પ્રથમ વખત તેના કાયમી સંગ્રહની વર્ચ્યુઅલ ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. NGMAના મહા નિદેશક શ્રી અદ્વિતા ગડનાયકે જણાવ્યું હતું કે, આ કાયમી સંગ્રહ તેના ભંડારને આ સંસ્થાના ગતિશીલ અને પ્રગતિશીલ સામૂહિક કૌશલ્ય તરીકે પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, NGMAની વર્ચ્યુઅલ ટૂરમાં ઉજાગર કરવા અને તેના પણ વિચાર કરવા જેવી સંખ્યાબંધ બાબતો સમાવી લેવામાં આવી છે.
NGMAના મહા નિદેશકે જણાવ્યું હતું કે, વિઝ્યુઅલ ટૂરમાં સમાવવામાં આવેલા શિલ્પો, ચિત્રો અને છાપ અમારા અનામત સંગ્રહનો ગુપ્ત ખજાનો બતાવે છે. તેમણે કહ્યું હતું કે, NGMA આ વિઝ્યુઅલ ટૂરને આપણા આધુનિક નિષ્ણાતોને અંજલી તરીકે રજૂ કરે છે અને દૃઢતાપૂર્વક માને છે કે, આનાથી લોકોમાં શિલ્પ, ચિત્રો અને છાપોના વારસા પ્રત્યે એક રચનાત્મક માધ્યમ તરીકે ખૂબ જ રુચિ જાગશે. અહીં આપેલી લિંક પરથી વર્ચ્યૂઅલ ટૂર કરી શકાશે.