કોરોના વાયરસના કારણે સ્થગિત કરવામાં આવેલી રાજ્ય સભાની ચૂંટણીની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સભાની ચૂંટણીને લઈને હવે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષની રૂબરૂ મુલાકાત કરીને રાજીનામા આપ્યા છે. જેને લઇને કોંગ્રેસના નેતાઓ સરકાર પર ખરીદ-વેચાણના આક્ષેપો કરી રહ્યા છે.
ગુજરાતમાં ગરમાયેલા રાજકારણ વચ્ચે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા તેમના મતને લઈને મહત્ત્વની જાહેરાત કરી હતી. કાંધલ જાડેજા જણાવ્યું હતું કે, ભાજપની સરકારના રાજમાં મારા મત વિસ્તારના લોકોના કામ થાય છે એટલા માટે અગાઉ પણ મેં ભાજપને મત આપ્યો હતો.
એવી જ રીતે આ વખતે પણ હું મારા વિસ્તારના કામ માટે ભાજપને જ મત આપીશ. અગાઉ પણ જ્યારે રાજ્ય સભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી ત્યારે પણ કાંધલ જાડેજાએ ભાજપને જ મત આપવાનું કહ્યું હતું અને તે સમયે પણ તેઓએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારના વિકાસના કામને હું વધારે મહત્ત્વ આપું છું અને હજુ મારે મારા મત વિસ્તાર માટે ઘણું કરવાનું છે એટલે હું ભાજપને મત આપીશ.
રાજ્યસભાની ચૂંટણીમાં NCP અને BTPના બેમત ખૂબ જ મહત્ત્વના છે. અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા નિવેદન આપી ચૂક્યા છે કે, NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને સમર્થન આપ્યું છે અને ગત ચૂંટણીમાં પણ BTP અને NCP ભાજપને જ મત આપ્યા હતા ત્યારે આગામી ચૂંટણીમાં NCP ભાજપની સાથે રહેવાનું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે એપ્રિલ મહિનામાં રાજ્ય સભાની ચૂંટણીની જાહેરાત થઈ તે સમયે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, NCP મત કોંગ્રેસને અપાશે પરંતુ શંકરસિંહ વાઘેલાનાં નિવેદન બાદ કાંધલ જાડેજાએ તેમનો મત કોંગ્રેસને નહીં પરંતુ ભાજપને મળવાનો હોવાનું જણાવ્યું હતું.
મહત્વની વાત એ છે કે, રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસને 70 મતની જરૂર છે પરંતુ હાલ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં પડતા કોંગ્રેસ પાસે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત ટોટલ 66 મત જ છે .એવામાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને મત આપવાની જાહેરાત કરતાં કોંગ્રેસને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.