૨૧મી સદીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર સાથે જ એક વધુ અધ્યાય પણ જોડાશે અને એ છે અયોધ્યાનો વિકાસ રામના પૂર્વજો એ જે ઇક્ષ્વાકુ પુરીને અયોધ્યામાં વસાવી હતી તેવી જ ઇક્ષ્વાકુ પૂરી ફરીથી વસાવવાની તૈયારી છે. હાલ 17,184 કરોડની વિવિધ યોજનાઓની બ્લુપ્રિન્ટ તૈયાર છે. સરકારે અયોધ્યાના કાયાકલ્પ માટે 6 મહત્વની યોજના પર કામ શરૂ કર્યું છે. જેમાં વિશ્વની સૌથી ઉંચી ૨૫૧ મીટર ઉંચી શ્રીરામની પ્રતિમા, શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાથી કોલકત્તા સુધીની ક્રુઝ, રિંગ રોડ, રેલ્વે સ્ટેશનનો વિકાસ, 84 કોસ પરિક્રમા માર્ગનું ફોર લેનમાં પરિવર્તન અને નવ્ય અયોધ્યા, રામ મંદિર નિર્માણ સાથે જ આ બધા પ્રોજેકટ પુરા કરાશે. આ જ રીતે જુના શહેરની જરૂરીયાતો પણ નવીનીકરણથી સજ્જ થશે.
અયોધ્યા દેશનું પહેલુ શહેર છે જ્યાં એક સાથે હજારો કરોડની વિકાસ યોજનાઓ પર કામ ચાલુ રહ્યું છે.
- પર્યટન વિભાગ શ્રધ્ધાળુઓ પર્યટકો માટે લગભગ 600 કરોડના ખર્ચે રામ કી પૈડી, ગુપ્તારઘાટ, આધુનિક બસ અડ્ડા, રામકથા પાર્ક, સહિત શહેરને લાઇટીંગથી સુસજ્જ કરાશે.
- અયોધ્યામાં 46 કિમીના પરિઘમાં 1289 કરોડ રૂપિયાથી ફોરલેન રિંગ રોડના નિર્માણથી અયોધ્યાનું અગાઉનું સ્વરૂપ બદલાઇ જશે. અયોધ્યાના રેલવે સ્ટેશનને પણ નવો ઓપ અપાશે.
- પ્રભુ શ્રી રામ એરપોર્ટને થાઇલેન્ડ સ્વર્ણભૂમિ એરપોર્ટથી પણ ખૂબસુરત બનાવવાનું કામ ચાલુ છે. 600 કરોડની યોજનામાં 200 કરોડનો પ્રથમ હપ્તો રિલીઝ થઇ ગયો છે.
- રામનગરીમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની વિશાળકાય પ્રતિમા પ્રસ્થાપિત થશે. સરકારની યોજના છે કે 2022 સુધી મૂર્તિ સ્થાપિત થઇ જશે. આ માટે ૫૦૦ કરોડ ખર્ચાશે.
- 84 કોસી યાત્રા માર્ગના કિનારે રામની પૌરાણિકતા સાથે જોડાયેલ મંદિર અને ધાર્મિક સ્થળોને નવી ઓળખ અપાશે. પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગ યોજના માટે કેન્દ્રએ 7195 કરોડ આપ્યા છે.
- અયોધ્યામાં નવી અયોધ્યા વિકસિત કરાશે જેને અવધપુરીમાં ઇક્ષ્વાકુનગરીના નામથી વસાવાશે. પ્રથમ તબક્કે 7000 કરોડ ખર્ચાશે. જ્યાં ઓડીટોરીયમ, ગુરૂકુળ, શિક્ષણ, ખેલ, પરિવહનની સુવિધા હશે.